ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વ્હોટ્સએપ્પએ વાસી કરી મૂક્યા છે.
– ભવ્ય રાવલ
– ભવ્ય રાવલ
વ્હોટ્સએપ્પએ પત્રકારત્વને ઘણા પડકાર ફેંક્યા છે!
– ગુજરાતી પત્રકારત્વમાં બે સદી પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા અથવા કોઈ તાર-ટપાલ મારફતે મોકલતું. સંપાદક કે તંત્રી તેને ચકાસતા અને પછી એ યોગ્ય જણાય તો છપાતા. સમાચારો મેળવવાના વિશિષ્ટ સ્ત્રોત ન હતા.
– ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકા પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા ઉપરાંત પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, ન્યૂઝ એજન્સી મારફતે આવતા. તેની ખરાઈ પર શંકા કે સવાલ ન થતા. ફટાફટ તે છપાતા. સમાચારો મેળવવાના વિવિધ સ્ત્રોત હતા.
– ગુજરાતી પત્રકારત્વમાં આજનો સમય જુદો છે જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવે કે પ્રેસનોટ અને પ્રેસ કોન્ફરન્સ મારફતે આવે કે ન્યૂઝ એજન્સી મોકલે એ પહેલાં વ્હોટ્સએપ્પમાં આવી જાય છે. સમાચારો મેળવવાનું પ્રમુખ સ્ત્રોત વ્હોટ્સએપ્પ બની ગયું છે.
– ગુજરાતી પત્રકારત્વમાં બે દાયકા પહેલાનો સમય જુદો હતો જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવતા ઉપરાંત પ્રેસનોટ, પ્રેસ કોન્ફરન્સ, ન્યૂઝ એજન્સી મારફતે આવતા. તેની ખરાઈ પર શંકા કે સવાલ ન થતા. ફટાફટ તે છપાતા. સમાચારો મેળવવાના વિવિધ સ્ત્રોત હતા.
– ગુજરાતી પત્રકારત્વમાં આજનો સમય જુદો છે જ્યારે સમાચારો રિપોર્ટર લઈ આવે કે પ્રેસનોટ અને પ્રેસ કોન્ફરન્સ મારફતે આવે કે ન્યૂઝ એજન્સી મોકલે એ પહેલાં વ્હોટ્સએપ્પમાં આવી જાય છે. સમાચારો મેળવવાનું પ્રમુખ સ્ત્રોત વ્હોટ્સએપ્પ બની ગયું છે.
અઢારમી સદીથી ઓગણીસમી સદી અને વીસમી સદીથી એકવીસમી સદીના યુગમાં ગુજરાતી પત્રકારત્વમાં જે પડકારો આવ્યા છે તે પડકારોમાં આજ સુધીનો સૌથી મોટો પડકાર વ્હોટ્સએપ્પ યુનિવર્સિટી છે. વ્હોટ્સએપ્પે સૌથી પહેલા સમાચાર મેળવવાનો, આપવાનો અને સૌથી વધુ સમાચાર ફેલાવવાનો પડકાર ફેંક્યો છે. આ સિવાય વ્હોટ્સએપ્પે વિશ્વસનીયતાનો પણ પડકાર ફેંક્યો છે. બસો વર્ષનું આયુષ્ય ધરાવતા ગુજરાતી પત્રકારત્વજગત સહિત તમામ ભાષાના પત્રકારત્વજગત સામે આજે એક સૌથી મોટો પડકાર આવીને ઉભો છે : વ્હોટ્સએપ્પ પર આવતા સાચા-ખોટા સમાચારોમાંથી સત્ય અને અસત્ય સમાચારોને અલગ તારવી વાંચકો-દર્શકો સમક્ષ તટસ્થ-તથ્યપૂર્ણ સમાચાર રજૂ કરવાનો પડકાર. સત્યને રજૂ કરવાનો પડકાર અને રજૂ કરેલું સત્ય એ સત્ય જ છે તેને સાબિત કરતા રહેવાનો પડકાર.
