તાલાલા પોલીસે ગુંદરણ રોડ ઉપર આવેલ વઘાસિયા હૉસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડૉ.અક્ષય હડીયલ સામે ગુનો દાખલ કરતાં શહેરમાં ભારે ચકચાર
પત્નીના મોત બાદ પતિએ આરોગ્ય વિભાગમાં ફરીયાદ કરી તપાસની માંગ કરી હતી
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ
તાલાલા તાલુકાનાં પીપળવા ગીર ગામની પરિણીતા કવિબેન જયેશભાઈ નંદાણીયા ઉ.વ.30 નું પ્રસૃતિમાં તબીબની બેદરકારીનાં કારણે મરણ થયાનું ગીર સોમનાથ જીલ્લા આરોગ્ય અધિકારીએ કરેલ તપાસમાં ફલિત થતાં તાલાલા પોલીસે શહેરમાં ગુંદરણ રોડ ઉપર આવેલ વઘાસિયા હોસ્પિટલમાં પ્રેક્ટિસ કરતા ડો.અક્ષય હડીયલ સામે ગુનો દાખલ કરતાં ભારે ચકચાર ફેલાયેલ છે.
આ બનાવની વિગત એવી છે કે ગત તા.25 મેં નાં રોજ પીપળવા ગીર ગામના કવિબેન જયેશભાઈ નંદાણીયા પ્રેગ્નેન્ટ હોય વઘાસિયા પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસણી માટે ગયેલ ત્યારે હોસ્પિટલના તબીબ ડો.અક્ષય હડીયલે કોઈ પણ જાતની સોનોગ્રાફી કર્યા વગર નોર્મલ ડિલિવરી થઈ જશે તેમ કહેતા કવિબેન હોસ્પિટલમાં દાખલ થઈ ગયેલ..સારવાર દરમ્યાન અચાનક બાળકનાં ધબકારા ઓછાં થઈ ગયેલ તેમજ મળ પી ગયેલ ની તબીબે વાત કરી કોઈ પણ તજજ્ઞ તબીબ વગર પોતાની જાતે એનેસ્થેસિયા આપી કવિબેન નું સિઝેરીયન ઓપરેશન કર્યું હતું.ઓપરેશન બાદ ગર્ભાશય નાં મુખ ના ભાગેથી વધું પડતું લોહી નીકળતું હોય તેમજ તાણ આંચકી આવતા હોવાની તબીબને વારંવાર ફરીયાદ કરતાં કોઈ પણ જાતની ગંભીરતા લીધાં વગર સગવડતા વગરની સારવાર ચાલું રાખી હતી તેમજ જરૂરી બ્લડ રીપોર્ટ કર્યા વગર બ્લડ ચડાવી લાંબી સારવાર ચાલુ રાખી હતી.પરિવારજનોએ જરૂરી સારવાર માટે રીફર કરવા કે નિષ્ણાત તબીબોને બોલાવવા કહ્યું હતું છતાં પણ લાંબો સમય રૂટીન સારવાર ચાલું રાખી હતી..છેલ્લે કવિબેન ની તબિયત ખુબ જ બગડી ત્યારે વેરાવળ રીફર કર્યા હતા.આ દરમ્યાન કવિબેન મૃત્યુ પામ્યા હતા.તબીબની બેદરકારીના કારણે કવિબેન મૃત્યુ પામ્યા હોવાનાં આક્ષેપ સાથે તાલાલા પોલીસ તથા ગીર સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગને જે તે વખતે કવિબેન નાં પતિએ ફરીયાદ કરી હતી જેના અંતર્ગત જીલ્લા મેડિકલ અધિકારીએ વેરાવળ હોસ્પિટલ નાં ત્રણ તબિબો દ્વારા પેનલ પી.એમ કરાવી વધું તપાસ શરૂ કરી હતી.તપાસ દરમ્યાન પીપળવા ગીર ગામના પરિણીતાનું તબીબ ની બેદરકારીના કારણે મરણ થયાનું ફલિત થતાં જીલ્લા આરોગ્ય અધિકારીએ પ્રાથમિક અહેવાલ તાલાલા પોલીસને આપતા તાલાલા પી.આઈ જે.એન.ગઢવી એ પરિણીતાના પતિ જયેશભાઈ રામભાઈ નંદાણીયા ને બોલાવી ફરિયાદ લઈ ડો.અક્ષય હડિયલ સામે બી.એન.એસ.એક્ટ 106(1)(બેદરકારીથી મૃત્યુ નિપજાવવા)હેઠળ ગુનો દાખલ કરી વધું તપાસ હાથ ધરી છે.આ બનાવથી તાલાલા શહેરમાં ભારે ચકચાર ફેલાયેલ છે.



