ખાસ-ખબર સંવાદદાતા
ટાટા કેમિકલ્સ સોસાયટી ફોર રૂરલ ડેવલપમેન્ટ દ્વારા તાજેતરમાં 64 શાળાઓના 6000થી વધારે વિદ્યાર્થીઓ માટે ઓખામંડળની ભૂકંપીય સંવેદનશીલતાના સંદર્ભે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. કંપની તરફથી સામુદાયિક સલામતી માટેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે વિદ્યાર્થીઓ તથા સમગ્ર સમાજને ભૂકંપના સંભવિત જોખમો સામે તૈયાર કરવાનો હેતુ રખાયો હતો. ટાટા કેમિકલ્સ દ્વારા આ કાર્યક્રમમાં ખંભાળિયામાં જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન એજન્સી સાથે સહયોગ સાધવામાં આવ્યો હતો.
દેવભૂમિ દ્વારકામાં જિલ્લા કલેકટર દ્વારા અધિકૃત રીતે મંજૂર કરાયેલી આ ઘટનાથી ટાટા કેમિકલ્સ આ વિસ્તારમાં આપત્તિની સ્થિતિ સ્થાપકતામાં સુધારો કરવામાં આગેવાની લઈ રહ્યું છે. ગુજરાત સરકાર, કોસ્ટલ સેલિનિટી પ્રિવેન્શન સેલ તથા શિક્ષણ વિભાગે આ સહયોગી પહેલ દરમિયાન સહયોગ આપ્યો હતો. ચીફ મેન્યુફેકચરિંગ ઓફિસર તથા પ્લાન્ટ હેડ (મીઠાપુર) એન. કામથે જણાવ્યું હતું કે મોકડ્રીલનો આશય વિદ્યાર્થીઓ તથા સમુદાયોની ભૂકંપના સંભવિત જોખમો સામે લડવાની ક્ષમતા વધારવાનો હતો જેથી ઈજા અને જાનહાનિને ઘટાડી શકાય.
ભૂકંપ સજ્જતાના આ મોકડ્રીલ કાર્યક્રમમાં 64 શાળાઓના 100થી વધુ વિદ્યાર્થીઓ, 100થી વધુ સ્વયંસેવકો, 180થી વધુ શિક્ષકો, ફાયર વિભાગ, આરટીઓ, ગુજરાત પોલીસ, આરોગ્ય વિભાગ તથા 108 સર્વિસ સહિત વિવિધ સરકારી એજન્સીઓના પ્રતિનિધિઓએ ભાગ લઈને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ટાટા કેમિકલ્સના ફાયર એન્ડ સેફ્ટી વિભાગે જિલ્લા વહીવટી તંત્ર તેમજ શિક્ષણ વિભાગના અધિકારીઓ સાથે સંકલન સાધીને આ કાર્યક્રમના એકીકૃત અમલને સુનિશ્ર્ચિત કરવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી હતી.
ઓખામંડળની 64 શાળાઓના 6000 વિદ્યાર્થીઓ માટે ટાટા કેમિકલ્સ દ્વારા મોકડ્રીલનો કાર્યક્રમ યોજાયો
