અહીં ઝીંક, તાંબુ, સીસુ સહિતના ખનીજોના ખોદકામના હડપ્પન કાળના પુરાતત્વીય અવશેષો ઉપલબ્ધ
વિશ્ર્વની સૌથી જૂની પર્વતમાળાઓ પૈકી અને એક સમયે હિમાલયથી પણ ઊંચી એવી અરવલ્લીની પર્વતમાળાની રચના કુદરતે લગભગ 300 કરોડ વર્ષ પહેલાં શરૂ કરી હતી. છેલ્લાં 100 કરોડ વર્ષના ધોવાણથી અરવલ્લીની પર્વતમાળાએ પોતાનું 90% અસ્તિત્વ ગુમાવ્યું છે. લગભગ 300 કરોડ વર્ષ પહેલાં ભારતીય ઉપખંડ અરવલ્લી ખંડ, બુંદેલ ખંડ, ઝારખંડ, ધારવાર જેવા અનેક ખંડોમાં વહેંચાયેલો હતો. દરેક ખંડ એકબીજાથી હજારો કિલોમીટર દૂર હતાં. જ્યારે પ્લેટોની હલચલન જેવી પ્રક્રિયાઓથી આ ખંડો એકબીજા સાથે જોડાઇ અને ભારતીય ઉપખંડ એક બન્યો. આ દરમિયાન ખંડો વચ્ચે આવેલા સમુદ્રમાં જમા થતાં ખડક સ્તરોના કારણે ગેડીકૃત પર્વતમાળાઓની રચના થઇ. લગભગ 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી ઉપર 7 થી 8 કિલોમીટર ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની.
અરવલ્લીના ખડકો જળકૃત, અગ્નિકૃત અને વિકૃત એમ ત્રણેય પ્રકારના હોઇ ભરપૂર ખનીજો જોવા મળે છે અને તેની આર્થિક અગત્યતા અનેક ગણી છે. અહીં મળતા અબરખ, ઝીંક તથા સીસાના ખનીજો સમગ્ર વિશ્ર્વમાં મહત્ત્વ ધરાવે છે. હડપ્પન કાળમાં પણ અહીંથી ઝીંક, તાંબુ, સીસુ સહિતના ખનીજોને ખોદી કાઢવામાં આવતાં હતા. જેના પ્રમાણ પુરાતત્વીય અવશેષોમાં મળી આવે છે. 2 લાખ વર્ષ પહેલાં એટલે કે પથ્થર યુગમાં પણ આદિમાનવો અહીંના ક્વાર્ટઝાઇટ પ્રકારના ખડકોનો ઉપયોગ પુષ્કળ પ્રમાણમાં કરતાં હતા.
- Advertisement -
90 કરોડ વર્ષ પૂર્વે બનેલા તારંગા, ઈડર, માઉન્ટ આબુ જેવા પર્વતનો કાળક્રમે 90% હિસ્સો ધોવાયો
લગભગ 290 કરોડ વર્ષ અગાઉ સમુદ્રની સપાટીથી 7થી 8 કિ.મી. ઉપર ઊઠેલા ખડકોથી અરવલ્લીની પર્વતમાળા બની
લગભગ 75 થી 90 કરોડ વર્ષ પૂર્વે ગર્ભ ભાગમાં આવેલા ગ્રેનાઇટ પ્રકારના ખડકો સપાટી પર આવતાં તારંગા, ઇડર અને માઉન્ટ આબુની પર્વતમાળાની રચના થઇ હતી. ગ્રેનાઇટ ખડકોની સખતાઇ વધુ હોવાથી તેની આસપાસના મુખ્યત્વે લાઇમસ્ટોન, શીસ્ટ અને સ્લેટ સહિતના ખડકોનું કાળક્રમે ખવાણ અને ધોવાણ થયું છે. જેને લઇ પર્વતમાળા 90 ટકા હિસ્સો ખોઇ બેઠુ છે. એટલે જ અરવલ્લીને મૃત પામી રહેલી પર્વતમાળા તરીકે ઓળખાય છે. પર્વતમાળાનો બચેલો 10 ટકા હિસ્સો અવશિષ્ટ પર્વતમાળા તરીકે પણ ઓળખાય છે.
