ધ્રાંગધ્રાના મેથાણ સોલર પ્લાન્ટમાં લાખોનો ‘ખેલ’
સોલર પ્લાન્ટનું મોટા ભાગનું કામ પૂર્ણ થયા બાદ મંજૂરી અપાતા તલાટીની ભૂમિકા શંકાના દાયરામાં: વહીવટી ખેલની પંથકમાં ચર્ચા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ સુરેન્દ્રનગર, તા. 8
સુરેન્દ્રનગર જિલ્લામાં ઔદ્યોગિક વિકાસની સાથે સોલર પ્લાન્ટ્સમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ધ્રાંગધ્રા તાલુકાના મેથાણ ગામે હાલમાં જ નિર્માણ કરાયેલા એક સોલર પ્લાન્ટમાં બાંધકામની મંજૂરી આપવા માટે લાખ્ખો રૂપિયાનો ખેલ ખેલાયો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.
ચર્ચા મુજબ, પાટડી તાલુકાના ગ્રામ્ય વિસ્તારના એક તલાટી દ્વારા આખોય ખેલ પાડવામાં આવ્યો છે. સોલર પ્લાન્ટનું મોટા ભાગનું બાંધકામ લગભગ પૂર્ણ થઈ ગયા બાદ જ્યારે મંજૂરી માંગવામાં આવી, ત્યારે તલાટી દ્વારા ઠાગાઠૈયા કરીને મોટી રકમની માંગણી કરવામાં આવી હતી.પ્લાન્ટ નિર્માણકર્તાઓએ મોટું નુકસાન ભોગવવા કરતાં અંતે તલાટી મંત્રીની માંગણી પૂર્ણ કરી દીધી હોવાનું કહેવાય છે.
’એક હાથમાં તલાટી અને બીજા હાથમાં સરપંચના પદનો લાડવો’ રાખવામાં માહીર આ તલાટી મંત્રીએ લાખ્ખો રૂપિયાનું કામ ઉતારીને અંતે બાંધકામની મંજૂરી આપી દીધી હતી. ગ્રામ્ય વિસ્તારના આ તલાટી દ્વારા છાના ખૂણે પાડવામાં આવેલા આ વહીવટી ખેલની ચર્ચા આખાય પંથકમાં થતાં સરકારી યોજનાઓ હેઠળ ચાલતા વિકાસના કામોમાં ભ્રષ્ટાચારની શંકા ઊભી થઈ છે.



