પહલગામ હુમલા બાદ રાજનાથસિંહ શ્રીનગરની મુલાકાતે
ભારતીય સેના પર ગર્વ વ્યક્ત કર્યો
- Advertisement -
રક્ષામંત્રી રાજનાથસિંહ ગુરુવારના રોજ ઓપરેશન સિંદૂર બાદ જમ્મુ-કાશ્મીર પહોંચ્યા હતા. તેમણે શ્રીનગરની બાદામી બાગ છાવણીની પણ મુલાકાત લીધેલ છે. તેમણે પાકિસ્તાન તરફથી છોડવામાં આવતા મોર્ટાર અને ગોળાના ટુકડા જોયા. તેમણે કહ્યું, “સૌપ્રથમ હું આતંકવાદ અને આતંકવાદીઓ સામે લડત આપનાર બહાદુર જવાનોને નમન કરું છું. પહાલગામ હુમલામાં માર્યા ગયેલ નિર્દોષ વ્યક્તિઓને પણ નમન કરું છું અને ઘાયલ સૈનિકોની વિરતને સલામ આપું છું. ”
દુશ્મન દેશ આપણો જવાબ ક્યારેય ભૂલી શકશે નહિ
- Advertisement -
વધુમાં તેમણે કહ્યું, “જે રીતે આપણે આતંકીઓને જવાબ આપ્યા છે અને પાકિસ્તાની સીમા પાર કરી તેમના એરબેઝ, બંકરોને નષ્ટ કર્યા છે તે દુશ્મન દેશ ક્યારેય પણ ભૂલી નહિ શકે. સમગ્ર વિશ્વ એ વાત જાણે છે કે ભારત હંમેશા શાંતિને પ્રાથમિકતા આપે છે. પરંતુ જ્યારે સ્થિતિ આટલી વિકટ બને અને દેશની સંપ્રભુતા પર આક્રમણ થાય ત્યારે તેનો જવાબ આપવો આવશ્યક બને છે.”
રાજનાથે કહ્યું કે, “પહેલગામમાં આતંકવાદીઓએ ધર્મ પુછીને નિર્દોષ લોકોની હત્યા કરી હતી. અમે તેમના કર્મ જોઈને ખાતમો બોલાવ્યો, એ અમારી ફરજ હતી. આતંકવાદ સામે આપણે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. ઓપરેશન સિંદૂરએ ઇતિહાસમાં આતંકવાદ સામે ભારત દ્વારા લેવામાં આવેલી સૌથી મોટી કાર્યવાહી છે. છેલ્લા 35-40 વર્ષથી, ભારત સરહદ પાર આતંકવાદનો સામનો કરી રહ્યું છે. આજે, ભારતે આખી દુનિયાને સ્પષ્ટ કરી દીધું છે કે આપણે આતંકવાદ સામે કોઈપણ હદ સુધી જઈ શકીએ છીએ. પહેલગામમાં આતંકવાદી ઘટનાને અંજામ આપીને, ભારતના કપાળ પર ઘા કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, ભારતની સામાજિક એકતાને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તેમણે ભારતના કપાળ પર હુમલો કર્યો, અમે તેમની છાતી પર ઘા કર્યા છે. પાકિસ્તાનના ઘાનો ઈલાજ એ હકીકતમાં રહેલો છે કે તે ભારત વિરોધી અને આતંકવાદી સંગઠનોને આશ્રય આપવાનું બંધ કરે, અને તેની જમીનનો ઉપયોગ ભારત વિરુદ્ધ થવા દે નહીં.”
ત્રણ આતંકીઓનો ખાતમો બોલાવ્યો
રક્ષામંત્રીની મુલાકાત પહેલા, ભારતીય સેનાએ ગુરુવારે સવારે અવંતીપોરાના ત્રાલમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા. સેનાના સૂત્રોએ જણાવ્યું કે આમાં એક ટોચના કમાન્ડર આસિફ શેખનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત આમિર નઝીર વાની અને યાવર અહેમદ ભટ્ટની પણ હત્યા કરવામાં આવી છે. પહેલગામ હુમલા બાદ સરકારે જાહેર કરેલા 14 આતંકવાદીઓની યાદીમાં આ ત્રણેયનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, અધિકારીઓ દ્વારા હજુ સુધી આતંકવાદીઓના મોતની પુષ્ટિ કરવામાં આવી નથી.