વર્તમાન સમયમાં વ્હોટ્સએપ્પની તાકાત એટલી વધી ગઈ છે કે મસમોટા મીડિયાહાઉસને પણ વ્હોટ્સએપ્પ પર પોતાના પેપર્સ કે ચેનલ્સના ગ્રુપ બનાવવા પડે છે, ઈ-પપેર સાથે ન્યૂઝ સ્ટોરીના વીડિયો અને ફોટોગ્રાફ્સ મૂકવા પડે છે. સતત લોકોને વ્હોટ્સએપ્પ ગ્રુપમાં જોડાવવા અપીલ કરતી રહેવી પડે છે. લિંક, ફોટો, વીડિયોનો મારો ચલાવતો રહેવો પડે છે. વ્હોટ્સએપ્પે મીડિયાહાઉસની મોનોપોલી ખત્મ કરી નાખી છે. અવસાન નોંધ, શુભેચ્છા સંદેશ, જાહેરખબરો, પ્રેસનોટથી લઈ તમામ અખબારી સામગ્રીઓ હવે વ્હોટ્સએપ્પ પર સૌથી પહેલા આવી જાય છે.
ગુજરાતી અખબારો અને ટીવી ચેનલોને પોતાના અસ્તિત્વ ટકાવી રાખવા માટે વ્હોટ્સએપ્પે પડકાર ફેંક્યો છે. મીડિયા સાથે જોડાયેલાઓએ ફરજીયાત તેનો સ્વીકાર અને વપરાશ કરવો જ પડશે એવો પડકાર. મીડિયામાં છો કે મીડિયા સાથે જોડાયેલા છો તો વ્હોટ્સએપ્પ પર હોવા જ જોશો નહીં તો ફેંકાઈ જશો. બસ આ જ વાતે વ્હોટ્સએપ્પ ન્યૂઝ પબ્લીશર્સ એન્ડ એડિટર્સ એન્ડ જર્નાલિસ્ટ એન્ડ રિપોટર્સ પેદા કર્યા છે. વ્હોટ્સએપ્પ પર હજારો પત્રકારો અને લાખો સમાચારના ગ્રુપો છે, ગુજરાતી ભાષાના પ્રમુખ સમાચાર પત્રો સહિત એકસોથી વધુ ગુજરાતી ભાષાના સમાચાર પત્રો અને સામયિકો વ્હોટ્સએપ્પમાં ઈ-પેપર સ્વરૂપે વાંચવા મળી જાય છે. વ્હોટ્સએપ્પ પર ગુજરાતી સમાચાર પત્રોની જેમ ગુજરાતી સમાચાર ચેનલો પણ પાછળ નથી. એ પણ પોતાની સમાચાર સામગ્રીઓ વ્હોટ્સએપ્પમાં શેઅર કરે છે. આ બધામાં સૌથી આગળ બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝિવ ન્યૂઝની ઈમેજ છે.
- Advertisement -
ગુજરાતી પત્રકારત્વમાં સમાચારો સૌથી પહેલા અને ઝડપથી આપી દેવાની હરિફાઈએ વ્હોટ્સએપ્પ ન્યૂઝ પ્લેટ્સની શોધ કરી છે. તેને ન્યૂઝ ટાઈલ્સ પણ કહે છે. કોઈપણ ઘટના બને કે તરત જ ખાનગી સમાચાર સંસ્થાઓ અને કંપનીઓ એ ઘટનાની જાણ કરતી ન્યૂઝ પ્લેટ્સ – ન્યૂઝ ટાઈલ્સ વ્હોટ્સએપ્પ ગ્રુપમાં મૂકે છે. એક ડિજીટલ ઈમેજ જેના પર કોઈ તાજી-તરત જ બનેલી ઘટનાની સંક્ષીપ્તમાં માહિતી હોય છે. આ બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝીવ ન્યૂઝ સૌથી પહેલા મૂકી દેવાની હોડમાં અને બીજાથી આગળ રહેવાની ઉતાવળમાં ઘણીવખત ખોટા સમાચારો પણ પ્રસિદ્ધ થતા રહે છે તો ક્યારેક કેટલાંક અસામાજિક તત્વો આવી પ્લેટ્સ કે ટાઈલ્સમાં ચેડાં કરી અફવાઓ ફેલાવે છે. વળી, કેટલાંક ન્યૂઝ પેપર્સ અને ન્યૂઝ ચેનલ્સને વ્હોટ્સએપ્પની વાઈરલ ખબર કેટલી સાચી છે અને કેટલી ખોટી છે તે સમજાવવા એક આખી અલગ કોલમ કે શો ચલાવવો પડે છે!
પહેલાના સમયમાં હેડલાઈન્સ અખબારો કે ચેનલોનો જીવ ગણાતો. ક્યાં પેપર કે કઈ ચેનલમાં શું પ્રમુખ હેડલાઈન્સ છે એની ચર્ચાઓ થતી પરંતુ હવે વ્હોટ્સએપ્પના કારણે અખબારો કે ચેનલોની હેડલાઈન્સરૂપી જીવ મરી ચૂક્યો છે.
