ગીર સોમનાથ જિલ્લામાં સરેરાશ 145 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો
ગીરના જંગલમાં મૂશળધાર અઢી ઇંચ વરસાદ: કમલેશ્ર્વર ડેમમાં અડધો ફુટ નવું પાણી આવ્યું
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ ગિર-સોમનાથ, તા.24
તાલાલા પંથકમાં થયેલ વાવણી ઉપર બે ઈંચ વરસાદ પડતાં ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે.આજે વહેલી સવારથી તાલાલા પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો હતો.આ વરસાદ શહેર તથા આખાં પંથકમાં બે ઇંચથી વધુ પડ્યો હતો.આખો દિવસ પડેલ વરસાદથી આખો પંથક પાણીથી તરબોળ થઈ ગયો છે.આ વરસાદ ગીરના જંગલમાં વધુ પડયો છે. ગીરના જંગલમાં અઢી ઇંચથી પણ વધું વરસાદ ખાબકતાં જંગલમાં આવેલ કમલેશ્વર ડેમમાં નવાં પાણીની આવક શરૂ થઈ છે.આજે સાંજ સુધીમાં કમલેશ્વર ડેમમાં અડધો ફૂટ નવું પાણી આવતા ડેમના પાણીની સપાટી 21.5 ફુટ થઈ છે.અત્યારે પણ આખાં પંથકમાં ધીમીધારે વરસાદ ચાલુ છે.
સૌથી વધુ સુત્રાપાડા અને સૌથી ઓછો વરસાદ ગીર ગઢડા તાલુકામાં નોંધાયો
ગીર સોમનાથ જિલ્લા ડિઝાસ્ટર મેનેજમેન્ટ રૂમ તરફથી પ્રાપ્ત અહેવાલ મુજબ ગીર સોમનાથ જિલ્લાના 6 તાલુકામાં અત્યાર સુધીનો સરેરાશ 145 મી.મી.થી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં 171 મી.મી. અને સૌથી ઓછો ગીર ગઢડા તાલુકામાં 103 મી.મી. વરસાદ નોંધાયો છે. જિલ્લામાં સરેરાશ 6 ઇંચ જેટલો વરસાદ પડ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આમ, જિલ્લામાં અત્યાર સુધી કુલ સરેરાશ 145.33 મી.મી. વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુત્રાપાડા તાલુકામાં અને સૌથી ઓછો વરસાદ ગીર ગઢડા તાલુકામાં નોંધાયો છે.