સર્વેશ્ર્વર ચોકમાં સ્લેબ પડવાની ઘટનામાં પાડા (તંત્ર)ના વાંકે પખાલી (વેપારી)ને ડામ જેવો ઘાટ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં વોંકળાનો સ્લેબ તૂટી પડવાની ઘટનામાં મનપાની શંકાસ્પદ નીતિને કારણે કારણે શિવમ કોમ્પ્લેક્સના અનેક વેપારીઓ કામધંધા વગર બેરોજગાર બેઠા છે. તંત્રથી લઈ બિલ્ડરના વાંકે નિર્દોષ વેપારીઓને કામધંધા વિના એક એક દિવસ પસાર કરવો આકરો બની ગયો છે. કેટલાય વેપારીઓ આર્થિક રીતે પડી ભાંગ્યા છે. તો અમુક વેપારીઓ દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોકમાં ગણેશોત્સવ દરમિયાન વોંકળા પરનો સ્લેબ તૂટી પડતા એક મહિલાનું મોત નીપજ્યું હતું, અનેક લોકો ઘાયલ થયા હતા. અનુસંધાન પાના નં. 2 પર
- Advertisement -
શિવમ કોમ્પ્લેક્સમાં વોંકળાનો સ્લેબ તૂટવાની ઘટનાને 2 મહિના પૂર્ણ છતાં તંત્રની શંકાસ્પદ નીતિને કારણે પરિણામ શૂન્ય
પ્રસિદ્ધિ મેળવવા ઘટનાસ્થળે તાત્કાલિક દોડી ગયેલા નેતાઓને હવે દોષિતને સજા અને નિર્દોષને ન્યાય અપાવવામાં રસ નથી!
ઘટનાને બે મહિના વિત્યા બાદ પણ જવાબદારો સામે કાર્યવાહી તો દૂર તપાસ શરૂ પણ નથી થઈ. અધૂરામાં પૂરું પાડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિમાં વેપારીને વિના વાંકે કામધંધા બંધ રાખી દંડાવું પડી રહ્યું છે. શિવમ કોમ્પ્લેક્સમાં વોંકળાનો સ્લેબ તૂટવાની ઘટનાને 2 મહિના પૂર્ણ છતાં તંત્રની શંકાસ્પદ નીતિને કારણે સમગ્ર મામલે હજુ સુધીનું પરિણામ શૂન્ય છે. જ્યારે આ ઘટના બની ત્યારે પ્રસિદ્ધિ મેળવવા નેતાઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા પરંતુ ત્યારબાદ એકપણ નેતાએ આ મામલે રસ દાખવી દોષિતને સજા અપાવવા કે નિર્દોષને ન્યાય અપાવવામાં રસ દાખવ્યો નથી.
- Advertisement -
શિવમ કોમ્પ્લેક્સના વેપારીઓમાં તંત્ર વિરૂદ્ધ ભારે નારાજગી, જાણો કોણે શું કહ્યું?