અખબારો કે સમાચાર ચેનલોની આજ કી તાઝા ખબર કે પ્રમુખ સુર્ખિયોને વ્હોટ્સએપ્પે વાસી કરી મૂક્યા છે. 2000 રૂપિયાની નોટમાં ચીપ હોવાની વાત, પરગ્રહવાસીઓનું પૃથ્વી પર આગમન, અમિતાભ બચ્ચનથી લઈ લતા મંગેશકર જેવા સેલિબ્રિટીઓના અવસાન, મહામારીમાં મહાબુદ્ધિજીવીની સોનેરી સલાહો, લોકડાઉનની જાહેરાત, અનામત આજથી ઉઠી ગયું, ભૂકંપની આગાહી, આકાશમાંથી માછલીઓનો વરસાદ, કોરોના વાયરસ ત્રીજી લહેરની તારીખ, પૃથ્વી વિનાશ થવાનું વર્ષ, મુખ્યમંત્રી બદલાશે વગેરે જેવા અસંખ્ય જુમલાઓ સમાચાર સ્વરૂપે વ્હોટ્સએપ્પ યુનિવર્સિટીમાં દર બે-ત્રણ દિવસે ફરતા રહે છે. યૂઝર્સ વચ્ચે ફેક્ટ વર્સિસ ફેક ન્યૂઝની લડાઈઓ લડાતી રહે છે અને ઘણી વખત કેટલાંક યૂઝર્સે ચોખવટ કરવાથી લઈ માફીઓ પણ માંગતી રહેવી પડે છે. વ્હોટ્સએપ્પ પર ખોટા સમાચાર ફેલાવવા મામલે ઘણા જેલની સજા પણ ભોગવી ચૂક્યા છે.
- Advertisement -
સમાચારો સૌથી વધુ વ્હોટ્સએપ્પ પર વાઈરલ થાય છે, સમાચારો સૌથી વધુ વ્હોટ્સએપ્પ પર વંચાઈ છે અને જોવાય છે. વ્હોટ્સએપ્પ પર સૌથી વધુ ગ્રુપ સમાચારોના હશે.
વ્હોટ્સએપ્પ સમાચાર આપવાનું અને મેળવવાનું હાથવગું હથિયાર બની ગયું છે. તેમાં પણ છેલ્લા કેટલાંક વર્ષોમાં ઘણા લોકો વ્હોટ્સએપ્પ પર પત્રકાર બની બેઠા છે. દિવસ-રાત કશા વિચાર્યા-સમજ્યા વિના જે કઈપણ ક્ધટેન્ટ આવે એને ફોરવર્ડ કર્યા કરે છે અને આ રીતે વ્હોટ્સએપ્પ ખોટા સમાચાર ફેલાવનાર એક પ્રમુખ દૂષણ પણ બની ગયું છે. વ્હોટ્સએપ્પ પર સૌથી વધુ બનાવટી અને નકલી સમાચારો પણ હોય છે. વ્હોટ્સએપ્પ યુનિવર્સિટી એક એવું સ્થાન છે જ્યાં સમાચારોનું સત્ય પોતપોતાની રીતે રજૂ થતું હોય છે, યૂઝર્સે વિવેકબુદ્ધિથી નીર-ક્ષિરનો ભેદ પારખવાનો હોય છે. જ્યારે યૂઝર્સ બની બેઠેલા પત્રકારના ખોટા અર્થઘટન કરતા કે વાસ્તવિક ન હોય તેવા સમાચારો પર વિશ્વાસ મૂકી દે છે અને પાછળથી એ સમાચાર સત્ય સાબિત ન થતા માત્ર એ બની બેઠેલા પત્રકાર જ નહીં પરંતુ સમગ્ર પત્રકારત્વજગતને શર્મસાર થવું પડતું હોય છે.
