આ વર્ષે કેસર કેરી મોંઘી બનશે
તાઉ’તે વાવાઝોડાએ 70% આંબાને જમીનદોસ્ત કર્યા, 20% ઉત્પાદનનો અંદાજ
ખાસ-ખબર સંવાદદાતા
ફળોની રાણી કેસર કેરી આ વર્ષે મોંઘી બનવાની શક્યતા સેવાઈ રહી છે. ગત વર્ષે તાઉતે વાવાઝોડાએ કેરીના પાકમાં વિનાશ વેર્યો હતો, જેમાં 70 ટકા આંબા જમીનદોસ્ત થયા હતા, આથી આ વર્ષે 20 ટકા ઉત્પાદનનો અંદાજ છે તેમજ એક મહિનો કેરી મોડી આવશે. આ વર્ષે 10 કિલોના એક બોક્સનો ભાવ 700થી 1500 સુધી રહેશે. આ શબ્દો તાલાલા કિસાન સંઘના પ્રમુખ પ્રવીણભાઈના છે. કેરીરસિયાઓ માટે આ વર્ષે રસ મોંઘો અને ફિક્કો પડી શકે છે, કારણ કે ગત વર્ષે તાઉતે વાવાઝોડાને કારણે આંબાઓનો સોથ વળી ગયો હતો, જેની સીધી અસર આ વર્ષે જોવા મળશે.
ખેડૂત હિત રક્ષક સમિતિ જૂનાગઢના સંયોજક અતુલ શેખડાએ જણાવ્યું હતું કે આ વર્ષે કેરીના પાકની વાત કરીએ તો શરૂઆતમાં મોર ફૂટવાની પ્રક્રિયા ખૂબ સારી હતી, પરંતુ વાતાવરણમાં ફેરફાર અને તાપમાનમાં વધઘટને કારણે કેરી બંધાવાની પ્રક્રિયા છે એમાં નુકસાની થઈ રહી છે. આ બધી વસ્તુ ગ્લોબિંગ વોર્મિંગને કારણે થઈ રહી છે. કેરીનો પાક સામાન્ય રીતે મે મહિનાની શરૂઆતમાં આવી જતો હોય છે, પરંતુ આ વર્ષે સારી કેરી મે મહિનાના અંતમાં આવશે, જૂન મહિનામાં વરસાદ શરૂ થઈ જતો હોવાથી સારી કેરીનો પિરિયડ ઓછો રહેશે. વિવિધ ફેક્ટરો જોતાં 10 કિલો બોક્સના ભાવ 700થી 1500 રહે એવી શક્યતા છે. આમ છતાં પણ કુદરતી વાતાવરણ પર આધાર રહેતો હોય છે, આથી સમય આવ્યે ખબર પડે કે કેરીનો પાક કેટલો સારો રહે છે.
- Advertisement -
33 જિલ્લામાં કેરીનું વાવેતર
ગુજરાતના 33 જિલ્લામાં કેરીનું વાવેતર કરવામાં આવે છે, પરંતુ સૌથી વધુ વાવેતર સૌરાષ્ટ્ર-કચ્છમાં થાય છે. દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતની સરખામણીએ બમણું વાવતેર સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓમાં થાય છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ ઓછું વાવેતર અને ઓછું ઉત્પાદન થવાથી કેરી મોંઘી અને મોડી આવશે. ગત વર્ષે વાવાઝોડાને લીધે અનેક આંબાઓનો સોથ બોલી ગયો હતો. સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, સોમનાથ અને દ્વારકા જિલ્લાની કેરી પ્રખ્યાત છે.
સરકારે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવા માગ ઊઠી
પ્રવીણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે તાઉતે વાવાઝોડાને કારણે કેરીના બગીચાઓમાં ખૂબ મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આશરે 60થી 70 ટકા જેટલા આંબા નષ્ટ થયા હતા. હાલ મોર ફૂટવાનું પ્રમાણ ખૂબ ઓછું હોવાથી કેરીનો પાક 70 ટકા ફેલ થવાનો અંદાજ છે. ગત વર્ષે પણ ખેડૂતો પોતાની કેરીની સીઝન પૂરી રીતે લઇ શક્યા નહોતા. આ વર્ષે પણ રોગનું પ્રમાણ ખૂબ જ વધારે છે. મધ્ય નામનો રોગ કેરીના પાકને નુકસાન પહોંચાડી રહ્યો છે. ખેડૂતો અત્યારસુધીમાં દવાના 10થી 12 ડોઝ મારી ચૂક્યા છે છતાં પણ આ રોગ કંટ્રોલમાં આવતો નથી.
આ અંગે સરકારે યોગ્ય સર્વે કરાવી ખેડૂતોને વળતર આપવું જોઇએ. આ વર્ષે ખેડૂતોને 20 ટકા પણ ઉત્પાદન શક્ય નથી. આ વર્ષે એક મહિનો કેરીનો પાક મોડો આવશે. 10 કિલો કેરીના એક બોક્સનો ભાવ 700થી 1500 સુધી રહે એવો અમારો અંદાજ છે.
- Advertisement -
આ પણ વાંચો – IPOના નામે ‘લૂંટ’ રોકશે SEBI
https://khaskhabarrajkot.com/2022/03/21/sebi-will-stop-robbery-in-the-name-of-ipo/
https://khaskhabarrajkot.com/2022/03/21/sebi-will-stop-robbery-in-the-name-of-ipo/