ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શ્રી જલારામ સેવા સમાજ ટ્રસ્ટ કઠોરની પ્રેરણાથી અને શ્રી રઘુવંશી યુવા સમાજ કામરેજ દ્વારા 11 મો સરસ્વતી સન્માન સમારંભ 29 ડિસેમ્બર રવિવારે ધી લિટલ વેનિસ હોટલ ખાતે ઉજવાઈ ગયો. આ સમારંભમાં રઘુવંશી સમાજના બાલમંદિરના ભૂલકાથી લઈને કોલેજ સી.એ પ્રોફેસર સુધીના અભ્યાસમાં તેજસ્વી પરિણામ લાવનારા વિદ્યાર્થીઓનું સ્મૃતિ ભેટ ટ્રોફી આપી સન્માન કરવામાં આવ્યું હતું. સાથે જ ભગવાન શ્રીકૃષ્ણના જીવન પર આધારિત ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો જેનો આશય બાળકોમાં હિન્દુ ધર્મ હિન્દુ સંસ્કૃતિ અને હિંદુ સંસ્કારની ઉન્નત પરંપરાનું સિંચન કરવાનો હતો ઉપરાંત આ કાર્યક્રમમાં લોહાણા સમાજની વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ્રતિભાઓનું પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું જેમાં નવસારી પી.આઈ અંકિતભાઈ સોમૈયા રાંદેરના આસિસ્ટન્ટ ઇન્સ્પેક્ટર જલ્પાબેન જોબનપુત્રા અને જગદીશભાઈ ઠક્કર કઠોર પોલીસ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પોલીસ અધિકારીઓએ પોતાના પ્રાસંગીક પ્રવચનમાં લોહાણા જ્ઞાતિ વેપાર વ્યવસાયમાં અગ્રણી છે તે જ રીતે સરકારી નોકરીમાં પણ પોતાનું પ્રભુત્વ બતાવે અને સમાજની દીકરીઓને પૂરતું પ્રોત્સાહન અને પીઠબળ આપી તેમની ક્ષમતા ખીલવવા દેવાનો અનુરોધ કર્યો હતો.
- Advertisement -
સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળકો મહિલા મંડળે અનેક ભાવવાહી કૃતિઓ રજૂ કરી હતી. જેમાં દ્રૌપદી ચીરહરણ કૃતિને એટલી અદભુત રીતે રજૂ કરાઈ હતી કે સહુએ પોતાના સ્થાન પરથી ઉભા થઈને સ્ટેન્ડિંગ ઓવેશન આપી તાળીઓના ગડગડાટથી વધાવી લીધી હતી. અંતમાં શ્રીનાથજી બાવા યમુનાજી રાધાજી શ્રી કૃષ્ણનું બાળ સ્વરૂપ અને જલારામ બાપાની વેશભૂષામાં સાક્ષાત સ્વરૂપ લાગતા હતા. તેમનું સામૈયું કરીને શ્રી જલારામ બાપાની ભક્તિ ભાવથી આરતી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ કામરેજ રઘુવંશી યુવા સમાજના પ્રમુખ વિવેકભાઈ વસાણી ઉપ-પ્રમુખ દિવ્યેશભાઈ મજેઠીયા ખજાનચી ઉમેશભાઈ ઠક્કર અને પરિમલ ઠક્કર તેમજ સભ્યોની રાત દિવસની મહેનત અને ધગશથી સંપન્ન થયો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પોતાની આગવી ઢબે રસાળ શૈલીથી ઉમેશભાઈ ઠક્કરે કર્યું હતું.