ખનિજ માફિયાઓનો સરકારી અને ગૌચર જમીનો પર ખનનનો ધંધો
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.11
સુરેન્દ્રનગર જિલ્લામાં ચાલતી ખનિજ ચોરી તંત્રના ધ્યાને નહિ હોય તેવું એકાદ મિનિટ માટે માની લઈએ પરંતુ જ્યારે ખનિજ ચોરી સામે ગ્રામજનો વારંવાર રજૂઆત કરે ત્યારે પણ તંત્રની નિષ્ક્રિયતા દેખાય તો પછી હવે આ તંત્રના અધિકારીને બેદરકાર સમાવા કે પછી લેભાગુ ? સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી પંથકના સરલા, કળમાદ, દુધઈ, ખંપાળીયા, નાડધ્રી, સરા સહિતના ગામોમાં કેટલાય સમયથી સફેદ માટીનું ધંધો ચાલી રહ્યો છે જેમાં સરકારી અને ગૌચર જમીનો પર ખનિજ માફીયાઓ દ્વારા કબ્જો જમાવી જમીનને ખોદી તેમાંથી સફેદ માટીનું ખનન થઈ રહ્યું છે. આ સફેદ મટીને હિટાચી મશીન દ્વારા ડમ્ફર જેવા વાહનોમાં ભરી મોરબીના સિરામિક ઉધોગમાં મોકલવામાં આવે છે જેમાંથી ટાઇલ્સ બનતી હોય છે. જ્યારે મૂળી પંથકમાં સફેદ માટીનું ખનન કરતા માફીયાઓ મફતમાં સરકારી જમીનો ખોડી તેમાંથી સફેદ માટી કાઢીને મોરબી ખાતે પ્રતિ ટન 600થી 800 રૂપિયામાં વેચાણ કરે છે.
- Advertisement -
અને આ ધંધો રાત્રીના અંધારામાં નહિ પરંતુ દિવસના અજવાળામાં દિન દહાડે ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિ છે જેને તંત્ર આજદિન રોકી શક્યું નથી. કદાચ એક સમય માટે માની લેવાય કે ખનિજ ચોરી ગામના સીમ વિસ્તારમાં થતી હોય જેથી તંત્રને જાણ નહીં હોય પરંતુ જ્યારે આ સફેદ માટીનું ખનન કરીને તેને ડમ્ફર માં ભરીને મોરબી તરફ લઈ જવાય છે ત્યારે સફેદ માટી ભરેલા આ ડમ્ફર રોડ પરથી જ પસાર થાય છે જેની પાસે નથી પાસ પરમીટ કે નથી રોયલ્ટી છતાં પણ તંત્રને હાઈવે પરથી સફેદ માટી ભરેલા ડમ્ફર નજરે પડતા નથી ! જ્યારે આ સફેદ માટી ભરેલા ઓવરલોડ વાહનો ગ્રામ્ય વિસ્તારના રોડ પરથી પસાર થાય છે ત્યારે રોડ બિસ્માર બને છે અને આ બાબતે વારંવાર દરેક ગ્રામજનો તંત્રને રજૂઆત કરે છે પરંતુ અહીં ખનિજ માફીયાઓ અને તંત્ર વચ્ચે ચાલતો ખેલ કંઈક જુદી જ પ્રકારનો છે જેને હવે સ્થાનિકો પણ ખૂબ જ સારો રીતે સમજી રહ્યા છે. સફેદ માટીનું ગેરકાયદેસર ખાણમાં ચાલતા દરેક હિટાચી મશીન દોઢ પાંચ હજાર રૂપિયાનો હપ્તો પહોંચી જાય છે અને જેથી ખનિજ માફીયાઓ દિન દહાડે ધમધોકાર ખનન કરવાની મંજૂરી અને હિંમત પણ મળી રહી છે.