વ્હોટ્સએપ્પ પરસેપ્શન ઉભો કરવાનું એક ટૂલ બની ગયું હોવાથી અને વ્હોટ્સએપ્પ પર ક્યારેય પણ કોઈપણ નરેટિવ સ્થાપિત કરી શકાતું હોવાથી એટલું ચોક્કસથી કહી શકાય કે, વ્હોટ્સએપ્પે પત્રકારત્વ જેવા ક્ષેત્રોની દશા અને દિશા બદલી નાખી છે, બગાડી મૂકી છે. વ્હોટ્સએપ્પે સમાચાર સંસ્થાઓ માટે નહીં સમગ્ર સમાજ માટે જોખમીરૂપ ધારણ કરી લીધું છે. ન માત્ર સત્તા પક્ષ પરંતુ વિરોધી પક્ષ સહિત સરકારી-ખાનગી સંસ્થાઓ પણ વ્હોટ્સએપ્પ યુનિવર્સિટીની ખબરોથી ખફા છે. અહીં ક્યારેય પણ કોઈના પણ ઓડિયો-વીડિયો વાયરલ કરી દેવામાં આવે છે, ચેટના સ્ક્રીનશોટ્સ શેઅર કરવામાં આવે છે. કોન્ફીડેન્શીયલ ડોક્યુમેન્ટ અપલોડ થઈ જાય છે. વ્હોટ્સએપ્પ પર સમાચારોની સાથે કશું પણ સલામત રહેતું નથી. કોઈના દ્વારા મૂકવામાં આવેલી માહિતીમાં પણ કોઈના દ્વારા ચેડા કરવામાં આવે છે. લખનારનું નામ બદલી દેવામાં કે કાઢી નાખવામાં આવે છે, કોઈના નિવેદનમાં સુધારો-વધારો કરી આગળ મોકલવામાં આવે છે. કોઈના વિશે કઈપણ લખી નાખવામાં આવે છે. દુનિયાભરમાંથી અન્ય દેશોની સરખામણીમાં કદાચ ભારતમાં જ સૌથી વધુ વ્હોટ્સએપ્પનો દુરપયોગ કરવામાં આવે છે. વ્હોટ્સએપ્પ યુનિવર્સિટીના પ્રોફેસરો વ્હોટ્સએપ્પનો વિવેકપૂર્ણ ઉપયોગ કરતા નહીં શીખે અથવા વ્હોટ્સએપ્પ ખુદ પોતાની એપમાં જરૂરી નિયંત્રણો નહીં મૂકે તો સરકાર ટૂંકસમયમાં વ્હોટ્સએપ્પ પર આકરા પગલાં ભરશે એવું જણાય રહ્યું છે.
વ્હોટ્સએપ્પ યુનિવર્સિટીમાં જ્ઞાનની ગંગા વહેવડાવનાર કોઈ દિવસ સ્કૂલના પગથિયાં પણ ચઢ્યા હોતા નથી. વર્ગખંડમાંથી ભાગી આવેલા લોકો આ યુનિવર્સિટીના વી.સી યાની કે વાઈસ ચાન્સેલર છે. ઊંટવૈદ્યો, બોગસ સલાહકારો, મેનેજમેન્ટ માફિયાઓ જેમ અહીં પોથાપંડિતોની પણ ઉણપ નથી. કોઈપણ ઘટના બને એટલે સૌથી વધુ જાણ અને માહિતી આપનારાઓ અસંખ્ય હોય છે. જે માહિતી કેટલી વાસ્તવિક છે, કેટલી વાહિયાત છે, કેટલી વિકૃત છે એની જાણ કોઈને પણ ઝડપથી થતી નથી. તેનું કારણ પણ છે. યૂઝર્સને દરેક વાત સ્વીકારી લેવી છે, સમજવી નથી. ફોરવર્ડ કરવી છે પણ ફેક્ટ છે ફેક તે તપાસવું નથી. અને પછી તેનું પરિણામ સૌએ ભોગવવું પડે છે. સોશિયલ મીડિયા પર સમાચાર મેળવવાની નિર્ભરતાએ ખોટા સમાચારોને પ્રોત્સાહન આપ્યું છે. તેમાં પણ ખાસ કરીને વ્હોટ્સએપ્પ પર આવેલી દરેક માહિતીને સત્ય સમજી લેવામાં આવે છે, તેને ફોરવર્ડ કરવામાં આવે છે અને જોતજોતામાં એ માહિતી મોટો મુદ્દો ધારણ કરી લે છે. ખાલી સાચા-ખોટા સમાચારોનું નિર્માણ જ નહીં ક્યારેક કોમી રમખાણો કે આંદોલનોનું આયોજન પણ વ્હોટ્સએપ્પમાં થાય છે. ષડ્યંત્રોથી લઈ આંદોલનોના સમાચાર પણ વોટ્સઅપ પર વાયુવેગે પ્રસરે છે. વ્હોટ્સએપ્પ ફેક્ટ ન્યૂઝ સાથેસાથે ફેક ન્યૂઝનું પ્રમુખ સ્રોત બની જતા ન ફક્ત ભારત પરંતુ યૂરોપિયન દેશોમાં વ્હોટ્સએપ્પ યુનિવર્સિટી ન્યૂઝ નામની એક મોટી સમસ્યા ઉદ્દભવી છે.