ભારતના ઉત્તર-પશ્ર્ચિમમાં આવેલી અરવલ્લી પર્વતમાળા દેશની વિશાળ પર્વતશ્રેણી છે, આ પર્વતમાળા અમદાવાદથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણના દક્ષિણ ભાગમાં પ્રવેશે છે. દિલ્હી પહોંચતા આ પર્વતમાળાની ઉંચાઈ ઓછી થવા લાગે છે. આમ અમદાવાદથી શરૂ થતી આ પર્વતમાળા દિલ્હી પહોંચતા જ મેદાન બની જાય છે. અમદાવાદમાં સ્થિત ગુલબાઈ ટેકરો પણ અરવલ્લી પર્વતમાળાનો એક અંશ છે. ગુજરાત અને રાજસ્થાનના બોર્ડર પર આવેલું સ્થળ માઉન્ટ આબું જ્યા વર્ષ દરમિયાન લાખો સહેલાણીઓ મજા માણવા આવતા હોય છે. અરવલ્લી જગતની સૌથી પ્રાચીન પર્વતમાળા છે જેના રહસ્ય રસપ્રદ તો છે જ પણ તેની સાથે જોડાયેલી અનેક વાતો પણ જાણવી મહત્વની છે.
- Advertisement -
અરવલ્લી સાથે જોડાયેલી રસપ્રદ વાતો
અરવલ્લી દેશની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.
અમદાવાદમાં સ્થિત ગુલબાઈ ટેકરો અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે.
અરવલ્લી પર્વતમાળા દેશના ચાર રાજ્યો- ગુજરાત, રાજસ્થાન, હરિયાણા અને દિલ્હી સુધી ફેલાયેલી છે
આ પર્વતમાળા ગુજરાતથી રાજસ્થાનના અજમેર અને જયપુર થઈને હરિયાણાના દક્ષિણ ભાગમાં પ્રવેશ કરે છે. અને ત્યાથી દિલ્હીના દક્ષિણ ભાગ સુધી ફેલાયેલી છે. દિલ્હી સુધી પહોંચતા આ પર્વતમાળા મેદાન બની જાય છે.
અરવલ્લી પર્વતમાળાની લંબાઈ 700 કિમી છે.
આ પર્વતમાળાનો 80 ટકાનો ભાગ રાજસ્થાનમાં આવેલો છે. અને આ પર્વતમાળા રાજસ્થાનને ઉત્તર અને દક્ષિણ આમ બે ભાગોમાં વહેંચે છે.
દિલ્હીનું રાષ્ટ્રપતિ ભવન રાયશેલા પર્વત પર તૈયાર કરાયું છે જે અરવલ્લી પર્વતમાળાનો એક ભાગ છે
અરવલ્લીની સૌથી ઉંચી ટોચ જેનું નામ ગુરૂશિખર છે. જે દરિયાકાંઠાથી 1722 મીટર ઉંચી છે. આ માઉન્ટ આબુમાં સ્થિત છે.
અરવલ્લી પર્વતમાળાની સરેરાશ ઉંચાઈ 930 મીટર છે.
અરવલ્લી પર્વતમાળા કેટલાક વિસ્તારો ખનિજોથી ભરેલા છે. જેમા પીતળ, લોખંડ જેટલી અન્ય વસ્તુઓનો સમાવેશ થાય છે.
દક્ષિણ ભાગમાં આ પર્વતમાળાની ઉંચાઈ ઇને ચોડાઈ વધારે છે. તેમજ દિલ્હીના ભાગોમાં તે ઘટી જાય છે.
અરવલ્લી પર્વતમાળાઓનું અલગ રાજ્યમાં જૂદા- જૂદા નામથી સંબોધિત કરાય છે. જેમ કે ઉદયપુરમાં જગ્ગા પર્વત, અલવરમાં હર્ષનાથ પર્વત, અને દિલ્હીમાં દિલ્લીના પર્વત.
અરવલ્લીના દક્ષિણ ભાગના વિસ્તારો હરિયાળી વાળા છે. જ્યારે ઉત્તરના ભાગમાં તે રણ સ્વરૂપમાં છે.
અરવલ્લી પર્વતમાળાના પશ્ર્ચિમ વિસ્તારમાં થાર રણ આવેલું છે. જે પર્વતોને પુર્વ વિસ્તારમાં ફેલાવાથી રોકે છે.
આ પર્વતમાળામાં કેટલીક નદીઓનું ઉદગમ સ્થળ છે. જેમાં સાબરમતી, લૂની, સાખી, બાના નદીઓનો સમાવેશ થાય છે.



