દેશમાં છઠ્ઠા સ્થાને ગુજરાત, અમદાવાદમાં સૌથી વધુ 12,827 દર્દી નોંધાયા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
ભારત સરકારના દાવા છતાં ટીબી (ટ્યુબરક્યુલોસિસ) સામેની લડતમાં ગુજરાતની સ્થિતિ ચિંતાજનક દેખાઈ રહી છે. આ વર્ષે રાજ્યમાં અત્યાર સુધી 87,397 કેસ નોંધાયા છે, એટલે કે દરરોજ સરેરાશ 358 નવા કેસ સામે આવી રહ્યા છે. દેશભરમાં સૌથી વધુ કેસ નોંધાવનારા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા સ્થાને છે.
દેશવ્યાપી આંકડા મુજબ ઉત્તરપ્રદેશ 4.76 લાખ કેસ સાથે મોખરે છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (1.43 લાખ), બિહાર (1.38 લાખ), રાજસ્થાન (1.18 લાખ) અને મધ્યપ્રદેશ (1.11 લાખ)નો નંબર આવે છે. ગુજરાત 87,397 કેસ સાથે છઠ્ઠા ક્રમે છે.
વર્ષ 2024માં રાજ્યમાં 1.37 લાખ કેસ નોંધાયા હતા, આમ છેલ્લા બે વર્ષમાં 2 લાખથી વધુ લોકો ટીબીની ઝપેટમાં આવ્યા છે. અમદાવાદ જિલ્લામાં 12,827 કેસ સાથે સૌથી વધુ દર્દીઓ નોંધાયા છે. જેમાં અમદાવાદ શહેરમાં 10,361 અને ગ્રામ્યમાં 2,466 કેસ સામેલ છે.
રાજ્ય સરકારના દાવા પ્રમાણે ટીબી નોંધણી અને સારવારમાં ગુજરાતે નીતિ આયોગના 95% લક્ષ્યાંક હાંસલ કર્યા છે. સારવાર પૂર્ણ થવાનો દર 91% નોંધાયો છે. ગયા વર્ષે રાજ્યને 1.45 લાખ દર્દીઓની ઓળખનો લક્ષ્યાંક હતો, જેમાંથી 1.37 લાખની સફળ નોંધણી થઈ હતી અને 1.24 લાખ દર્દીઓની સારવાર પૂર્ણ થઈ હતી.
ટીબીનો ચેપ મુખ્યત્વે ફેફસાંને અસર કરે છે, પરંતુ તે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે જેને એક્સટ્રાપલ્મોનરી ટીબી કહેવામાં આવે છે.
- Advertisement -
ગુજરાતના જિલ્લામાં સૌથી વધુ કેસ
અમદાવાદ 12,827
સુરત 9,296
દાહોદ 5,984
વડોદરા 5,576
પંચમહાલ 3,804
રાજકોટ 3,223