9 જુલાઇનાં રાત્રે મનન જોષી ગુમ થયો હતો : ગઇકાલે તળાવમાંથી સાયકલ મળી હતી : NDRFની ટીમ બે દિવસથી નરસિંહ મહેતા તળાવમાં શોધખોળ કરતી હતી
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢનાં જલારામ સોસાયટીમાં આવેલા રિધ્ધી ટાવરમાં રહેતા 15 વર્ષીય તરૂણ 9 જુલાઇનાં ઘરેથી નિકળી ગયો હતો. બાદ પોલીસે શોધખોળ શરૂ કરી હતી. શંકાનાં આધારે નરસિંહ મહેતા તળાવમાં તપાસ કરવામાં આવી હતી. એનડીઆરએફની ટીમ દ્વારા મંગળવારનાં તળાવમાં તપાસ કરતા સાયકલ મળી આવી હતી. આજે સવારનાં તરૂણનો મૃતદેહ મળી આવ્યો હતો. નરસિંહ મહેતા તળાવ ઉપર મોટી સંખ્યામાં લોકોનાં ટોળા એકત્ર થઇ ગયા હતાં.
જૂનાગઢનાં જલારામ સોસાયટીમાં આવેલા રિધ્ધી ટાવરમાં રહેતા દિપેશભાઇ દિનેશભાઇ જોષીનો પુત્ર મનનભાઇ જોષી (ઉ.વ.15) 9 જુલાઇનાં ઘરેથી સાયકલ લઇને ગયો હતો. બાદ મોડે સુધી ઘરે આવ્યો ન હતો. પરિવારજનોએ તપાસ હાથ ધરી હતી. ત્યારે તળાવ દરવાજા રોડ તળાવનાં કિનારેથી તેનો ફોન મળી આવ્યો હતો. પરંતુ સાયલક અને મનન ગુમ હતાં. રાતભર તપાસ કરવા છતા કોઇ ભાળ મળી ન હતી. અંતે તા. 10નાં બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. પરિવારજનો અને પોલીસ દ્વારા શોધખોળ કરવામાં આવી હતી. પરંતુ મનન જોષી મળ્યો ન હતો. પોલીસે સીસીટીવી કેમેરાની મદદ પણ લીધી હતી. શંકાનાં આધારે નરસિંહ મહેતા તપાસ કરવામાં આવી હતી. મંગળવારનાં એનડીઆરએફની ટીમની મદદ લેવામાં આવી હતી. ગઇકાલે બપોર બાદ એનડીઆરએફની ટીમ દ્વારા નરસિંહ મહેતા તળાવમાં સર્ચ ઓપરેશન કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તળાવમાંથી સાયકલ મળી આવી હતી. કાલે અંધારુ થઇ જતા સર્ચ ઓપરેશન અટકાવી દેવામાં આવ્યું હતું.
- Advertisement -
બાદ આજે સવારનાં ફરી તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે મનનભાઇ જોષીનો મૃતદેહ તળાવમાંથી મળી આવ્યો હતો.ચાર દિવસ બાદ ગુમ થયેલા મનનભાઇનો મૃતદેહ મળી આવ્યો છે. પરિવારને જાણ કરવામાં આવી હતી. ઘટનાનાં પગલે પોલીસ પણ દોડી આવી હતી. પુત્રનો મૃતદેહ મળતાં જ પરિવારજનો ઉપર જાણે દુ:ખનું આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.
પિતા સ્કૂલ સંચાલક, સંતાનમાં એક જ પુત્ર હતો
દિપેશભાઇ જોષીને સંતાનમાં એક જ પુત્ર હતો. દિપેશભાઇ જોષી મંગલધામમાં આવેલી અલ્ટ્રા સ્કુલમાં સ્કુલ મેનેજમેન્ટ તરીકે કામ કરે છે. આ સ્કુલ દિપેશભાઇ અને તેના પિતાની માલીકીની છે. દિપેશભાઇ રિધ્ધી ટાવરમાં પરિવાર સાથે રહે છે.