ખાસ-ખબર સંવાદદાતા
ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકાની મોરબી જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થતા તલગાજરડા મુકામે મોરારીબાપુના હસ્તે ચિત્રકૂટ એવોર્ડથી શિક્ષિકાનું સન્માન કરવામાં આવ્યું હતું. દર વર્ષે મોરારીબાપુ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ પ્રાથમિક શિક્ષકોને ચિત્રકૂટ એવોર્ડથી સન્માનવામાં આવે છે જેમાં વર્ષ 2022 માટે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક જિલ્લામાંથી એક એક શ્રેષ્ઠ શિક્ષકને ચિત્રકૂટ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવ્યા છે જે પૈકી મોરબી જિલ્લામાંથી ટંકારા તાલુકાની હરબટીયાળી પ્રાથમિક શાળાના શિક્ષિકા તરીકે ફરજ બજાવતા ગીતાબેન મનસુખલાલ સાંચલાની પસંદગી કરવામાં આવી હતી. મહત્વનું છે કે, મોરબી જિલ્લામાં પ્રથમ વખત મહિલા શિક્ષકની આ એવોર્ડ માટે પસંદગી કરવામાં આવી હતી અને તારીખ 18 જાન્યુઆરીના રોજ તલગાજરડા મુકામે મોરારીબાપુના હસ્તે ગીતાબેન મનસુખલાલ સાંચલાને ચિત્રકૂટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. આ એવોર્ડ મેળવી ગીતાબેન સાંચલાએ સમગ્ર ટંકારા તાલુકા સાથે હરબટીયાળી ગામ તેમજ દરજી સમાજનું નામ રોશન કર્યું છે.