ગુજરાત સરકાર અને શિક્ષક સંઘ આરપારની લડાઈના મૂડમાં
ખાસ-ખબર સંવાદદાતા
‘શિક્ષક સજ્જતા સર્વેક્ષણ’ મુદ્દે ગુજરાત સરકાર અને શિક્ષક સંઘ આરપારની લડાઈના મૂડમાં હતા. એકતરફ શિક્ષક સંઘ દ્વારા કસોટીનો બહિષ્કાર કરવાની જાહેરાત કરવામાં આવી તો બીજી તરફ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યમાં શિક્ષણની ગુણવત્તા સુધારણાના હિતમાં શિક્ષક સજ્જતાનું રાજ્યવ્યાપી સર્વેક્ષણ યથાવત રહેશે અને તેમાં કોઇ જ ફેરફાર કરવામાં આવ્યો નથી, તેવો સ્પષ્ટ મત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યકત કર્યો હતો. ત્યારે હવે વધુ એક વખત રાજ્યના શિક્ષકોના કામને લઇ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન આપ્યું છે.
શિક્ષણમંત્રી ભૂપેન્દ્ર સિંહ ચુડાસમા શિક્ષકોને ફરજિયાત 8 કલાક હાજર રહેવા અંગેના પરીપત્ર પર શિક્ષણમંત્રીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, સરકારના અન્ય કર્મચારીઓ 8 કલાક જ કામ કરે છે. તે જ રીતે શિક્ષકો પણ સરકારનો જ એક ભાગ છે. સરકારનો ભાગ હોવાના કારણે શિક્ષકોએ પણ 8 કલાકની ફરજ બજાવવી પડશે.
હકીકતમાં રાઈટ ટૂ એજ્યુકેશનના નિયમ અનુસાર, પ્રાથમિક શાળાના શિક્ષકોએ દિવસના 8 કલાક અને અઠવાડિયાના 45 કલાક હાજરી ફરજિયાત આપવાની રહે છે. આ માટે રાજ્યના અનેક જિલ્લા શિક્ષણ અધિકારીઓએ સરકારી પ્રાથમિક સ્કૂલોને આદેશ આપી દીધો છે. જણાવી દઈએ કે, અત્યાર સુધી પ્રાથમિક શિક્ષકો સવારે 11 થી 5 એટલે કે સ્કૂલ છૂટે ત્યાં સુધી 6 કલાક જ હાજરી આપતા હતા. જેમાં હવે વધારાના બે કલાકનો ઉમેરો કરવામાં આવ્યો છે.