ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા.29
સૌરાષ્ટ્રના લોકમેળા ગુજરાતભરમાં જાણીતા છે તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાના તરણેતર મેળાની તો પ્રસિધ્ધિ દેશ ભરમાં જાણીતી ગણવામાં આવે છે ત્યારે દર ભાદરવા સુદ ત્રીજથી શરૂ થયા ત્રણ દિવસના મેળો દિવસ રાત ચાલતો એક માત્ર મેળો છે જેમાં લોકમેળાની સાથે રમત ગમત સ્પર્ધા, પશુ પ્રદર્શન, લડવા ખાવાની સ્પર્ધા, વાજીન્દ્રો વગાડવા માટેની હરીફાઈઓ યોજાય છે. દર વર્ષની માફક આ વર્ષે પણ તરણેતર લોકમેળાનું આયોજન થયું હતું જેમાં ત્રણ દિવસ સુધી યોજાયેલ મેળાનું ગઈ કાલે સમાપન થયું છે. મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરણેતર લોકમેળાની મુલાકાત લેવાની શક્યતાઓ હતી પરંતુ અંત ઘડીએ મુખ્યમંત્રીનો લોકમેળાની મુલાકાત અંબેના કાર્યક્રમ રદ થયો હતો. આ તરફ ત્રણ દિવસીય લોકમેળામાં શાંતિ પૂર્ણ રીતે સંપન્ન કરવા પાછળ પ્રશાસનની ખુબ જ મહત્વની ભૂમિકા માનવામાં આવે છે. જેમાં પોલીસ વિભાગના આશરે 2500 જેટલા કર્મચારીઓ સતત ખડેપગે રહી બંદોબસ્ત નિભાવ્યો હતો. જ્યારે રમત ગમત સહિતની દરેક સ્પર્ધામાં ભાગ લેનારા સ્પર્ધકોને પ્રશાસન તરફથી ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્રણ દિવસીય આ લોકમેળામાં માત્ર ગુજરાત રાજ્ય નહીં પરંતુ રાજ્ય બહારથી પણ અનેક લોકોએ લોકમેળાનો આનંદ માણી ત્રિનેત્રેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
મેળામાં વિખૂટા પડેલા બાળકોને પોલીસે પરિવાર સાથે મિલન કરાવ્યું
- Advertisement -
તરણેતર મેળામાં ભારે જનમેદની વચ્ચે બાળકો પોતાના માતા પિતા પાસેથી વિખૂટા પડી ગયા હતા જે અંગેની જાણ પોલીસ પ્રશાસનને થતા જ બાળકોને પિતાના કબજામાં રાખી તેઓના પરિવારને મેળામાંથી શોધી લઈ બાળકોનું પરિવાર સાથે પુન: મિલન કરાવ્યું હતું.
લાડવા ખાવાની પણ સ્પર્ધા યોજાઈ
તરણેતર લોકમેળામાં ચકડોળ ચકરડી સાથે અનેક પ્રકારની સ્પર્ધા યોજવામાં આવે છે જેમાં વર્ષોથી અહીં લડવા ખાવાની સ્પર્ધા યોજાય છે. જે સ્પર્ધક સૌથી વધુ લડવા ખાય છે તેને પ્રશાસન દ્વારા પ્રોત્સાહિત ઇનામ આપવામાં આવે છે આ વર્ષે 30 મિનિટમાં 30 લડવા આરોગી વિંછીયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણી સ્પર્ધક લાડવા સ્પર્ધામાં વિજય થયા હતા.
- Advertisement -
પશુ પ્રદર્શન સ્પર્ધામાં 200થી વધુ પશુઓએ ભાગ લીધો
તરણેતર મેળામાં પશુ પ્રદર્શન અંગે પણ હરિફાઈ યોજાય છે જેમાં રાજ્યના અનેક શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાંથી પશુ પાલકો પોતાના ઉચ્ચ જાતિના પાલતુ પશુને પ્રદર્શન માટે મેળામાં લઈ આવે છે આ પશુઓમાં સારી જાતિના અને ઉચ્ચ ગુણવંતવાન પશુના માલિકને પ્રશાસન તરફથી ઇનામ અને સન્માનિત કરાય છે.



