ઇકોનોમિક્સ ટેસ્ટમાં ગેરહાજરી મુદ્દે વિવાદ વકર્યો, શિક્ષણ વિભાગ દ્વારા તપાસના આદેશ
ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.23
મોરબીના મહેન્દ્રનગર ગામમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં ગુરુ અને શિષ્ય વચ્ચે મારામારીનો એક અજીબ બનાવ સામે આવ્યો છે. ગત તા. 17મી જુલાઈએ ધોરણ 12માં અભ્યાસ કરતો એક છાત્ર શાળાએ ગયો હતો. આ દરમિયાન, શાળાના શિક્ષક અને વાઇસ પ્રિન્સિપાલ દિનેશ ગોસાઈએ તેને બે દિવસ પહેલા યોજાયેલી ઇકોનોમિક્સ ટેસ્ટમાં ગેરહાજર રહેવા બદલ પૂછપરછ કરી હતી.
છાત્રે પોતાની તબિયત બરાબર ન હોવાનું જણાવ્યું હતું. જોકે, વાલી તરફથી કેમ જાણ કરવામાં ન આવી તે બાબતે પૂછતાં, વિદ્યાર્થીએ આપેલા જવાબથી શિક્ષક દિનેશ ગોસાઈ ઉશ્કેરાઈ ગયા હતા. તેમણે ધોરણ 12ના છાત્રને બેંચથી બહાર બોલાવીને ફડાકો ઝીંકી દીધો હતો. આ પછી છાત્રે પણ પોતાનો પિત્તો ગુમાવ્યો અને શિક્ષક સામે હાથ ઉપાડતા મામલો વધુ ગરમાયો હતો.
ચાલુ વર્ગમાં ગુરુ-શિષ્ય વચ્ચે છૂટા હાથે મારામારી થતા વર્ગમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. અન્ય છાત્રોએ વચ્ચે પડીને બંનેને છોડાવ્યા હતા. ઘટના બાદ બાળકના વાલીને બોલાવીને માફી મંગાવ્યા બાદ શાળા દ્વારા વિદ્યાર્થીને એલ.સી. (લિવીંગ સર્ટિફિકેટ) પકડાવી દેવામાં આવ્યું હતું.
- Advertisement -
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા, મોરબી જિલ્લા શિક્ષણ વિભાગના ઇન્ચાર્જ ડીઈઓ પ્રવીણ અંબારિયાના ધ્યાને આવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, “વીડિયો સોશિયલ મીડિયા થકી અમારા ધ્યાને આવ્યો છે અને વીડિયોની હકીકત જાણવા અમારા બીટ નિરીક્ષકને તપાસ કરવા સૂચના આપી છે.” વધુમાં, તેમણે શાળાના સંચાલકોને પણ સમગ્ર ઘટના અંગે હકીકતલક્ષી લેખિત અહેવાલ શિક્ષણ વિભાગ કચેરીમાં જમા કરાવવા સૂચના આપી છે.
શિક્ષક દિનેશ ગોસાઈની સ્પષ્ટતા
આ અંગે અર્થશાસ્ત્ર વિષયના શિક્ષક દિનેશભાઈ ગોસાઈએ જણાવ્યું હતું કે, “હું ધોરણ 12માં અર્થશાસ્ત્રનો ક્લાસ લઈ રહ્યો હતો. ત્યારે આ વિષયના ક્લાસની ટેસ્ટ દરમિયાન આ વિદ્યાર્થી ગેરહાજર હતો. જે બાબતે તેની સાથે વાત કરતા હતા તે દરમિયાન તે ઉશ્કેરાયો હતો અને એક થપ્પડ મારી હતી, જે બાદ તેણે મારા પર હુમલો કર્યો હતો. અન્ય વિદ્યાર્થીઓએ વચ્ચે પડીને મને બચાવ્યો હતો.” દિનેશ ગોસાઈએ વધુમાં જણાવ્યું હતું કે, “જ્યારે કોઈ છાત્ર ગેરહાજર હોય ત્યારે વાલીની રજાચિઠ્ઠી અથવા ટેલિફોનિક જાણ કરવાની રહે છે, પરંતુ આ છાત્રે આવી કોઈ માહિતી અમારા સુધી પહોંચાડી ન હતી અને તે બાબતે પૂછતાં તે ઉશ્કેરાઈ ગયો હતો.”