સર્વેશ્ર્વર ચોકમાં આવેલા શિવમ કોમ્પ્લેક્સના કેટલાંક વેપારીઓનો તંત્ર સામેનો રોષ ભભૂક્યો છે. એક રેડીમેઈડ કપડાંના વેપારીએ નામ ન લખવાની શરતે જણાવ્યું હતું કે, વોંકળો તૂટવાની ઘટનામાં ભારે રાજકારણ રમાઈ રહ્યું છે. પોલીસ અને તંત્ર એકબીજાને ખો આપી રહ્યા છે. જવાબદારીની ફેંકાફેંકીમાં મરો વેપારીઓનો થઈ રહ્યો છે. તો એક સેન્ડવિચવાળાએ જણાવ્યું હતું કે, ઘટનાને બે મહિના વીત્યા છતાં હજુ સુધી કોઈ પગલાં કે નિર્ણય લેવાયા નથી. ક્યાં સુધી કામધંધા બંધ રાખીને બેસવું? જો તંત્ર અને પોલીસ ઈચ્છે તો બધું તુરંત સરખું થઈ શકે છે પણ અમારા કામધંધા ફરી શરૂ થાય તેમાં રાજકારણી, અધિકારી, પદાધિકારી કે પોલીસને જ રસ નથી. આ સિવાય પાણીપુરી-ભેળ શોપ તથા ઇલેક્ટ્રોનિક્સનો શો રૂમ ધરાવતા બે વેપારીએ જણાવ્યું હતું કે, જો ટૂંકસમયમાં કોઈ નિવેડો નહીં આવે તો ઘણા લોકો આર્થિક રીતે પડી ભાંગશે. સૌને સાથે રાખીને તાત્કાલિક કશું કરીને મઘ્યમ માર્ગ કાઢવો જોઈએ. સમગ્ર ઘટનામાં કેટલાય લોકો બેરોજગાર બની ગયા છે. મોટા લોકોને વાંધો આવતો નથી, આ આખીયે ઘટનામાં નિર્દોષ ને નાના લોકોની રોજીરોટી સંકટમાં મૂકાઈ ગઈ છે.
બે મહિનાથી 90 જેટલી દુકાન-ઑફિસ બંધ
24 સપ્ટેમ્બરે શહેરના સર્વેશ્ર્વર ચોકમાં શિવમ કોમ્પ્લેક્સમાં સ્લેબ પડવાની ઘટના બાદ આજની તારીખે 24 નવેમ્બર સુધી અહીંયા ઓફિસ અને દુકાન ધરાવતા તમામ વેપારીઓના ધંધા રોજગાર બંધ છે. શિવમ કોમ્પ્લેક્સમાં 90 જેટલી ઓફિસ અને દુકાન આવેલી છે જે સ્લેબ પડવાની ઘટના બાદ છેલ્લા બે મહિનાથી બંધ કરાવી દેવામાં આવતા અહીં ઓફિસ અને દુકાન ધરાવતા તમામ લોકોના કામ ધંધાને અસર થઈ રહી છે.
એક પ્રોવિઝન સ્ટોરવાળો અને પંજાબી નામનાં શખ્સને મામલો ભડકાવવામાં રસ?
રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં બનેલી ઘટનામાં છેલ્લા બે મહિનાથી જોરદાર રાજકારણ રમાઈ રહ્યું છે. શિવમ કોમ્પ્લેક્સના કેટલાક વેપારીઓના આડકતરી રીતે જણાવ્યા અનુસાર એક પ્રોવિઝન સ્ટોરવાળો અને પંજાબી નામનાં શખ્સને મામલો ભડકાવવામાં બહુ રસ છે. તેઓ ધરાહાર મામલો સુલઝાવવા દેતાં નથી. એટલું જ નહીં આ ઘટનાનો લાભ લઈ તેઓ સૌને ગેરમાર્ગે દોરી રહ્યા છે. એક પ્રોવિઝન સ્ટોરવાળા અને પંજાબી નામનાં શખ્સની આ કારતૂત પાછળ આંતરિક હરીફાઈ જવાબદાર હોવાનું જાણવા મળ્યું છે.
તંત્રની દુકાનધારકોને ચેતવણી, જો દુકાનો ખોલી છે તો પોલીસ ફરિયાદ
બે મહિના અગાઉ ઘટેલી દુર્ઘટના બાદ શિવમ કોમ્પલેક્સને વપરાશ માટે બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો હોય અંદાજે બે મહિનાથી શિવમ કોમ્પલેક્સની 90 જેટલી દુકાન-શો રૂમ બંધ હાલતમાં પડેલા છે. આ દરમિયાન થોડા દિવસો પહેલા અમુક વેપારીઓ દ્વારા દુકાન, શો-રૂમ ખોલ્યા હોવાનું ધ્યાન પર આવતાં જ મહાપાલિકાની ટીમે દોડી જઈને તેને બંધ કરાવ્યા હતા સાથે સાથે એવી કડક ચેતવણી પણ આપી હતી કે જો હવે તેઓ દુકાન કે શો-રૂમ ખોલશે તો તેમની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવશે. તંત્ર દ્વારા દુકાનધારકોને જો દુકાનો ખોલી છે તો પોલીસ ફરિયાદ કરવાના આવશે એવી ચેતવણી આપવામાં આવતા દુકાનધારકોએ તંત્ર પ્રત્યે ભારોભાર રોષ મીડિયા સમક્ષ ઠાલવ્યો છે.
