આજથી અઢી દાયકા પૂર્વે જે નળ કનેકશન રદ થયું હતું તે 2022માં છખઈના ચોપડે બોલ્યું?
રૂા. 66 હજારના વોટર ચાર્જ સામે અધધધ… રૂા. 1.13 લાખ પઠાણી વ્યાજ
1995થી મિલકતવેરામાં વોટર ચાર્જ ન હતો, જે 2022માં 1.80 લાખ ઝીંકી દેવાયો
ખાસ-ખબર સંવાદદાતા
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકાની ખાલી તિજોરી ભરવા માટે વેરા વસુલાત શાખા છેલ્લાં કેટલાક દિવસોથી વેરો વસુલવાની ડ્રાઈવ ચલાવી રહી છે. આ ડ્રાઈવમાં વેરા વસુલાત શાખાએ અનેક વખત છબરડા કરી નિર્દોષ નાગરિકોને ખોટા વેરા ફટકાર્યા છે તેવો વધુ એક છબરડો બહાર આવ્યો છે. આજથી અઢી દાયકા પૂર્વે જે નળ કનેકશન રદ થયું હતું તેનો વેરો 2022માં મનપાના ચોપડે બોલ્યો અને તે આસામીને રૂા. 66 હજાર વોટર ચાર્જ ફટકારી તેની સામે અધધધ 1.13 લાખ રૂપિયા પઠાણી વ્યાજ લગાવતા ખળભળાટ મચી ગયો છે.
શહેરના વોર્ડ નં. 14ના ભક્તિનગર સોસાયટીમાં શેરી નં. 1માં ‘વસંત’ નામનું મકાન આવેલું છે. તેમાં રહેતાં હસમુખબેન બાબુરાય રાવલ નામના વૃદ્ધાએ 1993ની આસપાસ નળ કનેકશન રદ કરાવ્યું હતું. બાદમાં 1994થી માંડી 2021 સુધીમાં તેમને એક પણ વખત વોટર ચાર્જ પેટે વેરો ફટકારવામાં આવ્યો નથી અને આરએમસીની વેબસાઈટ પર પણ આ વૃદ્ધાના નામની નળ કનેકશનની વિગત નથી ત્યારે એકાએક 2022માં મનપાના ચોપડે આ વૃદ્ધાના નામે નળ કનેકશન બોલ્યું અને તેમને વર્ષ 2022માં વોટર ચાર્જ પેટે 66,628 અને વોટર ચાર્જના વ્યાજ પેટે 1,13,260 મળી કુલ 1.80 લાખ રૂપિયાનું વેરા બિલ ફટકારી દીધું હતું. આવા તો અનેક છબરડા વેરા વસુલાત શાખાએ કર્યા છે છતાં પણ ઉપરી અધિકારી દ્વારા છબરડા કરનાર કર્મચારી વિરૂદ્ધ કોઈ પગલાં લેવાયા નથી. તેથી આ બેફામ બનેલા કર્મચારી અનેક છબરડા કરી લોકોને મુશ્કેલીમાં મૂકી રહ્યા છે.
ચાલુ વર્ષે નળ કનેકશન ચાર્જ વેરા બિલમાં ઉમેરાયો
- Advertisement -
ભક્તિનગર સોસાયટીમાં રહેતા વૃદ્ધાને વેરા વસુલાત શાખાએ ખોટી રીતે રદ કરાયેલા નળ કનેકશનનો વેરો 2022માં ઉમેરો થયો હોવાના પુરાવા સાથે ‘ખાસ-ખબર’ની ટીમે આસિસ્ટન્ટ કમિશનર એચ. કે. કગથરાને જાણ કરતાં તેમણે જણાવ્યું હતું કે વેરા વસુલાત શાખા અત્યાર સુધી મિલકત ટેક્સ જ લોકોને ફટકારતી હતી. પરંતુ ચાલુ વર્ષથી નળ કનેકશન ચાર્જ પણ મિલકત વેરાના બિલમાં ઉમેરો કરવામાં આવ્યો છે અને કઈ વ્યક્તિનું કેટલું વોટર ચાર્જ પેટે બાકી લેણું છે તે માહિતી વોટર વર્કસ ડિપાર્ટમેન્ટ અમને આપે છે તે મુજબ અમે વેરો બનાવીએ છીએ. આ બનાવમાં રદ કરાયેલા નળ કનેકશન પેટે ખોટી રીતે વોટર ચાર્જ વેરો ફટકારવામાં આવ્યો હશે તો તેને રદ કરવામાં આવશે.


