અટલ સરોવર શરૂ થાય તે પહેલાં માર્ગ પર ચાની કેબિન, પાનના ગલ્લા અને કીટલીઓ ખડકાઈ !
ખાસ-ખબર ન્યૂઝરાજકોટ, તા.01
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાએ રૈયા સ્માર્ટ સિટી વિસ્તારમાં બનાવાયેલા અટલ સરોવરનું 1 મેએ લોકાર્પણ છે. હજુ લોકો ત્યાં જવા માટે તત્પર છે તેવામાં તે વિસ્તારમાં દબાણ ખડકી નાખવા માટે છેલ્લા 15 દિવસથી અસામાજિક તત્ત્વોએ પ્રયત્ન શરૂ કરી દીધા છે.સ્માર્ટ સિટી વિસ્તારના માર્ગો હાલ સૂમસામ છે કારણ કે, ત્યાં હજુ એકપણ આકર્ષણ શરૂ થયું નથી. આ ઉપરાંત ત્યાં હજુ ખુલ્લા પ્લોટ અને ખેતર છે. આમ છતાં છેલ્લા 15 દિવસથી સૂમસામ માર્ગો પર ચાની કેબિન, પાનના ગલ્લા, થડા અને કીટલીઓ ખડકાઈ રહી છે.
અટલ સરોવરમાં ફૂડ ઝોનમાં ભાડા ભરવા તેમજ આસપાસના વિસ્તારોમાં મોંઘા ભાવની જમીન અને દુકાનો લેવી તેના કરતા રોડના કાંઠે અત્યારથી જ દબાણ ખડકી દેવાય તો ત્યારે ધંધો સારો વિકસી શકે અને તે દબાણની પાછળ કોઈની ખાનગી માલિકીની જગ્યા હોય તો તેને પણ રાજકોટમાં દબાણની જૂની સ્ટાઈલ મુજબ દબાવીને રોકડી કરી શકાય.આ વાત મળતાં જ હાલ મનપાની ટીમો ત્યાં દોડતી થઈ છે. મનપાની દબાણ હટાવ શાખાના અધિકારી કેપ્ટન પી. જે. બારૈયાના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક સમયથી તે વિસ્તારોમાં દબાણ કરવાની વૃત્તિ વધી છે એટલે ટીમ સતત દોડી રહી છે અને જ્યાં પણ દબાણ ઊભું થાય કે તરત જ હટાવી લેવામાં આવે છે.