આ અગાઉ પણ ટેક્નિકલ ખામીના કારણે અનેક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે
ખાસ-ખબર સંવાદદાતા
તાલિબાન શાસિત અફઘાનિસ્તાન એરફોર્સનું એક હેલિકોપ્ટર પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. આ અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. અફઘાનિસ્તાનના સંરક્ષણ વિભાગના જણાવ્યા પ્રમાણે હેલિકોપ્ટર ઉત્તરીય સમંગાન પ્રાંત નજીક પેટ્રોલિંગ દરમિયાન ક્રેશ થયું હતું. જેમાં હેલિકોપ્ટરમાં સવાર બે પાયલોટના મોત થયા હતા. ઘટનાની પુષ્ટિ કરતા તાલિબાનના સંરક્ષણ વિભાગે જણાવ્યું કે, વાયુસેનાનું ખઉ-530 હેલિકોપ્ટર હાઈ-વોલ્ટેજ ઈલેક્ટ્રિક પોલ સાથે અથડાયું હતું. જેના કારણે હેલિકોપ્ટરમાં કોઈ ટેકનિકલ ખામી સર્જાઈ હતી અને તે ક્રેશ થઈને તૂટી પડ્યું હતું. આ અકસ્માતમાં બંને પાયલોટના મોત થઈ ગયા છે.
આ દુર્ઘટના સમંગાન પ્રાંતના ખુલ્મ જિલ્લામાં બની હતી. અફઘાનિસ્તાનમાં તાલિબાનના માહિતી વિભાગના વડાએ પણ અકસ્માતની પુષ્ટિ કરી છે. સ્થાનિક મીડિયાના અહેવાલમાં કહેવામાં આવી રહ્યું છે કે, આ પ્રથમ સૈન્ય હેલિકોપ્ટર દુર્ઘટના નથી. આ પહેલા પણ ટેક્નિકલ ખામીના કારણે અનેક હેલિકોપ્ટર દુર્ઘટના સર્જાઈ છે.