રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.ના વાચન પરબના 80મા મણકામાં ભાણદેવ લિખિત ‘અમૃત મહાભારત’ની રસપ્રદ રજુઆત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.25
સામાજિક ઉત્તરદાયિત્વને અગ્રેસર રાખી કાર્ય કરતી, રાજકોટ નાગરિક સહકારી બેંક લિ.માં વાચનપરબ સફળતાપૂર્વક ચાલી રહી છે. દર માસના ત્રીજા શનિવારે સાંજે 6.30 કલાકે પ્રખ્યાત પુસ્તક ઉપર લેખક કે સમર્થ વક્તા તે પુસ્તકની રસપ્રદ રજુઆત કરે છે. વાચન પરબના 80 માં મણકામાં તત્ત્વજ્ઞાનમાં એમ.એ. કરનાર, સાધુજીવન જીવતા યોગશિક્ષક અને લોકશિક્ષક, સમાજ હિંતચિંતક ભાણદેવજી લિખિત ‘અમૃત મહાભારત’ની નિવૃત્ત કૃષિ વૈજ્ઞાનિક, પ્રો. વીરેન્દ્ર ભટ્ટે બેંકની હેડ ઓફિસ ‘અરવિંદભાઇ મણીઆર નાગરિક સેવાલય’ ખાતે રસપ્રદ પ્રસ્તુતિ કરી હતી.
- Advertisement -
પ્રો. વીરેન્દ્ર ભટ્ટના વકવ્યની એક ઝલક, ‘રામાયણ અને ભાગવતની કથાઓ કરતાં મહાભારતની કથા કરવી થોડી જોખમી છે. કારણ કે અડાબીડ જંગલની અંદર કથાકાર અને શ્રોતાઓ ખોવાઇ જવાની બહુ ભીતિ રહે છે. છતાં પણ ભાણદેવજીએ આ કથા કરી. મહાભારત ફક્ત યુદ્ધ કથા નથી. તેના કુલ 800 શ્ર્લોકમાંથી 29 ટકા જ યુદ્ધને લગતા છે. બાકીના 71 ટકા શ્ર્લોક જીવનની હરપળ બનતી ઘટનાઓને હરપળે આગળ વધવા માટેની આપણી જે મહત્ત્વાકાંક્ષા છે, હર ક્ષણે નવું બનવા માટેનો આપણો ઉન્મેષ છે, એ કેમ બનવું તેનું મેન્યુઅલ છે. આ ગ્રંથમાં એસ્ટ્રોલોજી, ઇતિહાસ, ભૂગોળ, તીર્થો અને દરેક પ્રકારનું વિજ્ઞાન છે. મહાભારત સર્વજનીન છે અને સર્વકાલીન છે. માનવ મનમા જે કંઇ પાસાં છે તેને સ્પર્શ કરવાનો અને ઉજાગર કરવાનો કીમિયો મહાભારતમાં છે.’
આ વાચન પરબમાં હર્ષિતભાઇ કાવર, વિનોદ કુમાર શર્મા, પ્રતીકભાઇ કાપડીઆ, ધનજીભાઇ કાવર અને નર્મદાબેન કાવરે વક્તાશ્રીને પુસ્તક, ખાદીનો રૂમાલ અને ચરખો સ્મૃતિચિહ્ન આપી અભિવાદન ર્ક્યું હતું.
આ વાચન પરબમાં હર્ષિતભાઇ કાવર (કો-ઓપ્ટ ડિરેકટર), વિનોદ કુમાર શર્મા (જનરલ મેનેજર-સીઇઓ), શાખા વિકાસ સમિતિના સદસ્યો, આમંત્રિતો અને નાગરિક પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સરળ અને સફળ સંચાલન ધનંજય દત્તાણીએ ર્ક્યું હતું.