સૌરાષ્ટ્રનાં અનેક ભાગોમાં તારાજી સર્જનારા તાઉતે વાવાઝોડાની વિદાય બાદ હવે જાનખુવારીની વિગતો બહાર આવવા લાગી છે જે અંતર્ગત વાવાઝોડાએ ગુજરાતમાં 45 લોકોનો ભોગ લીધો હોવાનું બહાર આવ્યું છે.તાઉતે વાવાઝોડાને અત્યંત ગંભીરની શ્રેણીમાં મુકવામાં આવેલ હતું. એટલે તેનો સામનો કરવા માટે રાજય સરકારે જોરદાર પૂર્વ તૈયારી કરી હતી. બે લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાવાયું હતું. વ્યાપક તારાજી થવા છતા જાન ખુવારીને નિયંત્રીત કરી શકાયાના પ્રાથમીક રીપોર્ટનાં આધારે રાજયમાં 113 લોકોના મોત નીપજયા હોવાનું મુખ્યમંત્રીએ જાહેર કર્યુ હતું. પરંતુ હવે તારાજી તથા જાનહાનીની વધુ વિગતો પ્રકાશમાં આવવા લાગી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર તાઉતે વાવાઝોડાથી રાજયમાં 45 લોકોના મોત થયા છે. તેમાં સૌથી વધુ 15 લોકોના મોત અમરેલી જીલ્લામાં નોંધાયા છે. આ સિવાય ભાવનગર તથા ગીર સોમનાથમાં 8-8 લોકોનો ભોગ લેવાયો હતો.વાવાઝોડાની સૌથી વધુ ગંભીર અસર આ ત્રણ જીલ્લામાં જ થઈ હતી અને તેનો કુલ મૃત્યુ આંક 31 થવા જાય છે.
આ સિવાય અમદાવાદમાં 5, ખેડામાં બે, આણંદ, વડોદરા, નવસારી, પંચમહાલ, સુરત, વલસાડ, તથા રાજકોટ જીલ્લામાં એકએક વ્યકિતનું મોત નીપજયુ હતું.રાજયના અનેક ભાગોમાં વાવાઝોડાએ વિનાશ વેર્યો જ હતો.સૌરાષ્ટ્રનાં સાગરકાંઠેથી એન્ટ્રી લીધા બાદ જમીન માર્ગે રાજયના વિવિધ ભાગોમાંથી આગળ ધપીને ગઈરાત્રે રાજસ્થાનમાં સરકયુ હતું. વાવાઝોડાના ટ્રેક પરનાં ભાગોમાં માલ મિલકતને ઘણુ નુકશાન થયુ હતું તે અત્રે ઉલ્લેખનીય છે.