ખાસ-ખબર સંવાદદાતા
ઉતરાયણ નજીક આવતા જ પક્ષીઓને બચાવવા વિવિધ સંસ્થાઓ આગળ આવતી હોય છે ત્યારે મોરબી જીલ્લામાં ઉતરાયણના તહેવાર દરમિયાન તા. 10 થી 20 જાન્યુઆરી સુધી પક્ષીઓને બચાવવા 1962 ની કરુણા હેલ્પલાઈનની ટીમ સતત ખડેપગે રહેશે. આ ઉપરાંત ઘાયલ પક્ષીઓની સારવાર માટે મોરબી શહેરના નહેરુ ગેઈટ ચોકમાં ખાસ કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાત સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ 10 થી 20 જાન્યુઆરી વચ્ચે પતંગથી ઘાયલ થયેલ પક્ષીઓના જીવ બચાવવા માટે કરૂણા અભિયાન ચાલવાનું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોરબી ખાતે 1962 ની ટીમ પક્ષીઓ બચાવવા માટે કામે લાગવાની છે જેમાં ઈએમઆરઆઈ ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા મોરબી શહેરના નગર દરવાજે એક કેમ્પ રાખેલ છે જ્યાં ઘાયલ થયેલ પક્ષીઓની સારવાર કરાવી શકાશે અને સાથોસાથ તમને કોઈ ઘાયલ પક્ષી મળે તો 1962 ટોલ ફ્રી નંબર પર તરત જાણ કરી શકાશે જેમાં 3 વેટરનરી ડોક્ટર સાથે 1962 ની ટીમ સતત કાર્યરત રહેશે. આ કામગીરી પશુપાલન વિભાગ મોરબી તેમજ વનવિભાગ દ્વારા સંયુક્ત ઉપક્રમે ચાલવાની છે.
ઉત્તરાયણના તહેવાર દરમિયાન પક્ષીઓને બચાવવા 1962 ટીમ ખડેપગે રહેશે
