તમામ સ્થળોએ મોટાપાયે સર્ચ ઓપરેશન: ચાર ત્રાસવાદીઓના સ્કેચ જાહેર કરાયા; 5-5 લાખના ઈનામ
કેન્દ્રમાં નવી સરકારના ગઠન સાથે જ કાશ્મીરમાં ત્રાસવાદે માથુ ઉંચકયુ હોય તેમ સતત ચોથા દિવસે ચોથો આતંકવાદી હુમલો થયો હતો. ડોડામાં ત્રાસવાદીઓએ પોલીસ છાવણી પર હુમલો કરતા આતંકીઓ અને સુરક્ષા દળો વચ્ચે ભીષણ એન્કાઉન્ટર શરૂ થયુ હતું.
- Advertisement -
કાશ્મીરનાં ડોડા જીલ્લામાં સ્થિત પ્રવાસી સ્થળ ચકોરવાલાની પોલીસ આઉટ પોસ્ટ પર ત્રાટકયા બાદ ત્રાસવાદીઓએ ડોડાનાં જે કોટા ટોપ વિસ્તારમાં ઘાયલ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. વધારાની સુરક્ષા ટીમો પણ દોડાવવામાં આવી હતી. ચતેરગાલામાં હુમલો કરનારા ત્રાસવાદીઓ જ કોટાટોપમાં ત્રાટકયા હતા કે કેમ તે હજુ સ્પષ્ટ થયુ નથી.
સૈન્ય સુત્રોના કહેવા પ્રમાણે રવિવારે રાયસીમાં પ્રવાસી બસ પર હુમલો થયા બાદ ત્રાસવાદીઓ બીજા દિવસે કઠુઆમાં અને ત્રીજા અને ચોથા દિવસે ડોડા જીલ્લામાં હુમલો કર્યા બાદ તમામ સ્થળોએ ત્રાસવાદીઓને પકડવા મોટાપાયે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતું.
કઠુઆમાં હુમલાખોર બીજા ત્રાસવાદીનો પણ ખાત્મો થઈ જતા ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું હતું ઠાર થયેલા બન્ને ત્રાસવાદી થોડા દિવસો પૂર્વે જ હીરાનગર બોર્ડર મારફત પાકિસ્તાનથી ઘુસ્યા હોવાની શંકા છે. તેઓના કબ્જામાંથી જીવતા ગ્રેનેડ સહીતના હથીયારો મળ્યા હતા અને પાકિસ્તાની માર્ગની દવા તથા ખાદ્યચીજો પણ મળી આવી હતી. ઉપરાઉપરી ત્રાસવાદી હુમલાને પગલે આજે જમ્મુ તથા રાજૌરીમાં હાઈએલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઉપરાંત જુદા જુદા હુમલામાં સામેલ ચાર આતંકવાદીઓના સ્કેચ જાહેર કરીને પાંચ-પાંચ લાખના રોકડ ઈનામ જાહેર કરવામાં આવ્યા છે. આગામી અમરનાથ યાત્રા ખોરવવાનાં ભાગરૂપે આ હુમલા શરૂ કરવાની પણ શંકા દર્શાવવામાં આવી રહી છે.
- Advertisement -
પાડોશી સાથે હજુ પણ સમસ્યાઓ: ફારુક અબ્દુલ્લા
જમ્મુ અને કાશ્ર્મીરમાં આતંકવાદી હુમલાઓ અંગે નેશનલ કોન્ફરન્સ (NC)ના પ્રમુખ ડો. ફારૂક અબ્દુલ્લાએ કહ્યું, “પાડોશી સાથે હજુ પણ સમસ્યાઓ છે. આ સમસ્યાઓ સૈન્ય કાર્યવાહીથી ઉકેલાશે નહીં. જ્યાં સુધી આપણે આપણા પડોશીઓ સાથે વાત નહીં કરીએ, ત્યાં સુધી હલ નહીં થાય.” તેમણે વધુમાં કહ્યું કે આતંકવાદીઓ સરહદેથી આવી રહ્યા છે અને આવતા રહેશે. આપણે આ સંજોગોમાંથી બહાર નીકળવાની જરૂર છે. અબ્દુલ્લાએ કહ્યું કે ચૂંટણી થશે, જ્યારે આ ઘટનાઓ બની ત્યારે સંસદ માટે પણ ચૂંટણી યોજાઈ હતી. આનાથી ચૂંટણી રોકી શકાતી નથી.