બંન્ને દેશના સૈન્ય વચ્ચે ગોળીબાર: તાલીબાની ત્રાસવાદી સંગઠનોનો પાકના સરહદી ગામો પર કબ્જો
ખાસ-ખબર સંવાદદાતા
પાકિસ્તાનમાં સરહદીપ્રાંત બલુચીસ્તાન બાદ હવે પાક-અફઘાન સરહદ સાથે જોડાયેલા ક્ષેત્રમાં બન્ને દેશો વચ્ચે જબરો તનાવ સર્જાયો છે. બન્ને દેશોની સીમા પર તહેરીક-એ-તાલીબાન પાકિસ્તાન જે અફઘાન સ્થિત ત્રાસવાદી સંગઠન છે તેના દ્વારા પાકના કેટલાક સરહદી ગામો પર કબ્જો કરી લેવાતા અહી પાક સૈન્યએ હુમલો કરીને આ કબ્જો છોડાવવા પ્રયાસ કર્યા હતા, તો અફઘાનના મંત્રાલયે દાવો કર્યો કે, પાક સૈન્ય ભારત જઈ રહેલા ટ્રકોને રોકીને તેને આગ ચાંપી રહ્યો છે જેના કારણે ભારત સાથેનો ટ્રક વ્યવહાર ખોરવાઈ ગયો છે અને સીમા પર ટ્રકોની કતાર સર્જાઈ ગઈ છે. પાકિસ્તાન અને અફઘાન સરકાર વચ્ચે સતત વધતા જતા તનાવ વચ્ચે અફઘાની સૈન્યએ સીમા સુરક્ષા માટે બંકરો બનાવવાનો પ્રારંભ કરતા જ પાક સેનાએ તેની સામે વિરોધ દર્શાવ્યો હતો. બન્ને દેશોના સૈનિકો વચ્ચે ગોળીબાર પણ થયા હતા. બાદમાં પાક સૈન્યએ સીમા બંધ કરી દીધી છે. જેના કારણે પણ અફઘાન-ભારતના વ્યાપારને અસર થઈ છે તો બીજી બાજુ તાલીબાની તરફી ત્રાસવાદી સંગઠન દ્વારા પાકના કેટલાક ગામો પર કબ્જો કરી લેવાતા વિવાદ વધ્યો છે.