સાવરકુંડલામાં દેવળા ગેઇટમાં આવેલા શ્રી કૃષ્ણ ગૌશાળા આયોજિત
ખાસ-ખબર ન્યૂઝ સાવરકુંડલા
- Advertisement -
સમુદ્ર મંથન એક ખૂબ પૌરાણિક મુદ્દો છે. આમ તો દરેક ક્ષેત્રે મંથન થવું જોઈએ. વિચાર મંથન આચાર મંથન અરે વલોણાની મદદથી દહીં વલોવી આપણે માખણ અને છાશ ક્યાં નથી પ્રાપ્ત કરતાં.. મંથન દ્વારા સારા તત્વો વલોવાઈને ઉપર સ્તર પર આવે છે. એટલે સાંપ્રત સમયમાં જ્યારે સમગ્ર વિશ્ર્વમાં યુધ્ધનો માહોલ સર્જાતો જોવા મળ્યો છે. ત્યારે શાંતિ સ્થાપવા માટે આત્મમંથન પણ જરૂરી છે. એટલે મંથન એ ખૂબ માર્મિક પ્રક્રિયા ગણી શકાય. હવે વાત કરીએ સમુદ્રમંથનની તો આ મંથન કરતી વેળા પણ દેવ અને દાનવના સહયોગ થકી જ આ જગતને ઘણું પ્રાપ્ત થયું એમ કહેવાય છે પછી એ અમૃત હોય કે હલાહલ વિષ..! અનેક અમૂલ્ય ચીજો મંથન દ્વારા જ પ્રાપ્ત થઈ છે. આ સુંદર અને બોધપ્રદ વિષય સમુદ્રમંથન સાથે સાવરકુંડલા શહેરમાં દેવળા ગેઇટ ખાતે આવેલ શ્રી કૃષ્ણ ગૌશાળા આયોજિત આ સમુદ્ર મંથન ફલોટ દ્વારા નવરાત્રિ દરમિયાન અહીં શ્રી કૃષ્ણ ગૌશાળાના નિભાવના લાભાર્થે મંત્રમુગ્ધ કરી દેતો ફલોટ રજૂ કરવામાં આવેલ છે.
આમ તો આ ગૌશાળા પણ લૂલી લંગડી અંધ બિમાર ગાયોને ખૂબ જ માવજત સાથે સાચવે છે. આ સંસ્થા દાતાશ્રીના દાન આધારિત છે. સંસ્થાનો આ સિવાય કોઈ આર્થિક ઉપાર્જનનો સ્ત્રોત નથી એટલે આ સંસ્થાને આપેલુ અનુદાન કે ફાળાની સમગ્ર રકમ ગાયો એ પણ લૂલી લંગડી અંધ બિમારના નિભાવ માટે જ વપરાય છે. સંસ્થાના પ્રમુખ રાજુભાઇ બોરીસાગર, બળવંતભાઈ મહેતા સમેત સમગ્ર ટીમ આ સંસ્થાના નિભાવ માટે સતત સંઘર્ષ કરી રહી છે ત્યારે આપનું આર્થિક યોગદાન સોનામાં સુગંધ ભળે તેવું થશે.