સવાલોનાં સવા કરોડ ગેમ શોનાં સ્પર્ધકોએ ફટકારેલી નોટિસનો સમયગાળો પૂર્ણ
સવાલોનાં સવા કરોડ ગેમ શૉનાં આયોજકો સહિત હોસ્ટની ભૂમિકા પર સવાલો ઉઠાવી રહ્યા છે સ્પર્ધકો
- Advertisement -
સ્પર્ધકો પોતપોતાના નજીકનાં પોલીસ સ્ટેશનમાં ઈંઙઈની કલમ 406, 420 અને 114 હેઠળ ફરિયાદ નોંધાવશે?
ખાસ-ખબર સંવાદદાતા
ખાસ-ખબરમાં પ્રસિદ્ધ થયેલી ગુજરાતનાં સૌથી મોટા રિયાલિટી શોની સૌથી મોટી રિયાલિટી બાદ સવાલોના સવા કરોડ ગેમ શોમાં રજીસ્ટ્રેશન ફી ભરી છેતરપીંડીનો ભોગ બનેલા સૌ સ્પર્ધકો જાગૃત થયા છે અને આ ગેમ શોના આયોજકો તન્વી પ્રોડક્શનના વિમલ પટેલ, સોમા પટેલ, ગગજી સુતરીયા, દિનેશ નવાડીયા, વિમલ મુંગરા, શાંતિ પટેલ અને રવિ ભાલાળા વિરુદ્ધ પોતપોતાના નજીકના પોલીસસ્ટેશનમાં આઈપીસીની કલમ 406, 420 અને 114 હેઠળ છેતરપીંડી, વિશ્વાસઘાત સહિત તેમની સાથે સંકળાયેલા પર સહઆરોપીની ફરિયાદ નોંધવવા તજવીજ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આજથી સવા વર્ષ અગાઉ તન્વી પ્રોડક્શન વિમલ પટેલ દ્વારા દ્વારા સવાલોના સવા કરોડ ગેમ શોના માધ્યમથી 11111થી લઈ 1.25 કરોડ રૂપિયા સુધી જીતવાની લાલચ આપી, આ ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકદીઠ 1200-1200 રૂપિયા ઉઘરાવાયા હતા. સવા વર્ષ બાદ પણ આ ગેમ શો શરૂ થઈ ન શકતા, આયોજકો અને સ્પર્ધકો વચ્ચે થયેલા ગર્ભિત કરારનો ભંગ થતા સ્પર્ધકો દ્વારા તન્વી પ્રોડક્શનને નોટિસ ફટકારવામાં આવી હતી જે નોટિસનો સમયગાળો પૂર્ણ થતા હવે તન્વી પ્રોડક્શન વિમલ પટેલ સામે કાનૂની કાર્યવાહીનો સંકજો કસાયો છે.
આયોજકો હોસ્ટને અને હોસ્ટ આયોજકોને જવાબદાર ઠેરવે છે!
આજથી સવા વર્ષ અગાઉ આવેલો તન્વી પ્રોડક્શન પ્રોડ્યુસ સવાલોના સવા કરોડ ગેમ શો આજ સુધી શરૂ ન થઈ શકતા કે પછી ભવિષ્યમાં શરૂ થશે કે કેમ? જો થશે તો ક્યારે અને ક્યાં? વગેરે કોઈ જ ચોક્કસ માહિતી આયોજકો કે હોસ્ટ આપી શકતા નથી. ગેમ શોના આયોજકો વારંવાર એવું જણાવી રહ્યા છે કે, હોસ્ટ વિદેશ હોવાથી ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. હોસ્ટના બિઝનેસ મેનેજર એવું જણાવી રહ્યા છે કે, આયોજકોને સ્પોન્સર્સ ન મળવાના કારણે ગેમ શો શરૂ થઈ રહ્યો નથી. સવાલોના સવા કરોડ ગેમ શો સવા વર્ષ બાદ પણ શરૂ ન થઈ શકવા બદલ આયોજકો હોસ્ટને અને હોસ્ટ આયોજકોને જવાબદાર ઠેરવી રહ્યા છે.
શૉનાં હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયા મીડિયા સામે આવી ખુલાસો કરે : સ્પર્ધકો
સવાલોના સવા કરોડ ગેમ શો મામલે તન્વી પ્રોડક્શન વિમલ પટેલે સ્પર્ધકો સાથે આચરેલી છેતરપીંડીમાં સિદ્ધાર્થ રાંદેરિયા ક્યાંય સામેલ નથી તેવું સિદ્ધાર્થ રાંદેરિયાના બિઝનેસ મેનેજર વિજય રાવલના જણાવ્યા બાદ સ્પર્ધકો એવી ઈચ્છા દર્શાવી રહ્યા છે કે, સિદ્ધાર્થ રાંદેરિયા જ્યાં હોય ત્યાંથી એક વીડિયો દ્વારા દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે જેથી સત્ય સામે આવી શકે. સિદ્ધાર્થ રાંદેરિયા શું એટલા મોટા કલાકાર બની ગયા છે કે તેમની પાસે બે મિનિટનો પણ સમય નથી? સ્પર્ધકોનું સ્પષ્ટ માનવું છે કે, સિદ્ધાર્થ રાંદેરિયા ભલે માત્ર શોનું સંચાલન કરવાના હતા પરંતુ તન્વી પ્રોડક્શન વિમલ પટેલે સિદ્ધાર્થ રાંદેરિયાને ગેમ શોના હોસ્ટ તરીકે દર્શાવી, ગેમ શોમાં ભાગ લેવા સ્પર્ધકો પાસેથી 1200-1200 રૂપિયા ઉઘરાવ્યા છે. હવે ગેમ શો શરૂ ન થતા જેટલી જવાબદારી આ ગેમ શોના આયોજક તન્વી પ્રોડક્શન – વિમલ પટેલની બને છે તેટલી જ જ જવાબદારી ગેમ શોના હોસ્ટ સિદ્ધાર્થ રાંદેરિયાની પણ બને છે. આ સમગ્ર મામલે સિદ્ધાર્થ રાંદેરિયા પોતાના બિઝનેસ મેનેજર વિજય રાવલને આગળ ધરવાની જગ્યાએ ખુદ મીડિયા સામે આવી ખુલાસો કરે તો સૌ સ્પર્ધકોને ખ્યાલ આવે કે, સવાલોના સવા કરોડ ગેમ શોના નામે હજારો લોકો સાથે થયેલી છેતરપીંડીમાં તન્વી પ્રોડક્શન વિમલ પટેલ સાથે સિદ્ધાર્થ રાંદેરિયાની શું ભૂમિકા છે.
- Advertisement -