દિવસે ગરમીનો પારો વધવા સાથે જિલ્લો રાજ્યમાં ટોપ ત્રણમાં
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં એપ્રિલ મહિનો દિવસે ને દિવસે ગરમ બની રહ્યો છે. જેના કારણે જનજીવન ઉપર તેની અસર વર્તાઇ રહી છે. તા.3ના રોજ ગુરૂવારે સિઝનનું સૌથી વધુ તાપમાન 43 ડિગ્રી નોંધાયું હતું. પરંતુ ફરી આકરા ઉનાળાની અસર દેખાઇ હોય તેમ સિઝનનું સૌથી વધુ લઘુતમ અને મહત્તમ બન્ને પારો વધવા સાથે રવિવારે તાપમાન 26.4 અને મહત્તમ તાપમાન 44.2 ડિગ્રી નોંધાયું હતું. આમ એપ્રિલના પહેલા સપ્તાહમાં જ 44 ડિગ્રીનો પારો પાર કરી ગયો હતો. આ દિવસે હવાની ગતિ 16 કિમી અને ભેજ 20 ટકા નોંધાયો હતો. જેની સરખામણી શનિવાર સાથે કરીએ તો શનિવારે લઘુતમ તાપમાન 25.6 અને મહત્તમ 43.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. હવાની ગતિ 8 કિમી ભેજ 17 ટકા રહ્યો હતો. આમ 24 કલાકમાં લઘુતમ તાપમાન 0.8 ડિગ્રી અને મહત્તમ તાપમાન 0.6 ડિગ્રી વધી ગયું હતું. જ્યારે હવાની ગતિ 8 કિમી વધી અને ભેજ 3 ટકા વધી ગયો હતો. હવામાન વિભાગે સૌરાષ્ટ્ર રિજિયનના જિલ્લાઓમાં આગામી 5 દિવસ સુધી હિટવેવની સ્થિતિ રહેવાની આગાહી છે.



