મેઈન્ટેનન્સ ઉઘરાવ્યાને ત્રણ વર્ષ થયા છતાં એસોસિએશન નહીં, ફાયર ગઘઈની રિન્યુઅલ પણ નહીં
ઊંચી ઊંચી બિલ્ડિંગ જોઈને સૌ કોઈને મન થઈ જાય કે, આવા એપાર્ટમેન્ટમાં અમારૂં ઘર હોય તો, બસ આવી જ ઈચ્છા સાથે લોકો એપાર્ટમેન્ટમાં ઘર લેવા માટે તલપાપડ થતા હોય છે. જેનો લાભ લઈ બિલ્ડરો મોટી મોટી વાતો કરી એમેનિટીઝ બતાવીને ફ્લેટ વેંચી મારે છે અને પૂરતી એમેનિટીઝ આપતા નથી. અમુક બિલ્ડરો મસમોટા વચનો આપી અને કાચિંડાની જેમ રંગ બદલતા બિલ્ડરોથી ચેતીનું રહેવા જેવું છે. આજે ફરીથી એવા બિલ્ડરોની વાત કરીશું જેણે ફરીથી વધુ એક બિલ્ડરે લોકોને ફ્લેટ વેંચીને પૂરતી સુવિધા નથી આપી. 150 ફૂટ રીંગ રોડ પર આવેલા ગોકુલ-મથુરા એપાર્ટમેન્ટની પાછળ આવેલા શારદા સાનિધ્ય-2ના ફ્લેટધારકોએ બિલ્ડર વિરૂદ્ધ રાજકોટ મહાનગરપાલિકાને અરજી કરી છે. જેમાં ફ્લેટધારકોએ લખ્યું છે કે, બિલ્ડર જીતેન્દ્ર પટેલ અને ચિરાગ પટેલે જે રીતે બ્રોશરમાં પ્લાન બતાવ્યો છે તેવી કોઈ ફેસિલિટી નથી આપી. તેથી તેના વિરૂદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે. વર્ષ 2019માં શારદા સાનિધ્ય-2ના બિલ્ડરોએ લોકોને દસ્તાવેજ બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારે બિલ્ડરોએ બ્રોશર મુજબ એમેનિટીઝ આપવાના વાયદા કર્યા હતા. જેમાં પાણી, ફાયર સેફ્ટી અને 24 કલાક સિક્યોરીટી આપવાનું વચન આપ્યું હતું ત્યારબાદ બિલ્ડરોએ આ તમામમાંથી એકપણ સુવિધા ન આપતા વારંવાર ફ્લેટધારકોએ રજૂઆત કરતા બિલ્ડરો એવું કહેતા કે, બિલ્ડિંગનું કમ્પ્લીશન સર્ટીફિકેટ આવી જાય એટલે કરી આપીશ. જ્યારે વર્ષ 2021માં કમ્પ્લીશન મળી ગયા બાદ પણ બિલ્ડરોએ ઠાગાઠૈયા કરતા ફ્લેટધારકોએ મનપામાં રજૂઆત કરી હતી. જ્યારે વર્ષ 2019માં જ ફાયર એનઓસી એક વર્ષ માટે મળ્યું હતું. ત્યારબાદ મળ્યું નથી. બાદમાં એક વર્ષ બાદ મનપાએ રિન્યુઅલ માટે નોટિસ પાઠવી હતી. પરંતુ બિલ્ડરોએ હજુ સુધી તે રિન્યુઅલ કરાવી નથી. આમ ફ્લેટધારકો પર છેલ્લા 2 વર્ષથી જીવના જોખમે રહે છે.
- Advertisement -
તમારે હિસાબનો ખર્ચ નહીં માંગવાનો: બિલ્ડર જીતેન્દ્ર પટેલ અને ચિરાગ પટેલની દાદાગીરી
જ્યારે એસોસિએશન બનાવવાની વાત કરી તો બિલ્ડરોએ એવું કહ્યું કે, તમારે હિસાબ નથી માંગવાનો જે આપું તે લઈ લેવાનું. ફ્લેટધારકોએ એવું પણ કહ્યું કે, એસોસિએશનના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે બિલ્ડરોના મળતિયા શરદ પોપટ અને કિરીટ ખંધેડિયાને બનાવવા માટે પ્રેશર કરી રહ્યા છે જે અમને મંજૂર નથી. આમ છતા બિલ્ડરો શરદ પોપટને પ્રમુખ તરીકે સ્વીકારવા માટે દબાણ કરી રહ્યા છે. જ્યારે બિલ્ડરે એવું પણ કહ્યું કે, અત્યાર સુધી જે કંઈ ખર્ચ થયો તે સોસાયટી મેઈન્ટેનન્સમાંથી બાદ કરવાનો રહેશે જ્યારે ખરેખર સોસાયટી જ્યારે એસોસિએશનને સોંપાય ત્યારપછી જ વપરાવું જોઈએ. વર્ષ 2019માં જ મેઈન્ટેનન્સના ચેક ઉઘરાવી લીધા બાદ આજ દિન સુધી એસોસિએશન બનાવ્યું નથી.
