શિવભક્તો અને વૈષ્ણવો વચ્ચે છૂપો ગજગ્રાહ સદીઓથી ચાલતો આવ્યો છે. સમજદાર લોકો સ્વીકારે છે કે પરમતત્ત્વ એક જ છે. કોઈ ભગવાન વિષ્ણુને પૂજે, કોઈ ભગવાન શિવજીને પૂજે, કોઈ ભગવાન વિષ્ણુના અવતારોને પૂજે પણ સરવાળે તો આપણી શ્રદ્ધાનું સરનામું એક જ પરમતત્ત્વના ચરણ પાસે જઈને વિરમે છે. પુરાણોમાંથી એક સુંદર ઘટના મળે છે. ભગવાન શિવજીએ એક વાર પ્રસન્ન થઈને મુનિવર્ય નારદજીને પૂછ્યું, “હે મુનિશ્રેષ્ઠ, હું તમારા પર અત્યંત પ્રસન્ન છું. તમે જે માગો તે હું આપીશ.” આ ઘટના સમયે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી પણ ત્યાં ઉપસ્થિત હતા. નારદ મુનિએ બે હાથ જોડીને વરદાન માગ્યું, “મહાદેવ, મારે દુન્યવી એક પણ ચીજ જોઈતી નથી. મને માત્ર એવું વરદાન આપો કે આપનામાં અને વિષ્ણુ ભગવાનમાં મારી એક સમાન ભક્તિ રહે.” શિવજીએ અત્યંત પ્રસન્ન થઈને કહ્યું, “તથાસ્તુ!” આ પ્રસંગ ઉપરથી સમજદાર ભક્તોએ શીખવા જેવું છે કે આપણે અંદરોઅંદર લડી મરવાને બદલે શિવ-પાર્વતી, ભગવાન વિષ્ણુ સહિત એમના બધા જ અવતારો, શક્તિના તમામ સ્વરૂપો, હનુમાનજી, ગણપતિ દાદા આ બધા ઈશ્વરીય તત્ત્વોની એક સમાન ભાવથી ભક્તિ કરીએ.
ભક્તિના સરનામાં ભલે અલગ હોય, પરંતુ ગંતવ્ય સ્થાન તો એક જ છે

You Might Also Like
Follow US
Find US on Social Medias


