ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફે દ્વારા તૈયાર કરાયેલી યોજના હેઠળ અમેરિકા રૂપિયા 5 લાખ કરોડની મદદ કરશે: લક્ઝરી રિસોર્ટ, બીચ હોટલ અને હાઈ-સ્પીડ ટ્રેનનો સમાવેશ
ખાસ-ખબર ન્યૂઝ વોશિંગ્ટન, તા.23
- Advertisement -
અમેરિકાએ યુદ્ધથી સંપૂર્ણ રીતે નુકસાન પામેલા ગાઝાને ફરીથી વિકસિત કરવા માટે એક વિશાળ અને મહત્ત્વાકાંક્ષી યોજના રજૂ કરી છે. આ યોજના હેઠળ ગાઝાને અંદાજે ₹9.3 લાખ કરોડ (112 અબજ ડોલર)ના ખર્ચે એક આધુનિક સ્માર્ટ સિટીમાં રૂૂપાંતરિત કરવાનો પ્રસ્તાવ છે.
યોજનાના કુલ ખર્ચમાંથી લગભગ ₹5 લાખ કરોડ (60 અબજ ડોલર)ની નાણાકીય સહાય અમેરિકી સરકાર તરફથી આપવામાં આવશે. પ્રોજેક્ટ અંતર્ગત લક્ઝરી રિસોર્ટ, બીચ હોટલ, આધુનિક રહેણાંક વિસ્તારો તેમજ હાઈ-સ્પીડ ટ્રેન જેવી વિશ્ર્વસ્તરીય સુવિધાઓ વિકસાવવામાં આવશે.
ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જેરેડ કુશનર અને અમેરિકાના વિશેષ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફે દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ યોજનાને ‘પ્રોજેક્ટ સનરાઇઝ’ નામ આપવામાં આવ્યું છે.
આ પ્રોજેક્ટનો હેતુ માત્ર ગાઝાને યુદ્ધના કાટમાળમાંથી બહાર લાવવાનો નથી, પરંતુ તેને ટેકનોલોજી આધારિત, આધુનિક અને આંતરરાષ્ટ્રીય સ્તરનું સ્માર્ટ શહેર બનાવવાનો છે. રોકાણકાર દેશો અને વૈશ્ર્વિક નાણાકીય સંસ્થાઓ સમક્ષ આ પ્રોજેક્ટને 32 સ્લાઇડની પાવરપોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા રજૂ કરવામાં આવી રહ્યો છે.
પ્લાનિંગ મુજબ ગાઝાના ભૂમધ્યસાગરના કિનારે લક્ઝરી બીચ રિસોર્ટ, ફાઇવ સ્ટાર હોટલ, મરીના અને એન્ટરટેઇનમેન્ટ ઝોન બનાવવામાં આવશે જેથી તેને ગ્લોબલ ટુરિસ્ટ ડેસ્ટિનેશન બનાવી શકાય.
શહેરની અંદર મુસાફરી માટે હાઈ-સ્પીડ ટ્રેન નેટવર્ક, પહોળા અને આધુનિક રસ્તાઓ અને મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ વિકસાવવામાં આવશે. વીજળીની સમસ્યાથી ઝઝૂમી રહેલા ગાઝામાં અઈં સંચાલિત સ્માર્ટ પાવર ગ્રીડ સ્થાપિત કરવામાં આવશે, જેમાં સૌર અને અન્ય નવીનીકરણીય ઊર્જાનો ઉપયોગ થશે.
આ ઉપરાંત, ગાઝાને અઈં આધારિત સ્માર્ટ સિટી બનાવવાની વાત છે, જ્યાં ડિજિટલ ગવર્નન્સ, ઈ-ગવર્નન્સ સિસ્ટમ, ડેટા પ્લેટફોર્મ અને એક ચીફ ડિજિટલ ઓફિસ હશે.
વેપાર અને રોજગાર વધારવા માટે ફ્રી ટ્રેડ ઝોન, ઇન્ટરનેશનલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ, ટેકનોલોજી હબ, ઇનોવેશન લેબ અને સ્ટાર્ટઅપ સેન્ટર પણ બનાવવામાં આવશે, જેથી ગાઝાને સ્થાનિક આર્થિક હબ બનાવી શકાય.
રાજકીય અને સુરક્ષા સંબંધિત મુશ્ર્કેલીઓ પણ ઓછી નથી. અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે આ પ્રોજેક્ટને આગળ વધારવાની એક શરત હમાસનું નિ:શસ્ત્રીકરણ છે. પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં હમાસનું આ માટે તૈયાર થવું મુશ્ર્કેલ મનાઈ રહ્યું છે, જેનાથી આ સંપૂર્ણ યોજનાના અમલ પર મોટો પ્રશ્ર્ન ઊભો થાય છે.
નોંધનીય છે કે છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા ગાઝા યુદ્ધમાં ઇઝરાયેલના હવાઈ અને જમીની હુમલાઓથી અત્યાર સુધીમાં 65 હજારથી વધુ લોકોના મોત થયા છે, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે.
લગભગ 23 લાખની વસ્તી ધરાવતા ગાઝામાંથી લગભગ 20 લાખ લોકો બેઘર થઈ ગયા છે, એટલે કે લગભગ 90% વસ્તીને પોતાનું ઘર છોડવું પડ્યું છે. આવી પરિસ્થિતિમાં, અમેરિકાની આ યોજના ગાઝાને નવી શરૂઆત આપવાનો દાવો કરે છે, પરંતુ તેને જમીન પર ઉતારવું અત્યંત પડકારજનક માનવામાં આવે છે.
10 વર્ષ સુધી ચાલશે મેગા પ્રોજેક્ટ
આ સમગ્ર મેગા પ્રોજેક્ટ પર આગામી 10 વર્ષમાં તબક્કાવાર રીતે ખર્ચ કરવામાં આવશે. અમેરિકા લગભગ ₹5 લાખ કરોડની રકમ ગ્રાન્ટ અને લોનની ગેરંટીના રૂપમાં આપશે, જ્યારે બાકીના પૈસા ખાડી દેશો, યુરોપ અને અન્ય આંતરરાષ્ટ્રીય રોકાણકારો પાસેથી એકત્રિત કરવામાં આવશે. તેને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલ પર આગળ વધારવાની તૈયારી છે.
જોકે આ યોજના સામે ઘણા મોટા પડકારો પણ છે. સૌથી મોટો પડકાર લગભગ 20 લાખ પેલેસ્ટાઈનીઓના પુનર્વસનનો છે. જ્યારે ગાઝામાં નિર્માણ શરૂૂ થશે, ત્યારે આટલી મોટી વસ્તીને અસ્થાયી રૂપે બીજી જગ્યાએ વસાવવી પડશે. જોકે, હજુ એ સ્પષ્ટ નથી કે તેમને ક્યાં રાખવામાં આવશે. બીજી મોટી સમસ્યા યુદ્ધ પછી જમા થયેલો કરોડો ટન કાટમાળ છે, જેને હટાવવામાં અબજો ડોલર અને લાંબો સમય લાગશે.



