ખાસ-ખબર સંવાદદાતા
નરેન્દ્ર મોદી, અમિત શાહ અને વિજય રૂપાણીએ દુ:ખ વ્યક્ત કર્યું : 2 લાખની સહાય જાહેર કરાઈ.
ભાવનગરના વરતેજનો અજમેરી પરિવાર સુરતથી પરત ફરી રહ્યો હતો. જલગાંવથી પ્રાસંગિક કામ પતાવીને હસીખુશી સાથે પરત ફરી રહેલા આ પરિવારને ક્યાં ખબર હતી કે તારાપુર-વટામણ હાઇવે પર મોત તેમની રાહ જોઇ રહ્યું છે. તારાપુર પાસે ઇન્દ્રણજ પાસે આ પરિવારની ઇકો કાર પહોંચી ત્યારે કાળ બનીને આવેલી ટ્રક ધડાકાભેર ઇકો સાથે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર અજમેરી પરિવારના સાત સભ્યો અને ડ્રાઇવરનાં કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં. મૃતકોની ચિચિયારીઓથી વહેલી સવારે શાંત રહેલો હાઈવે ગુંજી ઊઠ્યો હતો. અકસ્માતમાં ઇકોનો ફુરચો બોલી ગયો અને કારમાં જ મૃતદેહોનો ઢગલો થઇ ગયો હતો. તારાપુરના ઇન્દ્રણજ દુરાવેટ ફેકટરી પાસે વહેલી સવારે ગમખ્વાર અકસ્માતની ઘટના ઘટી છે. સુરતથી ભાવનગર જતી ઇકો ગાડી અને ટ્રક વચ્ચે ધડાકાભેર થયેલા અકસ્માતમાં ગાડીમાં સવાર એક નાની બાળકી સહિત 9 વ્યક્તિનાં મોત થયાંની બાબતથી સમગ્ર પંથકમાં અરેરાટી અને ગમગીની વ્યાપી ગઈ છે.