વ્યસનમુક્ત થવાના સંકલ્પો લેવામાં આવશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરની જાણીતી યુવા સેવા સંસ્થા વિવેકાનંદ યુથ ક્લબ દ્વારા શ્રી ગાયત્રી શક્તિ પીઠ- વૈશાલીનગરના સહયોગથી તા. 23 ને રવિવારના રોજ સવારના 9થી 12 વાગ્યા સુધી શહેરના ભક્તિનગર સર્કલ પાસે આવેલા શ્રી ધારેશ્ર્વર મહાદેવ મંદિરમાં 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞ યોજવામાં આવેલો છે. જેમાં બપોરના 11-30 વાગે બીડું હોમવામાં આવશે. પવિત્ર ધર્મકાર્યની સાથે પ્રવર્તમાન સમયમાં નાના-મોટા સૌ કોઈ પાન, સીગારેટ, બીડી, તમાકુ, દારૂ સહિતના વ્યસનનો ભોગ બની રહ્યા છે ત્યારે વ્યસન મુક્તિ અભિયાન અંતર્ગત ભાઈઓ-બહેનો તેમજ દર્શનાર્થીઓ યજ્ઞમાં આહુતિ આપતી વેળાએ પોતાના પરિવારના સભ્યો વ્યસન મુક્ત બને તે માટે સંકલ્પ કરશે. 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞની સાથે સમાજમાં ચક્ષુદાન, દેહદાન પ્રવૃત્તિ અંગે જાગૃતિ આવે તેમજ મૃત્યુ બાદ ચક્ષુદાન-દેહદાન કરતાં થાય તે માટે જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે તેમજ જે કોઈને ચક્ષુદાન-દેહદાનના સંકલ્પપત્રો ભરવા માગતા હશે તો વીલ માટેની વ્યવસ્થા કરવામાં આવી છે તેમજ ચક્ષુદાનની માહિતી આપતી પત્રિકાઓનું વિતરણ કરવામાં આવશે તેમજ બેનર લગાવવામાં આવશે. 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞના પવિત્ર પ્રસંગે સંતો-મહંતો, ધર્માચાર્યો, કથાકારો, સમાજજીવનના વિવિધ ક્ષેત્રના આગેવાનો પણ વિશેષ ઉપસ્થિત રહેશે. 11 કુંડી ગાયત્રી મહાયજ્ઞના દર્શન કરવા, આહુતિ આપવા તેમજ ઊર્જાશક્તિનો લાભ પ્રાપ્ત કરવા સપરિવાર પધારવાનું શહેરીજનોને સંસ્થા દ્વારા આમંત્રણ પાઠવાયું છે. સમગ્ર આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, હસુભાઈ શાહ, દિનેશભાઈ ગોવાણી, રમેશભાઈ શીશાંગીયા, પરિમલભાઈ જોષી, જયેન્દ્રભાઈ મહેતા, નૈષધભાઈ વોરા, વિપુલભાઈ ભટ્ટ, અશ્ર્વિનભાઈ ચૌહાણ, ઉર્મિશ વ્યાસ, કિશોર ટાકોદરા, મહેશ જીવરાજાની, નયન ગંધા, મહેશભાઈ વ્યાસ, દક્ષિણભાઈ જોષી વગેરે કાર્યરત છે.