માલધારી સમાજ દ્વારા અનેક વખત રજૂઆત છતાં ખનન યથાવત
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.12
સુરેન્દ્રનગર જિલ્લામાં જે પ્રકારે ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે તેમાં રેતી, પથ્થર, સફેદ માટી, કોલસો સહિતનું કિંમતી ખનિજ દરરોજ હજારો ટન ચોરી થઈ ખનિજ માફીયાઓ કરોડો રૂપિયા કમાય છે અને આ ગેરકાયદેસર ખનનથી ગુજરાત સરકારનો તિજોરીને નુકશાન થાય પરંતુ સાથોસાથ પ્રકૃતિને પણ મોટું નુકશાન કરી રહ્યા છે. જ્યારે ખનિજ માફીયાઓ સરકારી જમીન અને ગૌચર જમીન પર ખોદકામ કરી પશુઓ માટે ચારવાની જમીન પર ખોડી નાખી છે ત્યારે આ મામલે વઢવાણના ખોડુ ગામે પથ્થરનું બેફામ ખનન થતું હોવાનું માલધારીઓ દ્વારા જણાવાયું છે પોતાના પાલતુ પશુને ચારવા માટેના સીમમાં પથ્થરનું ખનન કરી ગેરકાયદેસર વિસ્ફોટકો દ્વારા જમીનમાં હજારો ફૂટના ખાડા કરી નાખ્યા છે જેના લીધે પશુઓને ચારવા માટેની જમીન રહેવા દીધી નથી જ્યારે આ મામલે સ્થાનિક માલધારી યુવાન દ્વારા પોતે વઢવાણ મામલતદાર અને પ્રાંત અધિકારીને જાણ કરી હતી પરંતુ તંત્રના એકપણ અધિકારી દ્વારા કાયેવાહી નહીં કરતા આજેય પથ્થરનું બેફામ ખનન યથાવત છે જેને લઇ માલધારી યુવાને આગામી સમયમાં પોતાના પશુઓને લઈ પ્રાંત કચેરી ખાતે ઉપવાસ પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.