તાલાલા પંથકના પીખોર, ગુંદાળા, રાયડી, રામપરા, ગુંદરણ(પ્રેમ નગર)ની પ્રજાને પીવાનું પાણી આપવા તુરંત ટેન્કર શરૂ કરવા માંગણી
આગામી ચોમાસા દરમ્યાન પાણી ભરાવું તથા રસ્તાની સમસ્યા અંગે વિવિધ ગામોમાંથી આવેલી રજુઆતોથી સભ્યોને અવગત કર્યા
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર સોમનાથ, તા.22
તાલાલા તાલુકા પંચાયતની બજેટ બેઠક તાલુકા પંચાયત પ્રમુખ અનીલાબેન બારડ નાં અધ્યક્ષ સ્થાને તથા તાલુકા વિકાસ અધિકારી મયુરભાઈ વ્યાસ ની ઉપસ્થિતિમાં મળી હતી.આ બેઠકમાં ખુલતી સિલીક સાથે સને.2025-26 માં થનાર અંદાજીત આવક રૂ.80 લાખ 78 હજાર 297 તથા વિકાસલક્ષી વિવિધ લોક ઉપયોગી કામગીરી પાછળ થનાર રૂ.59 લાખ 85 હજાર 900 નાં ખર્ચ સાથે રૂ.20 લાખ 92 હજાર 397 ની પુરાંત વાળું વિકાસલક્ષી બજેટ રજૂ કરવામાં આવેલ જે સર્વાનુમતે મંજૂર કરવામાં આવેલ.આ ઉપરાંત આગામી વર્ષનું મનરેગા લેબર બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં આગામી વર્ષ દરમ્યાન શ્રમજીવીઓને આજીવિકા પ્રાપ્ત થાય તેવા થનાર વિવિધ ગામોમાં 401 જન સુખાકારીના કામો થશે જેમાં 950 શ્રમજીવી પરિવારોને રૂ.એક કરોડ 3 લાખ 88 હજાર ની કુલ 37118 માનવ દિન મજૂરી ખર્ચ તથા રૂ.52 લાખ 40 હજાર માલ સામાન પાછળ ખર્ચ સાથે કુલ રૂ.1 કરોડ 56 લાખ 28 હજાર નાં અંદાજીત ખર્ચ વાળું લેબર બજેટ પણ મંજૂર કરવામાં આવ્યું હતું.
તાલાલા પંથકના પીખોર, ગુંદાળા, રાયડી, રામપરા ગુંદરણ(પ્રેમનગર)છ ગામોમાં પીવાના પાણીની અછત ઊભી થઈ છે.આ ગામોમાં ઉનાળાના કપરા દિવસોમાં પ્રજા તથા ગામના કીંમતી પશુધનને સરળતાથી પીવાનું પાણી મળી રહે માટે છ ગામોમાં તુરંત પાણીના ટેન્કરો શરૂ કરવા ઠરાવ સાથે જીલ્લા પ્રસાશન સમક્ષ માંગણી કરવામાં આવી હતી.તાલાલા તાલુકા પંચાયતનું સાસણ રોડ ઉપર નવનિર્મિત બિલ્ડીંગ બનેલ છે.તેમજ જૂની તાલુકા પંચાયત કચેરીની જગ્યા ઉપર કર્મચારીના સ્ટાફ ક્વાર્ટર બનાવવામાં આવશે.આ બંને જગ્યાએ આગળ પાછળની દીવાલના ભાગે વ્યાપક પ્રમાણમાં પેશકદમી હોય તે દૂર કરી ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણ તથા નવા ક્વાર્ટર બનાવવાની જગ્યા ઉપર ફેન્સીંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.આગામી ચોમાસા દરમિયાન ચોમાસાના પાણીના ભરાવા તથા ચોમાસાના પાણીના કારણે રસ્તાની સમસ્યા અંગે વિવિધ ગામોમાંથી આવેલ રજૂઆતોથી સભ્યોને અવગત કરવામાં આવ્યા હતા.બેઠકના પ્રારંભે પદ્મશ્રી એવોર્ડ થી સન્માનિત તાલાલા પંથકનું ગૌરવ હિરબાઈબેન લોબીનું અવસાન થતાં શોક ઠરાવ પસાર કરી મૌન પાળી સ્વર્ગસ્થને ભાવભરી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.
તાલુકા પંચાયતની બજેટ બેઠક નું સંચાલન વિસ્તરણ અધિકારી ચિરાગભાઈ પુરોહિતે કર્યું હતું.આ બેઠકમાં ઉપપ્રમુખ મોતીબેન ભરડા,કારોબારી સમિતિના ચેરમેન કિશનભાઇ પાનસુરીયા,સામાજીક ન્યાય સમિતિના અધ્યક્ષ રયઝાનાબેન મોરી તથા તાલુકા પંચાયતના સભ્યોએ ભાગ લીધો હતો.