સિંગર સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ નામ આવી ચૂક્યું છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
ગેંગસ્ટર લોરેન્સનો ભાઈ અનમોલની અમેરિકામાં ધરપકડના સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ તેની કેલિફોર્નિયામાં ધરપકડ કરવામાં આવી છે. અનમોલ પર સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરવાનો આરોપ છે. ગાયક સિદ્ધુ મૂસેવાલાની હત્યામાં પણ અનમોલનું નામ સામે આવ્યું હતું, જોકે દિલ્હી અને મુંબઈ પોલીસે હજુ સુધી ધરપકડની પુષ્ટિ કરી નથી, પરંતુ ગુપ્તચર એજન્સીનાં સૂત્રોના જણાવ્યા અનુસાર, અમેરિકાએ બે અઠવાડિયાં પહેલાં અનમોલ બિશ્નોઈ વિરુદ્ધ બિનજામીનપાત્ર વોરંટ જાહેર કર્યું હતું. બોલિવૂડ એક્ટર સલમાન ખાનના ઘરે ફાયરિંગની જવાબદારી અનમોલે લીધી હતી. આ સાથે તેનું નામ પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલા અને બાબા સિદ્દીકીના મર્ડર કેસમાં પણ સામે
આવ્યું છે.
- Advertisement -
NIAએ 10 લાખનું ઈનામ રાખ્યું હતું તાજેતરમાં જ નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA)એ ગેંગસ્ટર લોરેન્સના ભાઈ અનમોલ બિશ્નોઈ પર 10 લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું હતું. એજન્સીએ 2022માં નોંધાયેલા 2 કેસમાં અનમોલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. NIAના મોસ્ટ વોન્ટેડ લિસ્ટમાં અનમોલનું નામ પણ સામેલ છે. વર્ષ 2012માં અનમોલ વિરુદ્ધ પહેલો કેસ નોંધાયો હતો લોરેન્સ ગેંગમાં ભાણુ તરીકે ઓળખાતા અનમોલ પર 2012માં પંજાબના અબોહરમાં હુમલો, મારપીટ અને આર્મ્સ એક્ટની કલમો હેઠળ પ્રથમવાર કેસ નોંધવામાં આવ્યો હતો. વર્ષ 2015 સુધીમાં પંજાબમાં અનમોલ વિરુદ્ધ 6થી વધુ કેસ નોંધાયા હતા. હાલ સમગ્ર દેશમાં અનમોલ વિરુદ્ધ લગભગ 22 કેસ નોંધાયેલા છે, જેમાં હત્યા, ટાર્ગેટ કિલિંગ, ખંડણી, આર્મ્સ એક્ટ સહિતની વિવિધ કલમો સામેલ છે.
સલમાનની હત્યા માટે પાકિસ્તાનથી અઊં-47 મગાવી હતી મુંબઈ પોલીસની તપાસમાં તાજેતરમાં જ ઘટસ્ફોટ થયો હતો કે ગેલેક્સી એપાર્ટમેન્ટમાં ફાયરિંગ કર્યા બાદ લોરેન્સ ગેંગ ફરીથી સલમાન ખાન પર હુમલો કરવાની યોજના બનાવી રહી હતી. 1 જૂનના રોજ નવી મુંબઈ પોલીસે આ કેસમાં લોરેન્સ ગેંગના ચાર લોકોની ધરપકડ કરી હતી. આ તમામ પનવેલમાં સલમાનની કાર પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યા હતા.
આ માટે તેણે પાકિસ્તાનમાંથી અઊં-47 સહિત અનેક હથિયારો આયાત કરવાની યોજના બનાવી હતી. લોરેન્સ ગેંગ પણ તુર્કી બનાવટની ઝિગાના પિસ્તોલ વડે સલમાનને મારવાની યોજના બનાવી રહી હતી. પંજાબી ગાયક સિદ્ધુ મૂસેવાલાની પણ આ જ પિસ્તોલથી હત્યા કરવામાં આવી હતી. ગોરેગાંવ ફિલ્મસિટીમાં પણ રેકી કરવામાં આવી હતી, જેમાં સલમાનના ફાર્મહાઉસ અને કેટલાંક શૂટિંગ સ્થળોનો સમાવેશ થાય છે. વાસ્તવમાં આ બધા લોરેન્સ બિશ્નોઈ ગેંગના સોશિયલ મીડિયા ગ્રુપ સાથે જોડાયેલા હતા. આ ગ્રુપમાં જ સલમાનને મારવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું હતું.