ગત મોડી સાંજે બનેલી ઘટના; એક વ્યક્તિ દબાતા ઇજા, મોટી દૂર્ઘટના સહેજમાં ટળી
રાતોરાત મજૂરોને કામે લગાડી દીધા છતાં પોલ ખૂલી ગઈ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટને વિકાસ મોડેલ બનાવવા અને રાજકોટમાં સર્જાતી ટ્રાફિક સમસ્યાના નિવારણ માટે તંત્ર દ્વારા અનેક જગ્યાએ ઓવર બ્રિજ ઉભા કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે રાજકોટમાં લક્ષ્મીનગર અંડરબ્રિજના ઉદ્દઘાટનની પૂર્વ સંધ્યાએ માધાપર ચોકડી નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ બેસી ગયો હતો. ઓવર બ્રિજ બેસી જતાં મોટી દૂર્ઘટના ટળી હતી. પરંતુ, એક વ્યકિતને ઇજા પહોંચી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
જનતા જાગે તે પહેલા રાતો રાત મજૂરોને કામે લગાડી દીધા હોવા છતાં પોલ ખૂલી ગઇ હતી. નવનિર્માણ પામતો ઓવરબ્રિજ અચાનક બેસી જતાં કામગીરી સામે સવાલો ઉઠ્યા છે. માધાપર ચોકડીએ નિર્માણાધિન ઓવરબ્રિજ બેસી જતાં જનતા જાગે તે પહેલા જ રાતો રાત મજૂરોને કામે લગાડી દેવામાં આવ્યા હતા. સૂરજ ઉગે તે પૂર્વે જ ઓવરબ્રીજ બેસી ગયો હોય તેવી કોઇપણ ઘટના ઘટી ન હોય તેમ ક્લીયર કરી દેવામાં આવ્યું હતું. છતાં માધાપર ચોકડી પાસે નવો બનતો ઓવરબ્રીજ બેસી ગયો હોવાની ચર્ચા પવન વેગે પ્રસરી જતાં પોલ ખુલી ગઇ હતી. નિર્માણાધિન ઓવરબ્રીજ બેસી જતાં તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા છે.