રાજકોટ મનપાએ છેક બે મહિને ફરિયાદ નોંધાવી
રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પરનો સ્લેબ ધરાસાય થવા મામલે બે મહિનાના અંતે પોલીસ ફરિયાદ નોંધાઇ છે. દુર્ઘટના સર્જાયાના બે મહિના પછી રાજકોટ મનપાના એડીશનલ આસીસ્ટન્ટ એન્જીનીયર મુકેશભાઈ વાલાભાઈ રાઠોડએ તપાસમાં ખુલે તે તમામ સામે ફરિયાદ નોંધાવી છે. જેના આધારે એ ડિવિઝન પોલીસે આઈપીસી કલમ 304, 337, 338 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આંતરિક રાજકારણ વચ્ચે વેપારીઓની રોજીરોટી સંકટમાં
શિવમ કોમ્પ્લેક્સ ઘટનામાં આંતરિક રાજકારણ વચ્ચે વેપારીઓની રોજીરોટી સંકટમાં મૂકાઈ ગઈ છે. કેટલાક લોકોને શિવમ કોમ્પ્લેક્સ તોડીને નવેસરથી બને તેમા પોતાનું હિત દેખાઈ રહ્યું છે. જોકે હકીકતમાં શિવમ કોમ્પ્લેક્સમાં માત્ર રિનોવેશન જરૂર હોય એવું એન્જીનિયર જણાવી રહ્યા છે. કેટલાક લોકોના અંગત સ્વાર્થને કારણે શિવમ કોમ્પ્લેક્સના વેપારીઓને વિના કારણ મરણતોલ ફટકો પડ્યો છે. શિવમ કોમ્પ્લેક્સના વેપારીઓનાં જણાવ્યા અનુસાર કોમ્પ્લેક્સને તોડવાની કોઈ જરૂર નથી. માત્ર થોડા રિનોવેશનમાં જ આખું બિલ્ડીંગ નવું બની જશે. તંત્રને પૂરો સાથ સહકાર આપવાની વેપારીઓએ તૈયારી દર્શાવી છે.
શિવમ કોમ્પ્લેક્સ સિવાયના અન્ય વોંકળા પર આવેલા બાંધકામને ફિટનેસ સર્ટિ. જરૂરી નથી?
રાજકોટના સર્વેશ્ર્વર ચોકમાં વોંકળા પર આવેલા શિવમ કોમ્પ્લેક્સમાં ફિટનેસ સર્ટિફિકેટ અનિવાર્ય જણાવી કોમ્પ્લેક્સ સીલ કરી દેવામાં આવ્યું છે. પણ બીજી તરફ જોઈએ તો શહેર આખામાં કેટલાય વોંકળા પર અસંખ્ય બાંધકામ ખડકાયેલા છે. તંત્ર દ્વારા સર્વેશ્ર્વર ચોક સિવાયના વોંકળા પર આવેલા બાંધકામમાં ફિટનેસ સર્ટિફિકેટ તપાસવા કે સીલ કરવા જેવી કાર્યવાહી કરવામાં કેમ આવતી નથી? કે પછી અહીં પણ કોઈ મોટી દુર્ઘટના ઘટે તેની રાહ જોવાઈ રહી છે?