માલવીયાનગર પોલીસે પોક્સો સહિતનો ગુનો નોંધી તાત્કાલિક આરોપીની કરી ધરપકડ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
રાજકોટમાં રહેતી અને ધોરણ-6માં અભ્યાસ કરતી બાળકી સાથે 82 વર્ષના વિકૃત વૃદ્ધે મવડી ચોક ઓવરબ્રિજ નીચે જાહેરમાં શારીરિક અડપલાં કરતો હોવાનો વીડિયો વાઈરલ થતા તાત્કાલિક પોલીસે બાળકીના પરિવાર અને વૃદ્ધને શોધી બાળકીના પિતાની ફરિયાદ પરથી ઇગજ કલમ-75 અને પોક્સો એક્ટની કલમ-8 મુજબ ગુનો નોંધી આરોપી વિરમભાઇ ભગાભાઈ બરારીયા ઉ.82ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં આરોપી વૃદ્ધએ અગાઉ પણ બાળકી સાથે શારીરિક અડપલાં કર્યા હોવાનું જાણવા મળ્યું છે.
રાજકોટ એસીપી બી.જે.ચૌધરીએ સમગ્ર બનાવ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે, રાજકોટમાં જાહેર રસ્તા પર પૌત્રીની ઉંમરની કિશોરી સાથે એક વૃદ્ધ શારીરિક અડપલાં કરતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા તપાસ કરતા તે વિડીયો 150 ફૂટ રિંગ રોડ પર મવડી ચોક ઓવરબ્રિજ નીચેનો હોવાનું સામે આવ્યું હતું તેમાં દેખાતા વૃદ્ધ અને બાળકી અંગે તપાસ શરૂ કરી પોલીસે ગણતરીના કલાકોમાં જ વિકૃત માનસિકતા ધરાવતા 82 વર્ષીય વૃદ્ધને હસ્તગત કરી પૂછપરછ કરતા પોતે તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારની લાભદીપ સોસાયટીમાં રહેતા વિરમભાઇ બરારીયા ઉ.82 હોવાનું સામે આવ્યું હતું.પોલીસે બાળકીના પરિવારજનોની પૂછપરછ કરતા બાળકીએ વૃદ્ધ દ્વારા ગઈકાલે એટલે કે શનિવારે અને ચાર-પાંચ દિવસ અગાઉ પણ આ જ રીતે શારીરિક અડપલાં કર્યા હોવાનું જણાવ્યું હતું. ફક્ત એટલું જ નહિ પોલીસ તપાસમાં આરોપી વિકૃત વૃદ્ધે બાળકીને ઘરે પણ શારીરિક અડપલાં કર્યા હોવાનું સામે આવતા બાળકીના પિતાની ફરિયાદ પરથી આરોપી વિરુદ્ધ ઇગજની કલમ-75 અને પોક્સો એક્ટની કલમ-8 મુજબ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જે વીડિયો વાઈરલ થયો તે ક્યારનો છે એ ચોક્કસ જાણી શકાયું નથી પરંતુ, બાળકીના કહેવા મુજબ ગઈકાલે અને ચાર-પાંચ દિવસ પહેલા અડપલાં કર્યા હોવાથી પાછલા એક અઠવાડિયાની અંદરનો જ હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. બાળકી સ્કૂલેથી છૂટી અને પોતાના ઘરે જઈ રહી હતી. આ દરમિયાન બાળકીને મવડી ચોક નજીક બ્રિજ નીચે પાર્ક કરાયેલ ગાડીની પાછળ વિકૃત હરકત કરી શારીરિક અડપલાં કર્યા હતા. જોકે, કોઈ રાહદારી જોઈ જતા વીડિયો બનાવી લેતા વિકૃત વૃદ્ધની ધરપકડ કરી હતી.



