રૂા. 1181 કરોડના ખર્ચે આકાર પામનાર આજી રિવર ફ્રન્ટની કામગીરી ગોકળગતિએ
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં રૂા. 1181 કરોડના ખર્ચે આકાર પામનાર આજી રિવર ફ્રન્ટની કામગીરી ખાડે પડી છે, અને રાજકોટમાં આજી નદીના કાંઠે વર્ષોથી ચોપડે જ ચડેલ આ રિવર ફ્રન્ટ ક્યારે બનશે? તેવા સવાલો લોકોના મનમાં ઉઠી રહ્યા છે. માત્ર મોટી-મોટી વાતો કરનારા રાજકિય નેતાઓ, અધિકારીઓ વિકાસ કામોના નામે કરોડો રૂપિયા મંજૂર કરે છે ત્યારે આ કામો માત્ર ચોપડા પર જ રહી જાય છે. વર્ષોના વર્ષો સુધી આ પ્રોજેકટ પર કામ કરવામાં આવતાં નથી અથવા અડધા ભાગનું કામ કરી બીજા કામો વર્ષો સુધી પેન્ડિંગ રહી જાય છે. આ એક જ એવો પ્રોજેકટ નથી પરંતુ દરેક પ્રોજેકટો, વિકાસના કામો ગોકળગતિએ જ ચાલતા હોય છે. આજી શુદ્ધિકરણની વાત કરીએ તો આજ દિન સુધી આ કામગીરીના પણ કોઈ ઠેકાણા નથી. શહેરી વિકાસ માટે કરોડોના ખર્ચ સરકાર મંજૂર કરે છે પરંતુ આ વાતો માત્ર ચોપડે જ રહેતા અનેક પ્રશ્ર્નો ઉભા થવા પામ્યા છે.
આજી નદી વર્ષોથી પ્રદૂષિત છે. આજી શુદ્ધિકરણ અને આજી રિવર ફ્રન્ટની માત્ર વાતો વર્ષોથી થઈ રહી છે પરંતુ કામના નામે હાલ પણ મીંડુ છે. આજી શુદ્ધિકરણ માટે ત્યાં મૂકાયેલા મોટા થાંભલાઓ પણ ત્યાં ધૂળ ખાઈ રહ્યા છે. ટૂંક સમયમાં રાજકોટમાં આજી રિવર ફ્રન્ટનું સપનું સાકાર થશે તેવું કહેનારા અધિકારીઓ કેમ આગળ કામગીરી ધપાવતા નથી? કે માત્ર મોટી-મોટી વાતોમાં જ રસ છે? ગટરો અને ફેકટરીઓનું કેમિકલયુક્ત પાણી આજી નદીમાં ઠલવાય છે જેના માટે પણ મનપા વહેલી તકે પગલાં લે તેવી લોકોમાં માંગ ઊઠી છે.
- Advertisement -
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ રૂા. 1181 કરોડ છે, જેમાં ચાલુ નાણાંકીય વર્ષ 2021-22 અંતર્ગત સરકાર પાસે રૂા. 191 કરોડની માગણી કરવામાં આવી છે. આ પ્રોજેકટમાં ડ્રેનેજની ઈન્ટરસેપ્ટર લાઈન માટે 47 કરોડ, આજી નદીની બંને બાજુએ દિવાલ અને એન્ટ્રી માટે રૂા. 312 કરોડ, વોટર રિપ્લેસમેન્ટ નેટવર્ક માટે 2.90 કરોડ, આજી નદીની બંને બાજુએ નવા રસ્તાના નેટવર્ક માટે રૂા. 53.90 કરોડ સહિત કુલ 146.85ના ખર્ચનો અંદાજ છે. અંતમાં 2013માં જાહેર કરવામાં આવેલા આજી રિવર ફ્રન્ટ પ્રોજેકટનું મૂળ કામ હજુ શરૂ થયું નથી ત્યારે આ કામ ક્યારે આગળ ધપશે તેની લોકો રાહ જોઈ રહ્યા છે.