આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કરી કેટલાક સાથીઓને છોડાવ્યા અને પરત ફરતી વખતે પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા
પાડોશી દેશ પાકિસ્તાનથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણી પહેલા આતંકીઓએ ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લામાં મોટો હુમલો કર્યો છે. ડેરા ઈસ્માઈલ ખાન જિલ્લાના એક પોલીસ સ્ટેશન પર મોડી રાત્રે હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાથમિક વિગતો મુજબ આ ઘટનામાં 10 પોલીસકર્મીઓ માર્યા ગયા હતા અને છ અન્ય ઘાયલ થયા હતા. ઘાયલોને ડેરા ઈસ્માઈલ ખાન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે, આતંકવાદીઓએ જિલ્લાના તહસીલ દરબનમાં પોલીસ સ્ટેશન પર સવારે 3 વાગે ભારે હથિયારોથી હુમલો કર્યો. હુમલા બાદ આતંકીઓ તેમના કેટલાક સાથીઓને છોડાવવામાં પણ સફળ રહ્યા હતા. પરત ફરતી વખતે તેઓએ પોલીસ સ્ટેશનમાં રાખેલા હથિયારો પણ લૂંટી લીધા હતા.
- Advertisement -
PAKISTAN. KHYBER PAKHTUNKHAWA. bleeds as terrorist Attack in Daraban leaves 10 policemen dead 6 injured pic.twitter.com/pORsdMIoZc
— Zahir Shah Sherazi (@ZahirShahShrazi) February 5, 2024
- Advertisement -
સ્નાઈપરથી ફાયરિંગ અને ગ્રેનેડ ફેંક્યા
રિપોર્ટ અનુસાર મોડી રાત્રે જ્યારે પોલીસ સ્ટેશનના મોટાભાગના પોલીસકર્મીઓ ઊંઘી રહ્યા હતા ત્યારે હુમલો કરવામાં આવ્યો હતો. આતંકીઓએ હુમલા પહેલા સ્નાઈપર ફાયરિંગ કર્યું અને પછી ચૌધવન પોલીસ સ્ટેશનમાં ઘૂસી ગયા. તેઓએ પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. નાયબ પોલીસ અધિક્ષક અનીસુલ હસને કહ્યું છે કે, આતંકવાદીઓએ પોલીસ સ્ટેશન પર ઘણા હેન્ડ ગ્રેનેડ પણ ફેંક્યા હતા. ખૈબર પખ્તુનખ્વાના પોલીસ મહાનિરીક્ષક અખ્તર હયાતે ઘટના અને જાનહાનિની સંખ્યાની પુષ્ટિ કરી છે. જેમણે જીવ ગુમાવ્યો તેમાં સ્વાબીના ચુનંદા પોલીસ એકમના છ પોલીસકર્મીઓનો સમાવેશ થાય છે, જે ગયા વર્ષે અને ચૂંટણી દરમિયાન શ્રેણીબદ્ધ હુમલાઓને પગલે સ્થાનિક પોલીસને ટેકો આપવા માટે આ વિસ્તારમાં તૈનાત કરવામાં આવ્યા હતા.
આતંકવાદીઓને શોધખોળ શરૂ
આ તરફ હુમલા બાદ તરત જ દક્ષિણ વઝીરિસ્તાન ટ્રાઇબલ ડિસ્ટ્રિક્ટ, ટેન્ક અને ડેરા ગાઝી ખાન તરફ જતા રસ્તાઓ પર વાહનવ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો હતો. પોલીસની ઘણી ટીમો મોટા પાયે આતંકવાદીઓને શોધી રહી છે. માનવામાં આવે છે કે, આ હુમલા પાછળ તહરીક-એ-તાલિબાન પાકિસ્તાનનો હાથ હોઈ શકે છે, જોકે હજુ સુધી કોઈ આતંકવાદી જૂથે તેની જવાબદારી લીધી નથી. પાકિસ્તાનમાં ચૂંટણી પહેલા આવા આતંકવાદી હુમલાઓએ સુરક્ષા વ્યવસ્થાને ખુલ્લી પાડી દીધી છે. પાકિસ્તાનનો ખૈબર પખ્તુનખ્વા પ્રાંત આતંકવાદીઓનું પ્રિય સ્થળ છે.