બ્રોશરમાં પ્લાન બતાવ્યા પ્રમાણે કોઈ એમેનિટીઝ ન આપી, ફ્લેટધારકોએ મનપામાં અરજી કરી
- Advertisement -
જિમમાં જૂના સાધનો મૂક્યા અને ઓપન એર થિયેટરના સ્થાને માત્ર પ્રોજેક્ટર
બિલ્ડરોએ પ્લાનમાં ટેરેસ ફ્લોર પ્લાન ખૂબ જ મસ્ત રીતે દર્શાવ્યો છે જેમાં જિમ્નેશિયમ, ઓપન એર થિયેટર, ગેમ ઝોન, વુડન ડેક ગેઝેબો જેમાં ઉપર લાકડાની છત હોય છે અને નીચે બાકડામાં બેસવાનું હોય છે આ સિવાય વોટર ફાઉન્ટેન, લોન પણ દર્શાવ્યું છે જેમાંથી બિલ્ડરોએ ટેરેસ પર માત્ર જિમ બનાવ્યું છે જેમાં પણ જૂના સાધનો લાવીને મુકી દીધા છે અને ઓપન એર થિયેટરની જગ્યાએ સાવ નાનો પ્રોજેક્ટર કરી આપ્યો છે. આમ બિલ્ડરોએ લોકોને મનોરંજન પુરૂ પાડે છે તેવી એમેનિટીઝમાં પણ પોતાની લુચ્ચાઈ વાપરી છે.
તા. 24-4-2022ના રોજ મનપાની ફાયર શાખાએ સ્થળ પર તપાસ કરતા ફાયર સેફ્ટીના સાધનોમાં ઘણી બધી ખામીઓ જોવા મળી હતી. જેને લઈને નોટિસ પણ ફટકારવામાં આવી છે. જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સ્પ્રિન્કલર સિસ્ટમ, ફાયર એક્ઝિક્યુટરની બોટલો ન હોવાથી મેઈન્ટેન કરવા અને ફાયર એનઓસી મેળવી લેવા તાકીદ કરી છે. નોટિસ મળતા જ ફ્લેટધારકોએ બિલ્ડરોનો સંપર્ક કરી રિન્યુઅલ કરવા અને સાધનો નવા ખરીદવા કહ્યું પરંતુ બિલ્ડરોએ આ વિશે કોઈ જવાબ આપ્યો નથી.
એલોટેડ પાર્કિંગ નથી અને ગેરકાયદે રૂમ બનાવી દીધો
શારદા સાનિધ્ય-2 બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોરમાં બિલ્ડરોએ એલોટેડ પાર્કિંગની વાત કરી હતી જે પણ નથી આપ્યું અને અધૂરામાં પુરૂં પાર્કિંગમાં એક ગેરકાયદે રૂમ બનાવી લીધો છે જે હાઉસ કિપીંગને આપી દીધો છે. આમ શારદા સાનિધ્ય-2 ફ્લેટનાં બિલ્ડરોએ પોતે આપેલા વચનોથી સાવ વિપરીત જ કામ કર્યું છે. બિલ્ડરોએ બિલ્ડીંગનાં પાર્કિંગમાં ગેરકાયદે રૂમ બનાવી તેનો ટેરેસ પહેલા માળના ફ્લેટ સાથે જોડીને રૂપિયા 3 લાખમાં વેચી દીધું છે.
પાર્કિંગમાં ગેરકાયદે રૂમ બનાવી તેનો ટેરેસ પહેલા માળના ફ્લેટ સાથે જોડીને 3 લાખમાં વેંચી દીધું
ત્રણ વર્ષ થયા છતાં હજુ સુધી એસોસિએશન નથી બન્યું
શારદા સાનિધ્ય-2ના ફ્લેટધારકોએ બિલ્ડર જીતેન્દ્ર પટેલ તથા ચિરાગ પટેલ પર એવા આક્ષેપ કર્યા છે કે, હજુ સુધી બિલ્ડરોએ એસોસિએશન નથી બનાવ્યું. જ્યારે ફ્લેટનું વેચાણ કર્યું ત્યારે તમામ લોકો પાસેથી મેઈન્ટેનન્સ પેટે પૈસા ઉઘરાવી લીધા છે અને આજ દિન સુધી તેના હિસાબો પણ નથી આપ્યા. ફ્લેટ બન્યાને ત્રણ વર્ષ વીતી ગયા પણ હજુ સુધી એસોસિએશનનાં ઠેકાણા નથી.