ખાસ-ખબર ન્યૂઝ મોરબી, તા.3
ટંકારા તાલુકાના ખીજડીયા ગામથી ઘુનડા ગામ જવાના રસ્તે આવેલ ખેતરમાં ટંકારા પોલીસે બાતમીને આધારે રેઇડ કરી તીનપત્તિનો જુગાર રમતા 3 પકડાયા હતા, જ્યારે ખીજડીયા ગામના સરપંચ સહિત બે જુગારી પોલીસને જોઈને નાસી ગયા હતા. આ સાથે પોલીસે રોકડા રૂ.68,700 તથા 5 નંગ મોબાઇલ સહિત રૂ.90,700/- ના મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો છે, રેઇડ દરમિયાન નાસી ગયેલ સરપંચ સહિત પાંચેય આરોપીઓ વિરુદ્ધ ટંકારા પોલીસે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
ટંકારા પોલીસ ટીમ દ્વારા ખીજડીયા ગામથી ઘુનડા જવાના રસ્તે આવેલ ખેતરમાં જુગાર અંગે રેઇડ કરી હતી, રેઇડ દરમિયાન જુગારીઓમાં નાસભાગ થતા ખીજડીયા ગામના સરપંચ બીપીનભાઈ ઠાકરશીભાઈ પટેલ સહિત બે ઈસમો ભાગી છૂટ્યા હતા. જ્યારે ત્રણ ઈસમો પકડાઈ ગયા હતા, જેમાં નરેશભાઈ મોહનભાઈ માણસુરીયા ઉવ.57 રહે. રવાપર ગામ શિવાલીક હાઈટસ મોરબી, મહાદેવભાઈ કાનજીભાઈ મગુનીયા ઉવ.54 રહે. રામેશ્વરનગર ગામ ચાંચાપર તા. મોરબી તથા નીતીનકુમાર મનુભાઈ પનારા ઉવ.39 રહે. સરખેજ ઉજાલા ચોકડી માવજીપુરા સોસાયટી તેળવાડી તા.અમદાવાદ વાળાને ઝડપી લેવામાં આવ્યા હતા, જ્યારે બે આરોપી બીપીનભાઇ ઠાકરશીભાઈ પટેલ રહે.નાના ખીજડીયા તા.ટંકારા તેમજ જયેશભાઇ મનસુખભાઇ પ્રજાપતિ રહે.કામરેજ સુરત શહેર વાળા બંને ઈસમો પોલીસને દૂરથી આવતા જોઈ નાસી ભાગી ગયા હતા. બીજીબાજુ ટંકારા પોલીસે દરોડા દરમિયાન જુગારના પટ્ટમાંથી રોકડા રૂ.68,700/- તથા 5 નંગ મોબાઇલ કિ.રૂ. 22,000/- સહિત રૂ.90,700/-નો મુદ્દામાલ કબ્જે લઈ પાંચેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી ફરાર ખીજડીયા ગામના સરપંચ સહિતના આરોપીઓને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે.