રાહત મોરબીનો અપહૃત બાળક પર્વ હેમખેમ મળી આવ્યો
ખાસ-ખબર સંવાદદાતા
મોરબીના ઘુંટુ રોડ પર આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા મામાના ઘરે વેકેશન કરવા આવેલ સાત વર્ષીય ભાણેજ પર્વ ભાવેશભાઈ વિડજાને એ જ વિસ્તારમાં બાલાજી પાન નામની દુકાન ધરાવતો રાજેશ ચંદુભાઈ જગોદરા નામનો શખ્સ ગત તારીખ 3 જૂને સાંજે ગોલો ખવડાવવાના બહાને અપહરણ કરી લઈ ગયો હતો ત્યારે જામનગર પોલીસે આરોપીને બાળક સાથે ઝડપીને મોરબી પોલીસને સોંપ્યો હતો. આ બનાવમાં બાળક હેમખેમ મળી આવતા પરિવારજનોએ અને પોલીસે રાહતનો શ્વાસ લીધો હતો.
મોરબીના ઘુંટુ રોડ પર આવેલ ઉમા રેસિડેન્સીમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ જોટાણીયાએ ઉમા રેસિડેન્સી પાસે બાલાજી પાન નામની દુકાન ધરાવતા રાજેશ ચંદુભાઈ જગોદરા વિરુધ્ધ તેના ભાણેજના અપહરણ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ બનાવમાં જે બાળક પર્વનું અપહરણ કરવામાં આવ્યું હતું તેની માતા તુલ્પાબેન ભાવેશભાઈ વિડજાની માતાનું એટલે કે પર્વના નાનીનું આંખનું ઓપરેશન કરાવ્યુ હતું જેથી છેલ્લા 20 દિવસથી તુલ્પાબેન તેના બંને સંતાનો સાથે તેની માતાના ઘરે ઉમા રેસિડેન્સીમાં આવ્યા હતા તે દરમિયાન બાળક પર્વના નાના તેને લઇને ત્યાંની બાલાજી પાન નામની દુકાને ગયા હતા અને ત્યાંથી તે નોકરીએ જવા માટે ઘરે આવ્યા ત્યારે પર્વએ દુકાને રહેવાનુ કહ્યું હતું માટે ત્યાં મૂકીને આવ્યા હતા ત્યારબાદ દુકાનદાર દ્વારા બાળક પર્વનું કોઈ કારણોસર અપહરણ કરવામાં આવ્યું હતું. આ બનાવને પગલે પોલીસ ટીમોએ સઘન તપાસ હાથ ધરી હતી તે દરમિયાન આરોપી અને અપહૃત બાળક જામનગરમાં હોવાની જાણ થતાં પોલીસે જામનગર ખાતેથી બાળક સાથે આરોપીને દબોચી લીધો હતો અને બનાવના 28 કલાકમાં જ બાળક અને આરોપીને શોધી કાઢવામાં પોલીસને સફળતા મળી હતી.
- Advertisement -
આરોપીએ ATMમાંથી રૂપિયા ઉપાડયા’ને પોલીસ પહોંચી ગઈ !
બાળકનું અપહરણ કરનાર આરોપી બાઈક ઉપર જ બાળકને લઈને ફરતો હતો તે દરમિયાન આરોપી પાસે જે રૂપિયા હતા તે પૂરા થઈ જવાથી તેની પાસે રહેલ અઝખ કાર્ડમાંથી તેને જામનગરના અઝખ મશીનમાંથી રૂપીયા ઉપાડયા હતા જેની જાણ મોરબી પોલીસને થતા જામનગર કઈઇના પીએસઆઈ કે. કે. ગોહિલને જાણ કર્યા બાદ તેઓએ જામનગર પોલીસ મિત્ર અતુલ ચંદ્રકાંતભાઈ વાંસજાળીયાને બાળક અને આરોપી ઉપર નજર રાખવા જણાવ્યું હતું તે દરમિયાન તાત્કાલિક મોરબી પોલીસની ટીમે મોરબીથી રવાના થઈને જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી અપહૃત બાળક અને આરોપી રાજેશને હસ્તગત કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, પર્વ ગુમ થયા પછી તેના પરિવારને પણ કોઈનો ફોન આવેલ નથી તો પણ બાળક પર્વનું અપહરણ કેમ કરવામાં આવ્યું તે સૌથી મોટો સવાલ હજુ ઉભો જ છે ત્યારે આગામી સમયમાં બાળકના અપહરણનું કારણ બહાર આવશે.
અપહરણ કેમ થયું તે સૌથી મોટો સવાલ
પોલીસની 35 ટીમે બાળક અને આરોપીને શોધવા કામે લાગી હતી
સગીર બાળકના અપહરણ અંગે મોરબી તાલુકા પોલીસ મથકે ગુન્હો દાખલ થયા બાદ અપહૃત બાળક અને અપહરણકાર આરોપીને શોધવા માટે મોરબી તાલુકા પોલીસ, એલસીબી અને એસઓજીની કુલ મળી 35 જેટલી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા હ્યુમન ઈન્ટેલિજન્સ, ટેકનિકલ સર્વેલન્સ અને સર્ચિંગ સાથે સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી તે દરમિયાન આરોપી જામનગરમાં હોવાની જાણ થયા બાદ તુરંત જ જામનગરના ગુલાબનગર વિસ્તારમાંથી પોલીસે બાળક સાથે આરોપીને દબોચી લીધો હતો ત્યારે બનાવના 28 કલાકમાં જ અપહૃત બાળક અને અપહરણકર્તા આરોપીને શોધી કાઢવામાં મોરબી પોલીસને સફળતા સાંપડી છે.