યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન ન મળ્યું
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
- Advertisement -
યુનાઈટેડ અરબ અમીરાત (ઞઅઊ)માં આવતા મહિને શરૂ થનારા એશિયા કપ 2025 માટે મંગળવારે (19મી ઓગસ્ટ) ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ટીમમાં ઘણાં મોટા ફેરફારો કરવામાં આવ્યા છે. મુંબઈમાં રાષ્ટ્રીય પસંદગી સમિતિની બેઠક યોજાયા બાદ એશિયા કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. ટીમમાં શુભમન ગિલને વાઈસ કેપ્ટન બનાવાયો છે, તો રિંકુ સિંહ પર પણ વિશ્ર્વાસ મૂકી ટીમમાં સમાવેશ કરાયો છે. આ સિવાય ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહને પણ ટીમમાં સામેલ કરાયો છે.
એશિયા કપ-2025 ક્રિકેટ ટૂર્નામેન્ટ 9 સપ્ટેમ્બરથી શરૂ થવાનો છે. જ્યારે ફાઈનલ મેચ 28 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ ટુર્નામેન્ટ યુએઈના બે શહેરો અબુ ધાબી અને દુબઈમાં ટી20 ફોર્મેટ આધારે રમાશે. ગ્રૂપની વાત કરીએ તો ગ્રૂપ-એમાં ભારત, પાકિસ્તાન, ઓમાન અને યુએઈનો સમાવેશ કરાયો છે. જ્યારે ગ્રૂપ-બીમાં શ્રીલંકા, બાંગ્લાદેશ, હોંગકોંગ અને અફઘાનિસ્તાનની ટીમો સામેલ છે.
એશિયા કપમાં પહેલા ગ્રૂપ સ્ટેજની મેચો રમાશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની અને પછી ફાઈનલ મેચ રમાશે. ભારતીય ટીમ ગ્રૂપ મેચોમાં કુલ ત્રણ મેચો રમશે, જેમાં પ્રથમ મેચ 10 સપ્ટેમ્બરે યુએઈ સામે દુબઈમાં, ત્યારબાદ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાન વિરુદ્ધ દુબઈમાં અને પછી 19 સપ્ટેમ્બરે ઓમાન વિરુદ્ધ અબૂધાબીમાં મેચ રમશે. એશિયા કપમાં બંને ગ્રૂપમાં ટોપ પર રહેનારી બે-બે ટીમો સુપર-4 સ્ટેજમાં પહોંચશે, ત્યારબાદ સુપર-4 સ્ટેજની ટોપ-2 ટીમો વચ્ચે ફાઈનલ મેચ રમાશે.
ટુર્નામેન્ટ આયોજન પણ ઞઅઊમાં એટલે થઈ રહ્યું છે, કારણકે પહલગામ હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિના કારણે બંને દેશોએ 2027 સુધી માત્ર બીજા દેશમાં રમવા પર સહમતી વ્યક્ત કરી છે. આ વર્ષે માર્ચમાં ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન પાકિસ્તાને જ કર્યું હતું, પરંતુ ભારતે બધી મેચો દુબઈમાં રમી હતી અને ચેમ્પિયનશિપનું ટાઇટલ હાંસલ કર્યું હતું.