હાડ થીજવતી ઠંડી પડતા લોકોએ તાપણાનો સહારો લીધો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
- Advertisement -
જાન્યુઆરી માસની શરૂઆત સાથે જ સૌરાષ્ટ્રમાં શિયાળો બરાબરનો જામ્યો છે. જૂનાગઢ શહેર અને જિલ્લામાં આજે તેજ ફૂંકાતા પવનને કારણે કાતિલ ઠંડીનો અનુભવ થયો હતો. ખાસ કરીને ગિરનાર પર્વત પર લઘુતમ તાપમાનનો પારો ગગડીને 7.6 ડિગ્રીએ પહોંચી જતા યાત્રિકો અને સ્થાનિકો ઠંડીમાં ઠૂંઠવાયા હતા.
શહેરમાં લઘુતમ તાપમાન 12.6 ડિગ્રી નોંધાયું હોવા છતાં, સાત કિલોમીટરથી વધુની ઝડપે ફૂંકાતા ઠંડા પવને ઠંડીની તીવ્રતામાં વધારો કર્યો હતો. વહેલી સવારે વાતાવરણમાં ભારે ઠાર જોવા મળ્યો હતો. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીના કામકાજ અને પિયત માટે જતા ખેડૂતોને હાડ થીજવતી ઠંડીનો સામનો કરવો પડ્યો હતો. ઠંડીથી બચવા માટે લોકોએ ઠેર-ઠેર તાપણાનો આશરો લીધો હતો અને દિવસભર લોકો ગરમ વસ્ત્રોમાં સજ્જ જોવા મળ્યા હતા. ડિસેમ્બર માસમાં નહિવત રહેલી ઠંડીએ જાન્યુઆરીમાં અચાનક જોર પકડતા હવે શિયાળાનો અસલી મિજાજ જોવા મળી રહ્યો છે.
તાપમાનના આંકડા
1, ગિરનાર પર્વત: 7.6 ડિગ્રી (લઘુતમ)
- Advertisement -
2, જૂનાગઢ શહેર: 12.6 ડિગ્રી (લઘુતમ)
3, મહત્તમ તાપમાન: 28.6 ડિગ્રી
4, પવનની ગતિ: 7.3 કિમી પ્રતિ કલાક



