સરપંચ-ઉપસરપંચનાં હાથ જ નહીં, તેઓ આખા ખરડાયેલાં
સાંથણીની જમીન બીજે ક્યાંક મળવાપાત્ર હોય અને સોખડામાં ફાળવાઈ ગઈ હોવાનાં અનેક ઉદાહરણ
- Advertisement -
આખા સરવે નંબરની દરેક મિલકતોની તપાસ જરૂરી
‘ખાસ-ખબર’ પાસે અનેક પુરાવાઓ મોજુદ, અનેક અહેવાલો પ્રકાશિત કર્યાં, પરંતુ તંત્રને સાફ-સફાઈમાં રસ નથી
કલેકટરને માત્ર વાજડી ગઢની જમીનમાં જ રસ હોય તેવું સૂત્રો જણાવે છે, આ જમીન અતિ કિંમતી છે- તેમાં અનેક મોટાં માથા સંડોવાયેલા છે
- Advertisement -
રાજકોટ નજીક સોખડા ગામે થયેલા એક 30 કરોડના અને એક 60 કરોડના જમીન કૌભાંડનો પર્દાફાશ ખાસ-ખબર દ્વારા કરવામાં આવ્યો છે. સોખડાના સરપંચ અને ઉપસરપંચની એક ઉચ્ચ અધિકારી સાથે મિલીભગતથી આચરવામાં આવેલા આ જમીન કૌભાંડોના અનેક પુરાવાઓ ખાસ-ખબર પાસે મોજૂદ છે, આ વિશે અનેક અહેવાલો પણ ખાસ-ખબરમાં પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે પરંતુ રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર – અરુણ મહેશબાબુને સોખડાની નહીં, માત્ર વાજડી ગઢની જમીનમાં જ રસ હોય તેવું સૂત્રો જણાવી રહ્યા છે. સોખડા સરવે નંબર 109 આખો કૌભાંડથી લથબથ હોય આ સરવે નંબરની કલેકટર અરુણ મહેશબાબુ દ્વારા ઊંડી તપાસ ખાસ જરૂરી બની જાય છે.
શું છે સોખડાનું 30 કરોડનું જમીન કૌભાંડ
રાજકોટ પાસે આવેલા સોખડાના ભલા પીઠાનાં પરિવાર સાથે મળીને સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાએ 30 કરોડનું જમીન કૌભાંડ કર્યું છે. ભલા પીઠાને સોખડા પાછળ આવેલા ધમલપર પાસે સસ્તી જમીન મળે તેમ હતી તેના બદલે તેને 150 ફૂટ રિંગરોડ પર કિંમતી જમીન ફાળવી દેવામાં આવી છે. આ કૌભાંડમાં એક મોટા અધિકારીની પણ સંડોવણી હોય સાંથણીની જમીનની જગ્યાએ સોનાની લગડી જેવી ગેરકાયદે ફાળવાયેલી જમીન અંગે તપાસ થવી જ જોઈએ.
સોખડામાં થયું સૌથી મોટું જમીન કૌભાંડ
રાજકોટ નજીક સોખડા ગામે ત્યાંના સરપંચ, ઉપસરપંચ અને ઉચ્ચ અધિકારીઓએ સાથે મળી આશરે 200-300 કરોડ રૂપિયાના વિવિધ જમીન કૌભાંડ આચરેલા છે. સોખડા સરવે નંબર 109માં કરોડો રૂપિયાના જમીન કૌભાંડને અંજામ આપવામાં આવ્યો છે. સાંથણીની જમીન બીજે ક્યાંક મળવાપાત્ર હોય અને સોખડામાં કે બીજે ક્યાંક કિંમતી જગ્યાએ ફાળવી દેવામાં આવી હોય એવા અનેક કૌભાંડો અહીં બન્યા છે ત્યારે રાજકોટ જિલ્લા કલેકટર તંત્ર – અરુણ મહેશબાબુ દ્વારા આ તમામ કૌભાંડોની તપાસ થવી જરૂરી છે.
શું છે સોખડાનું 60 કરોડનું જમીન કૌભાંડ
રાજકોટ પાસેનાં સોખડામાં વાઘા જીણા, માધા હમીર અને ચાના આંબા નામના શખ્સોએ સરપંચ વિજય વશરામ રાઠોડ અને ઉપસરપંચ ભૂપત વજાભાઈ ઝાપડાએ 60 કરોડનું જમીન કૌભાંડ આચરેલું છે. સાંથણીની જમીન બીજે ક્યાંય મળવાપાત્ર હોય અને સોખડામાં ફાળવાઈ હોય કે અન્ય કોઈ કિંમતી જગ્યાએ ફાળવાઈ હોય એવું આ એક કૌભાંડ નથી. કાયદેસરના ભાવની જગ્યાએ સોનાના ભાવ જેવી કિંમતી જમીન આપવા પાછળ ક્યાં અધિકારીઓનો હાથ છે તેની તપાસ પણ કરવી રહી.