ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઇ સુપર કિંગ્સ સામે હાર્યા બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ હવે હર્ષલ પટેલના પુનરાગમનના કારણે શનિવારે ડબલ હેડરના બીજા મુકાબલામાં દિલ્હી કેપિટલ્સ સામે મેદાનમાં ઊતરશે ત્યારે તે ફરીથી વિજયની રિધમ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. આ મુકાબલો સાંજે 7:30 કલાકે રમાશે. ચેન્નઇ સામે બેંગ્લોરને હર્ષલની ખોટ પડી હતી જે તેની બહેનના નિધનના કારણે ટીમના બાયો-બબલમાંથી બહાર આવ્યો હતો. 32 વર્ષીય હર્ષલે 2021ની સિઝનમાં 32 વિકેટ હાંસલ કરી હતી. તેણે વર્તમાન સિઝનમાં 5.50ના ઇકોનોમી રેટથી ચાર મેચમાં છ વિકેટ હાંસલ કરી છે.
બેંગ્લોર માટે દિનેશ કાર્તિક મેચફિનિશરની ભૂમિકા અદા કરી રહ્યો છે. સુકાની ડુ પ્લેસિસ અને અનુજ રાવતે છેલ્લી મેચમાં શાનદાર શરૂૂઆત કરી હતી પરંતુ કોહલી તેના પ્રદર્શનમાં સાતત્યતા લાવી શક્યો નથી. પેસ બોલર મોહમ્મદ સિરાજ અને આકાશદીપ છેલ્લી મેચમાં ખર્ચાળ પુરવાર થયા હતા અને બન્નેએ ચુસ્ત લાઇનલેન્થથી બોલિંગ કરીને હરીફ ટીમના રનરેટને અંકુશમાં રાખવો પડશે.


