માત્ર બે વિસ્તારમાં જ 100થી વધુ કોલસાની ખાણો ઝડપાઈ
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.26
સુરેન્દ્રનગર જિલ્લામાં ધમધમતા કોલસાના કાળા કારોબાર સામે તંત્ર નપાણિયું સાબિત થયું છે જિલ્લામાં સૌથી વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો ચાલ્યા થાનગઢ વિસ્તારમાં જ આશરે એક હજારથી પણ વધુ ગેરકાયદેસર ખાણો ચાલે છે. જે ખાણોમાં અવાર નવાર શ્રમિકોના પણ મોત પણ સામે આવે છે છતાં તંત્રના એક પણ અધિકારી આ ખાણો બંધ કરવા માટે કાર્યવાહી હાથ ધરતા નથી ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા મંગળવારે સવારના સમયે જ્યારે તંત્ર ભર નિંદ્રામાં હતું ત્યારે અચાનક થાનગઢના ભાડુલા અને જામવાડી વિસ્તારમાં આશરે 150થી પણ વધુ ખાણો પર દરોડો કરી પાંચ જેટલા ટ્રેક્ટર, ચરખી, કોલસાનો જથ્થો અને સાતથી આઠ મજૂરોને ઝડપી લીધા હતા. ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા કરીલો દરોડો કોલસાના ગેરકાયદેસર ખનનના ઇતિહાસમાં સૌથી મોટો દરોડો માનવામાં આવે છે જેમાં લગભગ 150થી વધુ ખાણો ઝડપી પ્રાંત અધિકારીએ કાર્યવાહી હાથ ધરી છે.
- Advertisement -
મંગળવારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા સવારના સમયે જ્યારે થાનગઢના ભડુલા અને જામવાડી ખાતે દરોડા કર્યા ત્યારે અનેક ખનિજ માફિયાઓના નાસભાગ મચી ગઇ હતી કેટલાક કોલસાના કૂવામાં શ્રમિકો પણ અંદર જ રહી ગયા હતા જે તમામ કૂવાની તપાસ કરી અંદરથી મજૂરોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ તરફ ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા જે સ્થળો પર દરોડો કરાયો તે મામલતદાર કચેરીથી માત્ર બે કિલોમીટર જેટલા અંતરે આવેલી છે અને સુરેન્દ્રનગર જિલ્લાના અન્ય વિસ્તારો કર્યા સૌથી શ્રેષ્ઠ ગેરકાયદેસર કોલસો અહીંથી નીકળતો હોવાની પણ માન્યતા છે જેથી અહીંનો કોલસો અન્ય વિસ્તારના કોલસા કરતા વધુ સારી ક્વોલિટીનો અને વધુ રકમનો હોવાનું કહેવાય છે ત્યારે મામલતદાર કચેરીથી માત્ર બે કિલોમીટરના અંતરે ચાલતી એક હજારથી પણ વધુ કોલસાની ગેરકાયદેસર ખાણો અને જિલેટિંગ વિસ્ફોટકો દ્વારા વારંવાર બ્લાસ્ટિંગ કરવા છતાં સ્થાનિક મામલતદારને ખાણો ન તો નજરે પડતી હતી કે ન તો અહીં બ્લાસ્ટિંગના અવાજ બહેરા કાને સાંભળતો હતો ત્યારે હાલ થાનગઢ પંથકના ભાડુલા અને જામવાડી વિસ્તારમાંથી આશરે 100થી વધુ ખાણો પર ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા એકલા હાથે દરોડા કરી સ્થાનિક પોલીસ, મામલતદાર, જિલ્લા ખાણ ખનિજ વિભાગ સહિતના તંત્ર સામે અનેક સવાલો ઉભા કર્યા છે.
મંગળવારે સવારે કરેલા દરોડાની કામગીરી મોડી રાતે સુધી ચાલી
સુરેન્દ્રનગર જિલ્લામાં થતી ખનિજ ચોરીના ઇતિહાસમાં આ પ્રથમ દરોડો કહી શકાય જેના એક સાથે 150 જેટલી કોલસાની ગેરકાયદેસર ખાણો પ્રાંત અધિકારી દ્વારા ઝડપી લીધી હતી અને હજારો ટન કોલસા સહિત લાખ્ખો રૂપિયાનો મુદામાલ જપ્ત કરાયો હતો આ તમામ મુદામાલ થાનગઢ મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં અને કાર્યવાહી મોડી રાત્રિ સુધી ચાલી હતી. થાનગઢ પંથકના ભાડુલા અને જામવાડી એમ બે વિસ્તારોમાંથી 150 જેટલી ખાણો મંગળવારે ઝડપાઈ હતી અને તેમાંથી હજારો ટન કોલસો પણ જપ્ત કરાયો છે તો આ પ્રકારે સુરેન્દ્રનગર જિલ્લાના કુલ ત્રણ તાલુકામાં બે હજાર જેટલી ખાણો ધમધમી રહી છે જેમાં દરરોજની લાખો ટન કોલસો બરોબર સગેવગે થતો હોવાનો અંદાજ લગાવી શકાય છે.
- Advertisement -
પ્રાંત અધિકારી દ્વારા દરોડા અન્ય તંત્રની જાણ બહાર કરાયો હતો
ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી.મકવાણા દ્વારા અગાઉ ભાડુલા અને જામવાડી વિસ્તારનું સર્ચ હાથ ધરી દરોડાની તૈયારી કરી હતી જેમાં સોમવારે મોડી રાત્રીથી આ દરોડા કરવા માટેની ટીમ સ્ટેન્ડબાય રાખી હતી પરંતુ પ્રાંત અધિકારીએ તંત્રના અન્ય કોઈ અધિકારી અથવા કર્મચારીને આ દરોડા બાબતે સ્થળની જાણ કરી ન હતી જેથી દરોડા સફળતા પૂર્વક થયા હોવાનું માનવામાં આવે છે.