ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ નિરીક્ષણમાં ‘સબ સલામત’ની ક્લિનચીટ, છતાં પુલના કાંગરા ખરી રહ્યા હોવાનો ખુલાસો
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.6
ટંકારા-જામનગર હાઈવે પર આવેલા ખાખરાળા ગામ પાસે આજી નદી પરનો ઓવરબ્રિજ જર્જરિત હાલતમાં હોવા છતાં, સરકારી તંત્રએ તેને ’સબ સલામત’ની ક્લિનચીટ આપી હોવાનો આક્ષેપ થયો છે, જેના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.
- Advertisement -
અગાઉ ગંભીરા બ્રિજ તૂટી પડવાની ઘટના બાદ સરકારે રાજ્યભરના પુલોની ક્ષમતા ચકાસવા માટે ટીમો દોડાવી હતી. આ નિરીક્ષણ દરમિયાન ટંકારાના ખાખરાળા નજીકના આ બ્રિજને પણ સહીસલામત જાહેર કરવામાં આવ્યો હતો. જોકે, કોંગ્રેસના પાટીદાર અગ્રણી મહેશ રાજકોટિયાના ધ્યાને આ બાબત આવતાં તેમણે સ્થળની મુલાકાત લીધી હતી.
મહેશ રાજકોટિયાએ બ્રિજની નીચે ઉતરીને તસવીરો ખેંચી હતી, જેમાં સ્પષ્ટ દેખાય છે કે બ્રિજના કાંગરા ખરી રહ્યા છે અને તે જર્જરિત હાલતમાં છે. તેમણે તંત્રને રજૂઆત કરી હતી કે, ’ધમધમતા વાહનવ્યવહાર વચ્ચે દુર્ઘટના થવાનો ભય રહેલો છે. જાનહાનિ થયા પછી જ પુલની મલમપટ્ટી કરશો?’ આ સવાલો ઉઠાવીને તેમણે તંત્રની નિષ્ક્રિયતા સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો. આ પુલ જામનગર સ્ટેટના સમયનો હોવાથી તેની ઉંમર ઘણી થઈ ગઈ છે. મહેશ રાજકોટિયાએ તંત્રને તાત્કાલિક ધોરણે આ બ્રિજનું સમારકામ કરવા માટે ભારપૂર્વક માંગણી કરી છે, જેથી કોઈ મોટી દુર્ઘટના થતી અટકાવી શકાય. આ ઘટનાએ તંત્રની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.