કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વિજેતા ટીમ અને ખેલાડીઓને ઈનામી રાશી સાથે પ્રોત્સાહિત કર્યા
પ્રથમ નંબરે વિજેતા ટીમને રૂ. 3 લાખ, દ્વિતિય નંબરે વિજેતા ટીમને રૂ. 2 લાખ તથા
તૃતીય નંબરે વિજેતા ટીમને રૂ. 1 લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ
એક તરફ સમુદ્રની લહેરો તેનો ઉત્સાહ નિદર્શિત કરતી હોય તેની સાથે કિનારે ગુજરાતભરમાંથી આવેલા ખેલાડીઓ તેમના અદમ્ય ઉત્સાહ, સ્ફૂર્તિ સાથે રમત સાથે તાલ મિલાવી પોતાના કૌવત અને કૌશલ્યનું પ્રદર્શન કરતા હોય તેવા માહોલ વચ્ચે ચાર દિવસ સોમનાથના આંગણે આવેલા મારૂૂતિ બીચ ખાતે યોજાયેલ બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલનું આજે ઢળતી સાંજે રંગેચંગે સમાપન થયું હતું. જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ વોલિબોલ અને હેન્ડબોલની રમતોમાં વિજેતા ટીમોના ખેલાડીઓને ઈનામી રાશી અર્પણ કરી પ્રોત્સાહિત કર્યા હતાં.
કલેક્ટરએ વિજેતા ખેલાડીઓને અભિનંદન આપવા સાથે આ આયોજનને સફળ બનાવવા માટે સહભાગી થનાર જિલ્લા તંત્રના તમામ અધિકારીઓ ખાસ કરીને રમત-ગમત વિભાગના અધિકારીઓનો વિશેષ આભાર માન્યો હતો. આ ઉપરાંત વિજેતા ખેલાડીઓ વધુ ઊંચા લક્ષ્યાંકો હાંસલ કરવા માટે પણ સજ્જ બને તે માટેની હાકલ તેમણે કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બીચ સ્પોર્ટ્સ ફેસ્ટિવલમાં પ્રથમ નંબરે વિજેતા ટીમને રૂ.3 લાખ, દ્વિતિય નંબરે વિજેતા ટીમને રૂ.2 લાખ તથા તૃતીય નંબરે વિજેતા ટીમને રૂ.1 લાખની પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.ગુજરાતના આંગણે પ્રથમ વાર આ પ્રકારની રમતોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. 2036માં ઓલિમ્પિક રમતોનું આયોજન રાજ્યમાં થાય તે માટેનો આ એક પ્રકારનું મંગલાચરણ કહી શકાય. તે પ્રકારનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આંતરરાષ્ટ્રીય ધારાધોરણો સાથે યોજાયેલા આ સમગ્ર રમતોત્સવ દરમિયાન ખેલાડીઓએ તેમના અદભૂત ઉત્સાહ અને મેળવેલી તાલીમ અને કૌશલ્યનું ઉત્તમ નિદર્શન કર્યું હતું.
આજના અંતિમ દિવસે ભાઈઓની હેન્ડબોલ ફાઈનલ મેચ મહેસાણા-એ અને ભાવનગર વચ્ચે યોજાઈ હતી. જેમાંથી મહેસાણા-એ વિજેતા બની હતી. જ્યારે બહેનોની હેન્ડબોલ ફાઈનલ મેચ ચાપરડા અને આલ્ફા જૂનાગઢ વચ્ચે રમાઈ હતી. જેમાં આલ્ફા જૂનાગઢની ટીમ વિજેતા બની હતી.
તો, ભાઈઓની વોલિબોલ ફાઈનલ મેચ નડિયાદ એકેડમી-1 અને નડિયાદ એકેડમી-2 વચ્ચે યોજાઈ હતી. જેમાંથી નડિયાદ એકેડમી-2 વિજેતા બની હતી. જ્યારે બહેનોની વોલિબોલ ફાઈનલ મેચ નડિયાદ-એમ અને નડિયાદ-એસ વચ્ચે રમાઈ હતી. જેમાં નડિયાદ-એસની ટીમ વિજેતા બની હતી.



