રાજ્યપાલ અને શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસુરિયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતી
ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત વિશ્વવિદ્યાલયના 15મા દીક્ષાંત સમારોહમાં કુલાધિપતિ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સંસ્કૃત સાહિત્ય, વેદ-વેદાંગ, વ્યાકરણ, દર્શન, પુરાણ અને અભિનવવિદ્યા વિજ્ઞાન વિષયોના શાસ્ત્રી, આચાર્ય, તત્વાચાર્ય (એમ.ફીલ.) અને વિદ્યાવારિધિ ( પીએચ.ડી.)ની પદવીઓ પ્રદાન કરી હતી., રાજભવનથી વર્ચ્યુઅલી જોડાયેલા રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ દીક્ષાંત ઉદબોધનમાં કહ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિમાં સંસ્કૃતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. વ્યક્તિમાં સત્ય, અહિંસા જેવા સામાજિક સુવ્યવસ્થાપ્રદ સદગુણોનો પ્રાદુર્ભાવ થાય એ જ ભારતીય શાસ્ત્રોનું લક્ષ્ય રહ્યું છે. સંસ્કૃત ભાષાને લોકભાષા બનાવીએ. સંસ્કૃત ભાષાના દૈનિક પ્રયોગથી એક વિશેષ પ્રકારની ઊર્જા મળે છે. આ ઊર્જાથી વ્યક્તિત્વમાં તેજસ્વીતા, ક્ષમા, ધૈર્ય અને પવિત્રતાનો સંચાર થાય છે, તથા વેરભાવના અને અભિમાન જેવા અવગુણોથી મુક્તિ મળે છે, જેનાથી સમાજમાં સુખ, શાંતિ અને સામાજિક સમરસતાની સ્થાપના થાય છે. પ્રાચીનકાળથી સંસ્કૃત સાહિત્યને કારણે જ આપણી સંસ્કૃતિ સહિષ્ણુ અને સર્વસમાવેશી છે. આપણે ભારતીયો એટલે જ ક્ષમાશીલ છીએ. ભારતીયોમાં દયા અને કરુણાના ભાવ આ શાસ્ત્રોને કારણે જ સહજ ઉપલબ્ધ છે.આ પદવીદાન સમારોહમાં યુનિવર્સિટીમાં ચાલતાં વિવિધ અભ્યાસક્રમો પૈકી આ વર્ષે શાસ્ત્રી (બી.એ.)-343, આચાર્ય (એમ.એ.)-191, પી.જી.ડી.સી.એ.-181, શિક્ષાશાસ્ત્રી (બી.એડ.)-43, તત્ત્વાચાર્ય (એમ.ફિલ.)-10 અને વિદ્યાવારિધિ (પીએચ.ડી.)-17 મળીને કુલ 785 ડીગ્રી પ્રમાણપત્રો તેમજ કુલ 18 ગોલ્ડમેડલ અને 4 સિલ્વરમેડલ એમ કુલ મળીને 22 જેટલા પદકો વિદ્યાર્થીઓને એનાયત કરવામાં આવ્યા હતાં.