ભારતમાં 60 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સ છે જેમાંથી મહત્તમ લોકો મોબાઈલ ફોન વડે ઈન્ટરનેટનો ઉપયોગ કરે છે. હાલમાં જ રોયટર્સ ઈન્સ્ટિટયૂટ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સોશિયલ મીડિયાના કારણે ટીવીનો ઉપયોગ ઓછો થયો છે. અન્ય એક વૈશ્વિક સર્વે અનુસાર ભારતમાં રહેલા 60 કરોડથી વધુ ઈન્ટરનેટ યૂઝર્સમાંથી 73 ટકા લોકો સ્માર્ટફોનના અને 27 ટકા લોકો કોમ્પ્યુટરના ઉપયોગ દ્વારા સમાચારો મેળવે છે. સમાચારના ફેલાવવા મામલે ફેસબૂક, ટ્વિટર, યુટ્યુબ, ટેલિગ્રામથી પણ વ્હોટ્સએપ્પ આગળ નીકળી ગયું છે. વ્હોટ્સએપ્પ ઝડપથી સમાચાર ફેલાવવાના મામલામાં શીર્ષ પર છે. સમાચાર સંસ્થાઓએ વ્હોટ્સએપ્પને એટલું મહત્વ આપવું પડે છે કે, અખબારો અને ચેનલોમાં વ્હોટ્સએપ્પની વાઈરલ ખબરને સ્થાન મળવા લાગ્યું છે. મીડિયા આજે મોટાભાગના સમાચારો પણ વ્હોટ્સએપ્પ પરથી લેતું થઈ ગયું છે.
21મી સદીના 21માં વર્ષમાં સમાચારનું જન્મસ્થળ વ્હોટ્સએપ્પ યુનિવર્સિટી બની ગયું છે. સમાચાર સૌથી પહેલા વ્હોટ્સએપ્પમાં જન્મે છે, એટલે કે બ્રેકીંગ એન્ડ એક્સલ્યુઝીવ ન્યૂઝ ફર્સ્ટ ઓફ ઔલ વ્હોટ્સએપ્પમાં આવી જાય છે. ત્યાંથી ફેસબૂક, ટ્વિટર, ઈન્સ્ટાગ્રામ, વેબસાઈટ પર અને પછી છેક ચેનલ્સ સાથે પેપર્સમાં આવે છે. સમાચારોની આપ-લે કરવામાં વ્હોટ્સએપ્પ અત્યારે બધા જ માધ્યમોમાં સૌથી આગળ છે. વ્હોટ્સએપ્પે સમાચારોની દુનિયામાં ક્રાંતિ જગાવી દીધી છે. હવે મોટાભાગનાં અખબારો અને સામયિકો ઈ-પેપર સ્વરૂપે વ્હોટ્સએપ્પમાં મળી જાય છે. મોટાભાગના ન્યૂઝ ચેનલ્સની લિંક અને વીડિયો પણ વ્હોટ્સએપ્પમાં આવી જાય છે. તસવીરો સાથેની તાજા ખબરો તો પળેપળ અને ક્ષણેક્ષણ મળતી રહે છે. વ્હોટ્સએપ્પમાં સૌથી વધુ સંદેશાઓ સમાચારના હોય છે. વ્હોટ્સએપ્પમાં સૌથી વધુ નોટિફિકેશન ન્યૂઝની આવે છે!
વધારો : વ્હોટ્સએપ્પ એક એવી યુનિવર્સિટી છે જેના પ્રોફેસર બનવા માટે કોઈ લાયકાતની જરૂર નથી. આજે ઘણા લોકો વ્હોટ્સએપ્પ યુનિવર્સિટીના પ્રોફેસર બની બેઠા છે. વ્હોટ્સએપ્પ પર ચતુરાઈપૂર્વક સમાચારો સાથે જાહેરાતોની હેરાફેરી કરી ઘણા લોકો પૈસા પણ કમાતા થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિ કશી લાયકાત કે આવડત વિના સીધો જ વ્હોટ્સએપ્પ પર સમાચાર ગ્રુપનો સ્વયંઘોષિત માલિક, પ્રકાશક, તંત્રી, પત્રકાર બની શકે છે! વ્હોટ્સએપ્પ સાચા-ખોટા સમાચારોની સાથે સાચા-ખોટા પત્રકારોનું પણ જન્મસ્થળ બની ગયુ છે.